કોલંબો: ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મંગળવારે ત્રણ દિવસીય સત્તાવાર પ્રવાસે શ્રીલંકા પહોંચ્યા છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ, દ્વિપક્ષીય સંબંધો અને ક્ષેત્રીય દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત કરવાના હેતુથી આ પ્રવાસ યોજવામાં આવ્યો છે. રાજનાથ સિંહ સંરક્ષણ અને વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. છેલ્લા ૩૮ વર્ષમાં કોઈ ભારતીય સંરક્ષણ મંત્રીની આ પ્રથમ શ્રીલંકા મુલાકાત છે. આ અગાઉ ૧૯૮૮માં તત્કાલીન સંરક્ષણ મંત્રી કે.સી. પંતે શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો.
બંડારાનાયકે આંતરરાષ્ટ્રીય વિમાની મથકે શ્રીલંકાના નાયબ સંરક્ષણ મંત્રી મેજર જનરલ (નિવૃત્ત) અરુણા જયશેકરા અને ભારતીય હાઇકમિશનર સંતોષ ઝા દ્વારા તેમનું પરંપરાગત અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ દરમિયાન રાજનાથ સિંહ શ્રીલંકાના વરિષ્ઠ નેતૃત્વ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો કરશે અને ત્યાં વસતા ભારતીય સમુદાય સાથે પણ સંવાદ સાધશે.
પ્રવાસ શરૂ કરતા પહેલા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની ‘નેબરહૂડ ફર્સ્ટ’ (પાડોશ પ્રથમ) નીતિ અને ‘મહાપાલ/મહાસાગર’ (MAHASAGAR) પહેલ હેઠળ શ્રીલંકા ભારતનું સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર દેશ છે.
આ ઐતિહાસિક પ્રવાસની સાથે જ ભારતીય નૌકાદળનું સ્વદેશી સ્ટીલ્થ ગાઇડેડ-મિસાઇલ ફ્રિગેટ INS ઉદયગિરી પણ કોલંબો બંદરે પહોંચી ગયું છે. શ્રીલંકન નેવીના કર્મચારીઓ આ યુદ્ધજહાજની ક્ષમતાઓની જાણકારી મેળવશે, અનુભવોની આપ-લે કરશે અને તાલીમ પ્રક્રિયામાં ભાગ લેશે. આ સાથે બંને દેશોની સેનાઓ વચ્ચે ગુડવિલ ઇવેન્ટ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.




