અમદાવાદ: પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યોજાયેલા ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી. મહામેળામાં દેશ-વિદેશ અને રાજ્યભરમાંથી આવતા લાખો માઈભક્તોને સુગમ અને સુરક્ષિત પ્રવાસ મળી રહે તે માટે એસ.ટી. નિગમ દ્વારા કુલ ૩૦,૦૦૦ જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.
૧૩ લાખથી વધુ મુસાફરોએ લાભ લીધો
જી.એસ.આર.ટી.સી. દ્વારા હાથ ધરવામાં આવેલા આ વિશેષ આયોજનને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. સાત દિવસના ટૂંકા ગાળામાં કુલ ૧૩.૦૪ લાખ મુસાફરોએ આ વધારાની એસ.ટી. બસ સેવાઓનો લાભ મેળવ્યો હતો.
રૂ. ૯.૫૧ કરોડની રેકોર્ડ આવક
શ્રદ્ધાળુઓ દ્વારા જી.એસ.આર.ટી.સી.ની સેવાઓ પર દર્શાવવામાં આવેલા અપ્રતિમ ભરોસા અને ઉત્સાહપૂર્ણ સહકારના પરિણામે નિગમને રૂ. ૯.૫૧ કરોડની આવક થઈ છે.
સુચારૂ આયોજન અને સુરક્ષિત પ્રવાસ
અંબાજી પહોંચતા માઈભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે નિગમ દ્વારા સુરક્ષા, સમયપાલન અને સુવિધાઓનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. નિગમના અધિકારીઓ અને કર્મચારીઓની નિષ્ઠાવાન મહેનતથી આ સમગ્ર પરિવહન આયોજન સંપૂર્ણપણે સફળ રહ્યું છે.






