અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનના કથિત આપઘાત કેસમાં રાજ્ય સરકાર દ્વારા નવેસરથી તપાસના આદેશ અપાયા બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. આ કેસમાં સતત ટાર્ગેટ થઈ રહેલા શિવસેના (UBT) ના ધારાસભ્ય અને નેતા આદિત્ય ઠાકરેએ મૌન તોડીને પોતાની સામે લગાવવામાં આવેલા તમામ વિરોધીઓના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

ચિંતિત થઈને આદિત્ય ઠાકરેએ આપી સફાઈ
સોશિયલ મીડિયા પર સત્તાવાર નિવેદન જાહેર કરતાં આદિત્ય ઠાકરેએ કહ્યું કે, હું દિશા સાલિયાનને ક્યારેય મળ્યો નથી અને વ્યક્તિગત રીતે તેમને ઓળખતો પણ નહોતો. તેમણે ઉમેર્યું કે છેલ્લા છ વર્ષથી કેટલાક લોકો પોતાના અંગત અને સસ્તાં રાજકીય સ્વાર્થ ખાતર કોઈપણ જાતના પુરાવા વિના મારું નામ આ દુઃખદ ઘટના સાથે જોડી રહ્યા છે. આ માત્ર મારું ચારિત્ર્ય હનન કરવાનો અને મને બદનામ કરવાનો સુઆયોજિત પ્રયાસ છે.

ટીવી ડિબેટ અને મીડિયા ટ્રાયલથી સત્ય નહીં બદલાય
આદિત્ય ઠાકરેએ આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, મોટેથી કરવામાં આવતી ટીવી ડિબેટ્સ અને મીડિયા ટ્રાયલથી કેસના સાચા તથ્યો બદલાઈ જતા નથી. તેમણે આ કેસની સત્તાવાર પુનઃતપાસ ચાલુ રાખવાની વાતને સમર્થન આપતાં કહ્યું કે, તપાસ પ્રક્રિયા નિષ્પક્ષ હોવી જોઈએ અને તે રાજકીય દ્વેષભાવ કે વ્યક્તિગત નિશાનાથી પ્રભાવિત ન થવી જોઈએ. પોતાના વિરોધીઓને આડે હાથ લેતાં આદિત્યએ સ્પષ્ટ કર્યું કે, જો કોઈ એવું વિચારતું હોય કે આ પ્રકારના સસ્તા રાજકીય હથકંડા અપનાવીને મને જનતાના અવાજ અને સત્ય માટે લડતા રોકી શકાશે, તો તેમની આ રણનીતિ ક્યારેય સફળ નહીં થાય. હું સત્ય સાથે મજબૂતીથી ઊભો છું અને લડતો રહીશ. તેમણે પોતાના સામે થઈ રહેલા આ અભિયાનની સરખામણી રાહુલ ગાંધી સામે ભૂતકાળમાં ચલાવવામાં આવેલા રાજકીય કાવતરા સાથે કરી હતી.
શું હતો સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, જૂન 2020માં મુંબઈની એક બહુમાળી ઈમારત પરથી રહસ્યમય રીતે પડી જવાથી દિશા સાલિયાનનું મોત નીપજ્યું હતું. મુંબઈ પોલીસની પ્રાથમિક તપાસમાં તેને અકસ્માત ગણાવાયો હતો અને બાદમાં આપઘાતનો કેસ માનવામાં આવ્યો હતો. જોકે, રાજકીય વર્તુળોમાં આ મામલે સતત શંકાઓ વ્યક્ત કરીને નવી તપાસની માંગ કરવામાં આવી રહી હતી.




