ઉત્તર પ્રદેશ : રિલાયન્સ ગ્રૂપના સીનિયર એક્ઝિક્યુટિવ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ના પ્રમુખ ધનરાજ પરિમલ નથવાણી ઉત્તર પ્રદેશથી સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર બન્યા છે. 30 સપ્ટેમ્બરના રોજ તેમણે લખનઉ ખાતે પક્ષ પ્રમુખ અખિલેશ યાદવ અને વરિષ્ઠ નેતા પ્રોફેસર રામગોપાલ યાદવની ઉપસ્થિતિમાં વિધિવત ઉમેદવારી પત્ર ભર્યું હતું.
ધનરાજ નથવાણી રિલાયન્સ ગ્રૂપમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ વરિષ્ઠ જવાબદારીઓ સંભાળે છે અને રિલાયન્સ કોર્પોરેટ આઈટી પાર્કના બોર્ડ સભ્ય પણ છે. તેઓ રમતગમત ક્ષેત્રે પણ સક્રિય યોગદાન આપી રહ્યા છે; અમદાવાદ સ્થિત વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું સંચાલન કરતા ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ના તેઓ પ્રમુખ છે.
આ ઉપરાંત, તેમની સામાજિક અને સંસ્થાકીય ભૂમિકાઓ ધર્મ, વન્યજીવ અને શિક્ષણ ક્ષેત્રે પણ વિસ્તરેલી છે. તેઓ દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિના ઉપાધ્યક્ષ છે. તેમજ ગુજરાત સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફ, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) અને જર્મી (GERMI) જેવી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે.
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પૂરતું સંખ્યાબળ હોવાને કારણે સમાજવાદી પાર્ટીના બંને ઉમેદવારો—પ્રો. રામગોપાલ યાદવ અને ધનરાજ નથવાણીની જીત સુનિશ્ચિત માનવામાં આવે છે. 16 ઓક્ટોબરના રોજ આ ચૂંટણી યોજાનાર છે. ઉમેદવારી પત્ર ભર્યા બાદ ધનરાજ નથવાણીએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવનો આભાર માનતા જણાવ્યું હતું કે તેઓ જાહેર જીવનના આ નવા તબક્કામાં દેશ અને ઉત્તર પ્રદેશના વિકાસ માટે શ્રેષ્ઠ પ્રદાન આપવા તત્પર છે.






