તમે કેવી રીતે ખોરાક ખાઓ છો તે મહત્ત્વનું છે

સદ્‍ગુરુ: ખાવાની અને પાચનની પ્રક્રિયા, જે ખોરાકને માણસના સ્નાયુઓ અને હાડકાંમાં રૂપાંતરિત કરે છે, તે સરળ પ્રક્રિયા નથી. જોકે દરેક વ્યક્તિ તે કરતી હોવા છતાં, મોટાભાગના લોકો તેનો અનુભવ કરતા નથી. જ્યારે હું ખાઉં છું ત્યારે હું ક્યારેય વાત કરતો નથી, કારણ કે આ પ્રક્રિયા એટલો મોટો અનુભવ છે—સ્વાદની રીતે નહીં, પરંતુ જે તમે નથી તે તમે બની રહ્યા છો તે રીતે.

દરરોજ તમે એક ચોક્કસ આદર સાથે ખોરાક લો તે ખૂબ જ મહત્ત્વનું છે. તમે જોશો કે તમે અત્યારે જે ખોરાક ખાઈ રહ્યા છો તેમાંથી ચોથા ભાગનું ખાશો અને છતાં પણ તમે ઠીક રહેશો.

મેં મારાં પરદાદી સાથે આ જોયું છે. તેઓ 113 વર્ષની ઉંમર સુધી જીવ્યાં. સવારે તેમને નાસ્તો આપવામાં આવતો, જેને લઈને તેઓ કીડીઓ, નાનાં પશુઓ અને પક્ષીઓને ખવડાવતાં. તેઓ પોતે ખાવાનું શરૂ કરે તે પહેલાં લગભગ બે તૃતીયાંશ ખોરાક પૂરો થઈ ગયો હોય.

જ્યારે તેમણે પોતાનો ખોરાક આપી દીધો હોય ત્યારે તેઓ આંખોમાં આંસુ સાથે ત્યાં બેઠાં હોય. કીડીઓ ખાઈ રહી હોય તે જોઈને તેઓ એટલાં આનંદિત થઈ જતાં. જ્યારે લોકોએ તેમને ઠપકો આપ્યો, “તમે કંઈ ખાઈ નથી રહ્યાં. આ ઉંમરે તમારું શું થશે?” ત્યારે તેમનો જવાબ હતો, “હું પહેલેથી જ ધરાઈ ગઈ છું.” જ્યારે કીડીઓએ ખાધું, ત્યારે જાણે તેમણે પણ ખાઈ લીધું.

જો તમે ખરેખર ખાવાની આ અદ્ભુત પ્રક્રિયાનો અનુભવ કરો, જ્યાં શાકભાજી, ફળ અને બીજું જે કંઈ પણ તમે ખાઓ છો તે એક માણસમાં રૂપાંતરિત થાય છે, તો એ કેટલો આનંદદાયક અનુભવ હશે! પરંતુ મોટા ભાગના લોકો ગાયની જેમ વાગોળે છે અને પછી તેને ગળી જાય છે. તમે જે ખોરાક ખાઓ છો તેના પ્રત્યેનો આવો અભિગમ બરાબર નથી.

જે તમને ટકાવી રાખે છે અને પોષણ આપે છે તેના માટે જો તમને આદરભાવ ન હોય, તો તે તમારામાં જશે અને તમને જુદી જુદી રીતે અસર કરશે. તમારે ખોરાક પ્રત્યે એક ચોક્કસ પ્રકારનો અભિગમ રાખવો જોઈએ, કારણ કે તે ‘તમે’ બની જવાનો છે.

તમારા રોજના ભોજનમાં તમારી બધી પ્રાર્થનાઓ કરતાં ઘણી વધુ પવિત્રતા છે, કારણ કે જો તમે પાંચ દિવસ સુધી ખાશો નહીં, તો તમે ભગવાન નહીં માગો, તમે ખોરાક માગશો.

જો તમને સતત પોષણ આપતી વસ્તુઓ—તમે જે ખોરાક ખાઓ છો, જે ધરતી પર ચાલો છો, જે પાણી પીઓ છો અને જે હવા શ્વાસમાં લો છો—તેના પ્રત્યે કેવી રીતે આદરભાવ રાખવો તે તમે જાણતા નથી, તો તમે જીવનની સુંદરતાને જાણશો નહીં.

તમે જીવશો, પરંતુ જો તમારો અભિગમ તેમના પ્રત્યે યોગ્ય હોય તો દરેક નાની વસ્તુ કેવી રીતે સંપૂર્ણપણે અને અતિશય સુંદર બની શકે છે, તે તમે જાણી શકશો નહીં.

ઘણા લોકો માટે તેમનાં લગ્ન તેમના જીવનની સૌથી સુંદર બાબત બની ગયાં છે, પરંતુ બીજા ઘણા લોકો માટે લગ્ન સૌથી ખરાબ બાબત બની ગયાં છે. એ જ તમારા જીવનના દરેક પાસાં સાથે પણ સાચું છે. દરેક વસ્તુ તમારા જીવનનું સૌથી સુંદર પાસું અથવા સૌથી ખરાબ પાસું બની શકે છે.

જો તમે વિવશતાપૂર્વક ખાઓ તો ખોરાક અત્યંત ખરાબ વસ્તુ બની શકે છે. પરંતુ એ જ ખોરાકને જો તમે યોગ્ય અભિગમ અને આદરભાવ સાથે ગ્રહણ કરો, તો તે કેટલી સુંદર વસ્તુ બની શકે છે!

(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કારપદ્મ વિભૂષણઆપવામાં આવ્યો છે. સાથે તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટમાટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.