સુભાષ ચંદ્રા પર LIC હાઉસિંગ ફાઇનાન્સ છેતરપિંડી કેસ નોંધાયો

નવી દિલ્હીઃ એસ્સેલ ગ્રુપના ચેરમેન સુભાષ ચંદ્રાની મુશ્કેલીઓ ફરી એક વાર વધી છે. CBIએ સુભાષ ચંદ્રા સહિત અન્ય લોકો સામે છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. મિડિયા રિપોર્ટ્સ અનુસાર CBIએ આ કેસમાં સુભાષ ચંદ્રા ઉપરાંત પંકજ સુરોલિયા, અમીષ પાંડ્યા અને રાજીવ ઢોલકિયાને પણ આરોપી બનાવ્યા છે. તેમના પર 2018થી 2026 દરમિયાન LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ સાથે રૂ. 1322 કરોડથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે.

એસ્સેલ ગ્રુપના ચેરમેન અને ઝી ગ્રુપના સ્થાપક સુભાષ ચંદ્રાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. CBIએ ચંદ્રા અને અન્ય લોકો વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. તેમના પર LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ સાથે લગભગ રૂ. 1322 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે.

શું છે મામલો?

કંપનીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે સુભાષ ચંદ્રાએ M/s વસંત સાગર પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય કંપનીઓ માટે લોન મેળવવા માટે એક નેટવર્થ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું, તેમાં જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2018માં તેમની નેટવર્થ રૂ. 59,113 કરોડ હતી. આ સર્ટિફિકેટને આધારે કંપનીએ સુભાષ ચંદ્રા સાથે સંકળાયેલી ત્રણ કંપનીઓને લોન આપી હતી, પરંતુ નાદારીની કાર્યવાહી દરમિયાન ચંદ્રાએ દાવો કર્યો હતો કે તેમની નેટવર્થ ક્યારેય પણ રૂ. 50,000 કરોડ નહોતી. LIC હાઉસિંગ ફાઇનાન્સે તેમની સામે છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડીનું કાવતરું રચવાના આરોપ હેઠળ ફોજદારી ફરિયાદ નોંધાવી છે.

રિપેમેન્ટ પ્લાન શું હતો?

સુભાષ ચંદ્રા તાજેતરમાં વ્યક્તિગત નાદારીપણાના એક કેસને લઈને ચર્ચામાં આવ્યા હતા. બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓએ આ મામલે રૂ. 22,006.57 કરોડની વસૂલાતનો દાવો કર્યો હતો. જોકે તેમણે માત્ર રૂ. 6.5 કરોડની ચુકવણીનો પ્લાન રજૂ કર્યો હતો. ચંદ્રાના આ પ્લાનને લેણદારો દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ પણ તેને યોગ્ય ઠેરવ્યો હતો. જોકે, LIC હાઉસિંગ ફાઇનાન્સે તેનો વિરોધ કર્યો હતો. LIC હાઉસિંગ ફાઇનાન્સે રૂ. 1322.39 કરોડનો દાવો કર્યો હતો, પરંતુ રિપેમેન્ટ પ્લાન મુજબ તેને માત્ર રૂ. 38.09 લાખ મળવાના હતા.