ભાવનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સફળ રાષ્ટ્રસેવા અને જનસેવા કાળના અવસરે ‘સેવા, સંકલ્પ અને સમર્પણ’ અભિયાન ભાજપ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવનગર શહેર અને જિલ્લાને રૂ. 738.09 કરોડના મૂલ્યના 79 વિવિધ વિકાસકાર્યોની મોટી ભેટ આપી છે. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ તેમજ ઈ-ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું.
મુખ્ય કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ વિદ્યાનગર વિસ્તાર ખાતે રૂ. 33 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન જિલ્લા કલેક્ટર કચેરીનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ વયોશ્રી યોજનાના 5 લાભાર્થીઓને સાધન-સહાય કિટ વિતરણ, 13 સફાઈ કર્મચારીઓનું વિશેષ સન્માન અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના 5 લાભાર્થીઓને પ્રતિકરૂપે ઘરની ચાવી અર્પણ કરવામાં આવી હતી.
જાહેર સભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિકાસ સાથે સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સમાજના છેવાડાના માનવીની સુખાકારી એ રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે આ અભિયાનને જનભાગીદારીનું મહાઅભિયાન બનાવી ‘વિકસિત ભારત’ના સંકલ્પ સાથે ‘વિકસિત ગુજરાત’ અને ‘વિકસિત ભાવનગર’ના નિર્માણમાં સહભાગી થવા સૌ નાગરિકોને આહ્વાન કર્યું હતું.
આ અવસરે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આ બહુભાષી વિકાસકાર્યોના પરિણામે ભાવનગરના સર્વાંગી વિકાસને નવી ગતિ અને દિશા મળી છે. આ કાર્યક્રમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ, વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.






