શું UP ચૂંટણીમાં AAP અને સપા કરશે ગઠબંધન?

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે સપાપ્રમુખ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સપા અને AAP સાથે મળીને ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યા છે?

સંજય સિંહ લખનૌ સ્થિત સપા કાર્યાલય પહોંચ્યા હતા, જ્યાં તેમણે અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી. 2027ની યુપી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જોકે બંને પક્ષો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તેમ છતાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે બંને પાર્ટીઓ ચૂંટણીને ધ્યાનમાં રાખીને સાથે આવી શકે છે.

બંધારણ અને અનામત માટે ભાજપ સૌથી મોટો ખતરો: સંજય સિંહ

સંજય સિંહે મુલાકાત બાદ સોશિયલ મિડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે બંધારણ અને અનામત માટે ભાજપ સૌથી મોટો ખતરો છે. તેમના જણાવ્યાનુસાર ભાજપે અનામત ખતમ કરવાના મુદ્દે ફરીથી અભિયાન તેજ કર્યું છે. તેમણે લોકોને ભાજપની આ કોશિશને નિષ્ફળ બનાવવાની અપીલ કરી હતી. તેમણે 69,000 શિક્ષક ભરતીના મુદ્દાને પણ ઉઠાવ્યો અને આરોપ લગાવ્યો હતો કે યોગી સરકારે 69,000 શિક્ષકોની ભરતીમાં પછાત વર્ગના લોકોનો હક માર્યો છે. તેમણે કહ્યું હતું કે આ મુદ્દે રસ્તાથી લઈને સંસદ અને સુપ્રીમ કોર્ટ સુધી તેમના અધિકારો માટે લડાઈ લડવામાં આવશે. સંજય સિંહે જણાવ્યું હતું કે આવા અનેક મુદ્દાઓ પર સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે વિગતવાર ચર્ચા થઈ છે.

AAP ઉત્તર પ્રદેશમાં રાજકીય જમીન શોધી રહી છે

બીજી તરફ, અખિલેશ યાદવ ભાજપને સત્તામાંથી દૂર કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. તેઓ કોંગ્રેસ સાથે મળીને ભાજપના વિજયરથને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ, આમ આદમી પાર્ટી પણ ઉત્તર પ્રદેશમાં પોતાની રાજકીય જમીન મજબૂત કરવાની કોશિશ કરી રહી છે. છેલ્લાં ઘણા વર્ષોથી સંજય સિંહ ઉત્તર પ્રદેશમાં AAP માટે રાજકીય આધાર ઊભો કરવાની દિશામાં કામ કરી રહ્યા છે.