ચાંગા : ચારુસેટ યુનિવર્સિટી (CHARUSAT)એ ગ્રીન કેમ્પસ અને સસ્ટેનેબિલિટી (ટકાઉ વિકાસ) ક્ષેત્રે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. યુનિવર્સિટીએ પ્રથમ વખત ‘UI GreenMetric World University Rankings 2026’માં પ્રવેશ મેળવીને વિશ્વની ૧૧૦ દેશોની ૨,૦૧૬ ભાગ લેનારી સંસ્થાઓમાંથી ૧,૧૨૨મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ રેન્કિંગમાં ચારુસેટે ભારતમાં ૫૧મો ક્રમાંક મેળવ્યો છે, જ્યારે ગુજરાત રાજ્યની તમામ યાદીબદ્ધ સંસ્થાઓમાં તે સર્વોચ્ચ ક્રમાંકિત યુનિવર્સિટી બની છે.
‘Universitas Indonesia’ દ્વારા સ્થાપિત આ વૈશ્વિક રેન્કિંગ સિસ્ટમમાં સંસ્થાઓનું મૂલ્યાંકન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, વેસ્ટ મેનેજમેન્ટ, વોટર મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટેશન, એજ્યુકેશન એન્ડ રિસર્ચ તેમજ ગવર્નન્સ જેવા પરિમાણો પર કરવામાં આવ્યું છે. ચારુસેટે કુલ ૫૨૫૭.૫નો સ્કોર મેળવીને આ ઉપલબ્ધિ મેળવી છે.
આ સિદ્ધિ અંગે ખુશી વ્યક્ત કરતા ચારુસેટના પ્રોવોસ્ટ ડૉ. અતુલ પટેલે જણાવ્યું હતું કે, “રેન્કિંગમાં અમારો પ્રથમ પ્રવેશ અને ગુજરાતમાં સર્વોચ્ચ સ્થાન મેળવવું એ સમગ્ર ચારુસેટ પરિવાર માટે ગૌરવની ક્ષણ છે. ચારુસેટમાં સસ્ટેનેબિલિટી એ માત્ર એક પ્રક્રિયા નથી પરંતુ તે અમારા અભ્યાસક્રમ અને કેમ્પસ કલ્ચરનો ભાગ છે.” જ્યારે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. બિનિત પટેલે ઉમેર્યું હતું કે, આ વૈશ્વિક રેન્કિંગ સંસ્થાની સસ્ટેનેબિલિટી પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સાચી દિશા દર્શાવે છે.






