સરહદી વિસ્તારોમાં ઘૂસણખોરી અંગે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક

ગાંધીનગર: ગુજરાતના સરહદી વિસ્તારોની સુરક્ષાને વધુ સુદ્રઢ કરવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી (નાયબ મુખ્યમંત્રી) હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘ગુજરાત ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડ’ની એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડની વિભાવના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં ભુજ ખાતે સરહદી જિલ્લાઓની બેઠકમાં આપી હતી. આ સુરક્ષા ફ્રેમવર્ક ચાર મુખ્ય સ્તંભો પર આધારિત છે: સરહદ રક્ષક દળો, કેન્દ્રીય એજન્સીઓ, રાજ્ય અને જિલ્લા પ્રશાસન, અને નાગરિકો.

‘વન બોર્ડર-વન પિક્ચર-વન ચેઈન ઓફ એક્શન’

આ બેઠકમાં “વન બોર્ડર-વન પિક્ચર-વન ચેઈન ઓફ એક્શન”ના વિઝન અંતર્ગત વિવિધ એજન્સીઓ વચ્ચે સુમેળ અને સંકલન સાધીને સરહદોની સુરક્ષા વધારવા અંગે ગહન મંથન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સરહદી વિસ્તારોમાં ઘૂસણખોરી, નશીલા પદાર્થોની તસ્કરી, વસ્તી સંતુલન (ડિમોગ્રાફિક ચેન્જ), આર્થિક ગુનાઓ અને ગેરકાયદે દબાણો જેવા ૬ મુખ્ય ક્ષેત્રો પર કેન્દ્રિત થઈને ૩૬૦ ડિગ્રી દેખરેખ રાખવાની યોજના ઘડી કાઢવામાં આવી છે.

મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીના કડક આદેશો

બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય પોલીસ તંત્રના સંયુક્ત પ્રયાસોની સરાહના કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારોમાં કોઈપણ પ્રકારની અસામાજિક કે ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં અને આવા તત્વો સામે આકરા પગલાં લેવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ સંબંધિત વિભાગોની કામગીરીને બિરદાવતા ભારપૂર્વક કહ્યું હતું કે, સરહદી સુરક્ષાના કામોને રોજીંદા કામકાજથી અલગ રાખીને પરિણામલક્ષી અભિગમ સાથે પૂર્ણ કરવા જરૂરી છે. તેમણે સરહદી વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી વિના વિલંબે ચાલુ રાખવા માટે એજન્સીઓને કડક સૂચના આપી હતી.આ સમીક્ષા બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસ, વિવિધ વિભાગોના અગ્ર સચિવો, રાજ્ય પોલીસ વડા (DGP), વિવિધ રેન્જના આઈજી તેમજ સરહદી જિલ્લાઓના કલેક્ટરો અને પોલીસ અધિક્ષકો (SP) પણ ઉપસ્થિત રહ્યા હતા.