જીનિવા: સંયુક્ત રાષ્ટ્ર (UN)ના નવા અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૫માં વિશ્વભરમાં આશરે ૪૭,૦૦૦ મહિલાઓ અને બાળકીઓની હત્યા તેમના જીવનસાથી અથવા નજીકના પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી. આ આંકડો દરરોજ સરેરાશ ૧૨૯ મોત અને દર કલાકે લગભગ પાંચ મહિલાઓ કે બાળકીઓની હત્યા દર્શાવે છે, જે ઘરોમાં થતી લિંગ-આધારિત હિંસાની ગંભીર સ્થિતિ સામે લાવે છે.
UN ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ (UNODC) અને UN વિમેન દ્વારા પ્રસિદ્ધ કરાયેલા ‘ફેમિસાઈડ બ્રીફ ૨૦૨૬’ અહેવાલમાં નોંધાયું છે કે ૨૦૨૫માં કુલ ૭૮,૦૦૦ ફેમિસાઈડ (મહિલાઓ અને બાળકીઓની લિંગ-સંબંધિત હત્યાઓ) નોંધાઈ હતી, જેમાંથી લગભગ ૬૦ ટકા એટલે કે ૪૭,૦૦૦ હત્યાઓ જીવનસાથી કે નજીકના સગાઓ દ્વારા થઈ હતી. આ આંકડો ૨૦૨૪ના ૫૦,૦૦૦ના અંદાજ કરતાં થોડો ઓછો છે, પરંતુ UNએ સ્પષ્ટતા કરી છે કે દેશ-સ્તરના ડેટાની ઉપલબ્ધતામાં ફેરફારને કારણે આ તફાવત દેખાય છે અને આને વાસ્તવિક ઘટાડો ગણી શકાય નહીં.
પ્રાદેશિક આંકડાઓ પર નજર કરીએ તો, ૨૦૨૫માં આફ્રિકામાં સૌથી વધુ ૨૨,૧૦૦ મહિલાઓ અને બાળકીઓની જીવનસાથી કે પરિવારજનો દ્વારા હત્યા થઈ હતી. ત્યારબાદ એશિયામાં ૧૫,૧૦૦, અમેરિકામાં ૭,૪૦૦, યુરોપમાં અંદાજે ૨,૧૦૦ અને ઓશનિયામાં લગભગ ૩૦૦ મોત નોંધાયા છે. અહેવાલમાં એ પણ દર્શાવાયું છે કે સામાન્ય હત્યાના દરમાં ઘટાડાની સરખામણીમાં ફેમિસાઈડના દરમાં ઘટાડો ઘણો ધીમો રહ્યો છે.
UNODCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મોનિકા જુમાએ જણાવ્યું હતું કે ભયજનક વલણો, સામાજિક રૂઢિઓ અને સંસ્થાકીય સુરક્ષાના અભાવને કારણે પત્ની, પુત્રી, માતા કે બહેનની હત્યાને ‘સહ્ય’ ગણવાનું વાતાવરણ સર્જાય છે. જ્યારે UN વિમેનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સિમા બહૌસે ચેતવણીના સંકેતો વહેલા ઓળખીને તાત્કાલિક પગલાં લેવા પર ભાર મૂક્યો હતો, જેથી કોઈ પીડિતા સુરક્ષા વિના ન રહે અને ગુનેગારો જવાબદારીમાંથી છટકી ન શકે.




