રાજ્ય પ્રજ્ઞાચક્ષુ પુરુષ ક્રિકેટ ટીમની પસંદગી સ્પર્ધા : ૭૦ ખેલાડીએ બતાવી કૌશલ્યની તાકાત

આણંદ: રાષ્ટ્રીય અંધજન મંડળ અને ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ્સ ગુજરાત (CABG)ના સંયુક્ત ઉપક્રમે સેવન સ્પોર્ટ્સ એકેડમી, રામપુરા ખાતે ૨૬ અને ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ગુજરાત રાજ્યની પ્રજ્ઞાચક્ષુ પુરુષ ક્રિકેટ ટીમ માટે રાજ્યસ્તરીય પસંદગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

૭૦ ખેલાડીઓએ લીધો ભાગ

આ સ્પર્ધામાં જુદાજુદા જિલ્લાઓથી આશરે ૭૦ જેટલા પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખેલાડીઓએ પોતાના અદમ્ય આત્મવિશ્વાસ, નિષ્ઠા અને શ્રેષ્ઠ રમતગમત કૌશલ્યનું પ્રદર્શન કરીને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે દાવેદારી નોંધાવી હતી.

ઉપસ્થિત મહાનુભાવો

આ પ્રસંગે રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, CABGના સેક્રેટરી કલ્પેશ નિમ્બાડકર, ક્રીડા ભારતી આણંદના સેક્રેટરી કુણાલભાઈ શાહ, સેવન સ્પોર્ટ્સ એકેડમીના મયુરભાઈ, મંત્રી ધવલભાઈ ચૌહાણ (વિ ફોર યુ) તેમજ અન્ય સામાજિક અને રમતગમતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. પરેશભાઈ શાહે કોમેન્ટેટર તરીકે સેવા આપી હતી.

સહયોગી સંસ્થાઓનો આભાર

સ્પર્ધાના સફળ આયોજન માટે સેવન સ્પોર્ટ્સ એકેડમી – રામપુરા, અનામિકા ફેશન આણંદ, ક્રીડા ભારતી આણંદ જિલ્લા અને મણિબા ચેરિટેબલ ટ્રસ્ટ (SPEC કેમ્પસ બાકરોલ) ના અમૂલ્ય સહયોગ બદલ આયોજકોએ આભાર વ્યક્ત કર્યો હતો.

સમાજ માટે પ્રેરણાસ્ત્રોત

પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણવિદ ડો. કાજલ રાવે જણાવ્યું હતું કે પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ પોતાના અદમ્ય આત્મવિશ્વાસ અને સંઘર્ષશીલતાથી સમગ્ર સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. આવી સ્પર્ધાઓથી દિવ્યાંગ ખેલાડીઓને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાનો યોગ્ય મંચ મળે છે.

રાષ્ટ્રીય સ્પર્ધામાં કરશે પ્રતિનિધિત્વ

બે દિવસીય સ્પર્ધાના અંતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી ગુજરાત રાજ્યની બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ માટે કરવામાં આવી છે, જેઓ આગામી રાષ્ટ્રીય બ્લાઇન્ડ ક્રિકેટ સ્પર્ધામાં ગુજરાતનું ગૌરવપૂર્વક પ્રતિનિધિત્વ કરશે.