ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં બુધવારે રાત્રે નવી બની રહેલી બોસકી ધ એમ્પાયર નામની કોમર્શિયલ બિલ્ડિંગની બાંધકામ સાઈટ પર ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. રાત્રે બિલ્ડિંગના ચોથા માળે સેન્ટિંગનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન બે યુનિટ વચ્ચે ઊભું કરવામાં આવી રહેલું લોખંડનું સ્ટ્રક્ચર અચાનક તૂટી પડ્યું હતું. જેના કારણે ત્યાં કામ કરી રહેલા આશરે 15 શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.

ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. બનાવની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની પાંચથી વધુ ગાડીઓ તેમજ રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
ફાયર જવાનો અને રેસ્ક્યૂ ટીમે કાટમાળ હટાવીને અંદર ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. યુદ્ધના ધોરણે હાથ ધરાયેલી બચાવ કામગીરી દરમિયાન તમામ 15 શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
આ દુર્ઘટનામાં 12 શ્રમિકોને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સારવાર બાદ ત્રણ શ્રમિકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ત્રણ કોન્ટ્રાક્ટરો અંગે શ્રમિકોના આક્ષેપ
ઘાયલ શ્રમિકોના જણાવ્યા અનુસાર, આ બિલ્ડિંગના નિર્માણ કાર્યમાં પ્રવીણ મેડા, શાહીલ અને યશ ચૌધરી નામના ત્રણ કોન્ટ્રાક્ટરો સંકળાયેલા છે. દુર્ઘટના બની તે સમયે ત્રણેય કોન્ટ્રાક્ટરો ઘટનાસ્થળે હાજર ન હોવાના આક્ષેપો પણ શ્રમિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.
ચોથા માળે સેન્ટિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક સ્ટ્રક્ચર તૂટી પડતાં આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. ઘટનાને પગલે રેસ્ક્યૂ કામગીરી લાંબા સમય સુધી ચાલી હતી અને સવાર સુધીમાં તમામ 15 શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા.




