ચેન્નઈઃ તામિલનાડુના મદુરાઈમાં આવેલી તિરુપરનકુંદ્રમ પહાડી પર શનિવારે કાર્તિકૈ દીપમ પ્રગટાવવામાં આવ્યો હતો. પહાડી પર આવેલા પથ્થરના સ્તંભ એટલે કે દીપથૂન પર દીપ પ્રગટાવવાની વિધિ સાંજે પાંચ વાગ્યે પૂર્ણ થઈ હતી. ચાર દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટના આદેશ છતાં અહીં દીપ પ્રગટાવવામાં આવ્યો નહોતો. ત્યાર બાદ આ મામલે વિવાદ વધુ વકર્યો હતો.
શનિવારે દીપ પ્રગટાવવા માટે માત્ર 50 શ્રદ્ધાળુઓને પહાડી પર જવાની મંજૂરી આપવામાં આવી હતી. સવારથી જ પહાડીની નીચે મોટી સંખ્યામાં લોકો એકઠા થવા લાગ્યા હતા. અનેક શ્રદ્ધાળુઓ પોતાની સાથે દીવા પણ લઈને પહોંચ્યા હતા. મંદિરની વ્યવસ્થા સંભાળવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત મદ્રાસ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એસ. વૈદ્યનાથન અને વી. પાર્થિબન શનિવારે ચેન્નાઈથી મદુરાઈ પહોંચ્યા હતા. બંને ન્યાયાધીશો પરંપરાગત સંગીત સાથે માટીના દીવા, વાટ અને ઘી લઈને પહાડીની નીચે પહોંચ્યા હતા. આ સામગ્રી તેમણે મંદિર પ્રશાસનને સોંપી હતી. મંદિરમાં પૂજા કર્યા બાદ ન્યાયાધીશોએ પૂજારીઓને તાંબાનું વિશેષ પાત્ર આપ્યું હતું. તેને ‘કોપ્પરઈ’ કહેવામાં આવે છે. પથ્થરના સ્તંભની ટોચ પર આ પાત્ર મૂકવા માટે કર્મચારીઓએ કામચલાઉ મંચ અને માંચડો તૈયાર કર્યો હતો.
દીપ પ્રગટાવવા માટે લગભગ 30 ગ્રામ ઘી, 50 મીટર લાંબી સુતરાઉ કાપડની વાટ અને પાંચ કિલો કપૂરની વ્યવસ્થા કરવામાં આવી હતી. અધિકારીઓ અને પૂજારીઓ સાથે ચર્ચા કર્યા બાદ જસ્ટિસ વૈદ્યનાથને સાંજે પાંચ વાગ્યે દીપ પ્રગટાવવાનો સમય નક્કી કર્યો હતો. મદુરાઈના જિલ્લા કલેક્ટર નિશાંત કૃષ્ણ, પોલીસ અધિકારીઓ અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના પ્રતિનિધિઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા.
દરગાહ પર પહોંચ્યા 100થી વધુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ
તિરુપરનકુંદ્રમ પહાડી પર શનિવારે સવારે 100થી વધુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ દરગાહમાં નમાજ અદા કરવા પહોંચ્યા હતા. તેમાં કેરળથી આવેલા ઝાયરીન (દર્શનાર્થીઓ) પણ સામેલ હતા.
હિંદુ શ્રદ્ધાળુઓએ CRPF જવાનો પર વરસાવ્યાં ફૂલો
દીપમ વિવાદ વચ્ચે પહાડીની સુરક્ષા સંભાળવા પહોંચેલા CRPF જવાનોનું હિંદુ શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોએ ફૂલો વરસાવીને સ્વાગત કર્યું હતું. જવાનો અને તેમનાં વાહનો પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી.




