ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 20મી સિઝનમાં રોહિત શર્મા ફરી એકવાર મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે મેદાનમાં જોવા મળશે. 27 નવેમ્બરે ફ્રેન્ચાઇઝીએ સત્તાવાર જાહેરાત કરીને ફરીથી રોહિત શર્માને ટીમની કેપ્ટનશિપ સોંપી છે. આ નિર્ણય બાદ હવે રોહિત શર્માનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ફરી કેપ્ટનશિપ સ્વીકારવાના નિર્ણય પાછળનું કારણ અને છેલ્લા કેટલાક વર્ષોમાં ટીમના નબળા પ્રદર્શન અંગે ખુલીને વાત કરી છે.

રોહિત શર્માએ IPL 2023 સુધી મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટનશિપ સંભાળી હતી. ત્યાર બાદ છેલ્લી ત્રણ સિઝનથી હાર્દિક પંડ્યા ટીમની કમાન સંભાળી રહ્યા હતા. જોકે, આ સમયગાળા દરમિયાન ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નહોતું. હવે ફ્રેન્ચાઇઝીએ ફરી એકવાર રોહિત પર વિશ્વાસ વ્યક્ત કરીને તેમને કેપ્ટન બનાવ્યા છે.
મને અહેસાસ થયો કે આ એ જ ટીમ છે જેને મેં બનાવી છે: રોહિત
MI TV સાથેની વાતચીતમાં ટીમના માલિક આકાશ અંબાણી સાથે થયેલી ચર્ચાનો ઉલ્લેખ કરતાં રોહિત શર્માએ જણાવ્યું કે શરૂઆતમાં તેઓ ફરી કેપ્ટનશિપ સંભાળવા માટે તૈયાર નહોતા. આ નિર્ણય અંગે વિચારવા માટે તેમણે થોડો સમય લીધો હતો.
રોહિતે કહ્યું, “શરૂઆતમાં મને લાગતું હતું કે હું અત્યારે આ જવાબદારી માટે તૈયાર નથી. મારે ઘરે જઈને આ અંગે વિચારવું પડ્યું. હું એવું નથી કહેતો કે આ ટીમને એક લીડર તરીકે મારી જરૂર છે, પરંતુ અત્યારે ટીમને એક દિશાની જરૂર છે. જો હું આ દિશા આપી શકું તો ટીમને આગળ લઈ જવામાં મને ખુશી થશે.”
તેમણે વધુમાં કહ્યું કે, તેમણે પોતાની ક્ષમતા અને ફરીથી ટીમની કેપ્ટનશિપ સંભાળવાની તૈયારી અંગે વિચાર્યું હતું. જોકે, અનેક બાબતો પર વિચાર કર્યા બાદ તેમને અહેસાસ થયો કે આ એ જ ટીમ છે જેને તેમણે બનાવી છે. તેમણે 10 વર્ષ સુધી આ ટીમની કેપ્ટનશિપ કરી છે. તેથી હવે ફરી એકવાર આ પડકાર સ્વીકારવાનો સમય આવી ગયો હોવાનું તેમને લાગ્યું.
ટીમે ફરી જૂના સ્તરે પહોંચવું પડશે
મુંબઈ ઇન્ડિયન્સ IPL ઇતિહાસની સૌથી સફળ ફ્રેન્ચાઇઝીઓમાંની એક છે. જોકે, છેલ્લા ત્રણ સીઝનમાં ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. આ અંગે રોહિતે કહ્યું કે, છેલ્લી સિઝન ટીમ માટે ખૂબ જ નિરાશાજનક રહી હતી. માત્ર તેઓ જ નહીં, પરંતુ અન્ય ખેલાડીઓ પણ ટીમના પ્રદર્શનથી ખુશ નહોતા.
તેમણે કહ્યું, “જ્યારે તમે સારું રમતા નથી અથવા તમારી ટીમ સારું પ્રદર્શન કરતી નથી ત્યારે નિરાશા થાય છે. દરેક ખેલાડી આ સમયગાળામાંથી પસાર થઈ રહ્યો હતો અને બધા માટે આ મુશ્કેલ સમય હતો. મને લાગ્યું કે આ હવે એ ટીમ રહી નથી, જે એક સમયે હતી. આપણે ફરી એ જ સ્તરે પહોંચવું પડશે. આપણે આ કેવી રીતે કરી શકીએ તેના પર વિચાર કરવાની જરૂર છે.”
રોહિતે સ્પષ્ટ કર્યું કે તેમની નિરાશા માત્ર પ્લેઓફમાં ક્વોલિફાય ન થવાને લઈને નહોતી, પરંતુ ટીમ મેદાન પર સારું પ્રદર્શન કરી શકતી નહોતી તે મુખ્ય ચિંતાનો વિષય હતો. ખેલાડીઓને જે જવાબદારીઓ સોંપવામાં આવી હતી, તે યોગ્ય રીતે નિભાવી શક્યા નહોતા.
પોલાર્ડને ટીમની સંસ્કૃતિ અને ખેલાડીઓની સારી સમજ છે
આગામી સિઝનમાં કિરોન પોલાર્ડ મુંબઈ ઇન્ડિયન્સના હેડ કોચ તરીકે જવાબદારી સંભાળશે. આ અંગે રોહિત શર્માએ પોલાર્ડનાં વખાણ કરતાં કહ્યું કે તેઓ મુંબઈ ઇન્ડિયન્સના દિગ્ગજ ખેલાડી રહ્યા છે અને અનેક મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેમણે ટીમને બહાર કાઢવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.રોહિતે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી પોલાર્ડ બેટિંગ કોચ તરીકે ટીમના કોચિંગ સ્ટાફનો ભાગ રહ્યા છે. તેથી તેમને ટીમમાં શું ચાલી રહ્યું છે તેની સારી સમજ છે. તેઓ મુંબઈ ઇન્ડિયન્સની સંસ્કૃતિ અને આ ટીમ માટે રમવાનો અર્થ પણ સારી રીતે જાણે છે.
રોહિતે વધુમાં જણાવ્યું કે, જ્યારે તેઓ ટીમના કેપ્ટન હતા ત્યારે પોલાર્ડ વાઇસ કેપ્ટન હતા અને તેઓ ઘણીવાર તેમની પાસેથી સલાહ લેતા હતા. બંને વચ્ચે રમતને લગતી અનેક બાબતો પર ચર્ચા થતી હતી. હવે તેઓ પોલાર્ડને માત્ર હેડ કોચ તરીકે નહીં, પરંતુ એક મિત્ર તરીકે પણ જોશે. રોહિતના મતે, રમત અંગે બંનેની વિચારસરણી ઘણી હદ સુધી એકસરખી છે અને પોલાર્ડને સારી રીતે ખબર છે કે કઈ પરિસ્થિતિમાં શું કરવાની જરૂર છે.




