કોંગ્રેસ રાજકારણ ભૂલીને સમર્થન આપે : કિરણ રિજિજુ

નવી દિલ્હી: કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ શનિવારે પ્રસ્તાવિત સીમાંકન (Delimitation) અને મહિલા અનામત બિલને લઈને વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ પક્ષને રાજકીય મતભેદો બાજુ પર મૂકીને બિલને સમર્થન આપવાની અપીલ કરી છે. સંસદના આગામી વિશેષ સત્ર અગાઉ તેમણે જણાવ્યું હતું કે આ બિલ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત સુનિશ્ચિત કરવાની સાથે જનપ્રતિનિધિઓની સંખ્યા વધારવા માટે લાવવામાં આવી રહ્યું છે.રિજિજુએ ભારપૂર્વક કહ્યું હતું કે પ્રસ્તાવિત બિલમાં દરેક રાજ્ય અને દરેક સમુદાયના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે કોંગ્રેસ અને કોંગ્રેસના કહેવાથી બિલનો વિરોધ કરી રહેલા અન્ય પક્ષોને સંબોધતા કહ્યું કે વડાપ્રધાનની અપીલ બાદ કોંગ્રેસે પોતાનું જૂનું વલણ અને જૂની માનસિકતા બદલવી જોઈએ, રાજકારણ છોડવું જોઈએ અને મહિલા સશક્તિકરણ માટે સંસદમાં બિલ પસાર કરાવવામાં સરકારને સાથ આપવો જોઈએ.

સંસદના વિશેષ સત્ર અંગે બોલતા રિજિજુએ અગાઉ પણ જણાવ્યું હતું કે જ્યારે સરકાર કોઈ સત્ર કે વિશેષ સત્ર બોલાવે છે, ત્યારે દેશ માટે મહત્ત્વપૂર્ણ બિલો અને કામકાજ એજન્ડામાં હોય છે. તેમણે સાંસદોને સંસદીય નિયમો અને પરંપરાઓ મુજબ રચનાત્મક રીતે ચર્ચામાં ભાગ લેવા તથા ગૃહની કામગીરી સુચારૂ ચાલે તેવો સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીમંડળે તાજેતરમાં જ સીમાંકન સાથે જોડાયેલા સંશોધિત બંધારણ સુધારા બિલને મંજૂરી આપી છે, જેના પર ૩૦ નવેમ્બરથી શરૂ થતા વિશેષ સત્રમાં ગૃહમાં ચર્ચા થવાની શક્યતા છે.