JPSC પરીક્ષા ગેરરીતિ: સુપ્રીમ કોર્ટે ઝારખંડ સરકાર સહિત છને ફટકારી નોટિસ

રાંચીઃ ઝારખંડ લોક સેવા પંચ (JPSC)ની સંયુક્ત સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષા-2025માં કથિત ગેરરીતિઓ અને અનિયમિતતાઓનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની માગ કરતી અરજી પર સુનાવણી દરમિયાન ઝારખંડ સરકાર અને JPSC સહિત તમામ છ પ્રતિવાદીઓને નોટિસ જાહેર કરી છે. CJI સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આગામી સુનાવણી માટે ટૂંક સમયમાં તારીખ નક્કી કરવાના નિર્દેશ આપ્યા છે.

CBI અથવા ફોરેન્સિક તપાસની માગ

અદાલતમાં સુનાવણી દરમિયાન અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મનન કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે રાજ્યમાં વિદ્યાર્થીઓ સતત રસ્તા પર ઊતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. માત્ર JPSC જ નહીં, પરંતુ ઝારખંડ કર્મચારી પસંદગી પંચ (JSSC)ની પરીક્ષાઓને લઈને પણ વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ અને વિવાદની સ્થિતિ છે. તેમણે સમગ્ર મામલાની તપાસ કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) દ્વારા કરાવવાની અથવા સુપ્રીમ કોર્ટના કોઈ નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના કરવાની માગ કરી હતી.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

અરજદારની આ માગ પર CJI સૂર્યકાંતે સ્પષ્ટ અને વ્યવહારુ વલણ અપનાવ્યું. તેમણે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે આ મામલે કોઈ ભૂતપૂર્વ ન્યાયાધીશ પાસે તપાસ કરાવવી યોગ્ય રહેશે નહીં, કારણ કે આ માત્ર વહીવટી તપાસ પંચનો વિષય નથી.અદાલતે કહ્યું હતું કે જો પરીક્ષામાં કોઈ ગેરરીતિ થઈ હોય તો તે વાસ્તવિક ગુનાહિત તપાસનો મામલો બની શકે છે. તેમાં ફોરેન્સિક તપાસ, ડિજિટલ પુરાવાઓનું વિશ્લેષણ અને ટેક્નિકલ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસની જરૂર પડશે. આ પ્રકારની તપાસ માત્ર કુશળ અને વ્યાવસાયિક તપાસ એજન્સી જ યોગ્ય રીતે કરી શકે છે.

આગામી સુનાવણીની તારીખ ટૂંક સમયમાં નક્કી થશે

સુનાવણી દરમિયાન ઝારખંડ સરકારના વકીલે અદાલતની નોટિસ સ્વીકારી લીધી હતી. સર્વોચ્ચ અદાલતે અન્ય તમામ પ્રતિવાદીઓને પણ તાત્કાલિક નોટિસ પાઠવવાના નિર્દેશ આપ્યા છે.