નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું હતું કે તે દિલ્હીના સત્ય નિકેતનમાં ઇમારત ધરાશાયી થવાની ઘટનાને ધ્યાનમાં રાખીને દેશમાં ઇમારતોની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓની તપાસ કરવા અંગે વિચાર કરી રહી છે.જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે એમ પણ કહ્યું હતું કે તે સત્ય નિકેતન ઇમારત ધરાશાયી થવાના કેસને દિલ્હી હાઈકોર્ટમાંથી પોતાની પાસે ટ્રાન્સફર કરવા અંગે વિચાર કરશે.
દેશમાં આવી તપાસ થવી જોઈએ
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમારા મનમાં પહેલેથી જ યોજના છે કે દેશમાં આવી તપાસ થવી જોઈએ. અમે તેને (દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહેલી અરજીને) અહીં ટ્રાન્સફર કરાવી શકીએ છીએ. અમે આ મામલે પરમ દિવસે એટલે કે 10 સપ્ટેમ્બરે સુનાવણી કરીશું. કોર્ટનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કોર્ટ દ્વારા નિયુક્ત એમિકસ ક્યુરી (ન્યાયમિત્ર) અને વરિષ્ઠ વકીલ અજિત કુમાર સિંહાએ આ મુદ્દે દાખલ કરવામાં આવેલી એક અરજીનો ઉલ્લેખ કર્યો હતો. આ અરજીમાં દેશના ખાનગી PG આવાસો, હોસ્ટેલ અને વિદ્યાર્થીઓ માટેની અન્ય રહેણાક સુવિધાઓનું તાત્કાલિક નિરીક્ષણ તથા સુરક્ષા ઓડિટ કરાવવા માટે જરૂરી નિર્દેશો આપવાની માગ કરવામાં આવી હતી. અજિત કુમાર સિંહાએ કોર્ટને જણાવ્યું હતું કે તાજેતરમાં બનેલી દુઃખદ ઘટનાને ધ્યાનમાં લેતાં આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. અમે નિરીક્ષણનું કામ પૂર્ણ કરી લીધું છે.

મામલાને પોતાની પાસે ટ્રાન્સફર કરી લો’ – SG તુષાર મહેતા
આ મામલે સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ જણાવ્યું કે દિલ્હી હાઈકોર્ટમાં પણ આ જ પ્રકારનો એક કેસ પેન્ડિંગ છે. તેમણે સુપ્રીમ કોર્ટને સૂચન આપ્યું કે તે મામલાને પોતાની પાસે ટ્રાન્સફર કરી લે. SG મહેતાએ કહ્યું, “આ ભયાનક ઘટના છે. અમારી સંવેદનાઓ બાળકો અને તેમનાં માતા-પિતા સાથે છે. દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. અમે ટ્રાન્સફર અરજી દાખલ કરી શકીએ છીએ, પરંતુ હું તે આદેશનો ઉલ્લેખ કરી રહ્યો છું જે પસાર કરવામાં આવ્યો હતો.




