અમદાવાદ: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આજે સવારે 10:00 વાગ્યે ફ્રેશ નાઉકાસ્ટ બુલેટિન જારી કરવામાં આવ્યું. જે મુજબ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કયા જિલ્લામાં રેડ એલર્ટ?
હવામાન વિભાગની આગાહી મુજબ, રેડ એલર્ટ હેઠળ આવતા જિલ્લાઓમાં પ્રતિ કલાક 15 mm કે તેથી વધુ વરસાદ વરસી શકે છે. આ સાથે જ 41થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે. મધ્યમથી ભારે ગાજવીજ સાથે જમીન પર વીજળી પડવાની 60 ટકાથી વધુ સંભાવના રહેલી છે. સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, વડોદરા, આણંદ, ખેડા, અરવલ્લી, મહેસાણા, રાજકોટ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર અને ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?
બનાસકાંઠા, પાટણ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા તથા નગર હવેલી જિલ્લામાં 5 થી 15 mm પ્રતિ કલાકના દરે મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. ગાજવીજ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પણ 41થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વીજળી પડવાની 30થી 60 ટકા સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા નિર્દેશો અનુસાર, રેડ અને ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા, નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ અને ટ્રાફિકજામ સર્જાઈ શકે છે. નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, જૂના કે જર્જરિત મકાનો તથા વૃક્ષોથી દૂર રહેવા અને વીજળીના કડાકા દરમિયાન સુરક્ષિત સ્થળે આશરો લેવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.




