NSEL કૌભાંડમાં ઐતિહાસિક સમાધાન, અનિશ્ચિતતા પર વિશ્વાસનો વિજય

મુંબઈ : વાતાવરણમાં ઉત્સુકતા હતી, હળવી ગુસપુસ ચાલુ હતી, વર્ષોના તણાવ પછીની રાહત સ્પષ્ટ અનુભવાતી હતી. ૨૦૧૩ના કાળઝાળ ઓગસ્ટથી શરૂ થયેલો ૧૪ વર્ષનો એક લાંબો, દર્દનાક વનવાસ આખરે આજે પોતાના આખરી મુકામે પહોંચ્યો હતો. મંચ પર બૉમ્બે હાઈ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અને NCLT (નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ) નિયુક્ત મોનિટરિંગ ઑથોરિટીના અધ્યક્ષ જસ્ટિસ એસ.સી. ગુપ્તે બિરાજમાન હતા. એમણે પોતાના આગવા સ્મિત સાથે માઈક સંભાળ્યું અને લાંબું ભાષણ આપવાને બદલે રમૂજી શૈલીમાં કહ્યું: ‘ચાલો, વાતોમાં સમય બગાડવા કરતાં આપણે સીધું પે આઉટનું બટન દબાવીએ, જેથી રોકાણકારોનાં ખાતાંમાં નાણાં પહોંચી જાય!’

એક જ ક્લિક અને ૧૯૫૦ કરોડ રૂપિયાની તોતિંગ રકમ ૫૬૮૨ રોકાણકારો અને વેપારીઓનાં બૅન્ક ખાતામાં ટ્રાન્સફર થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. તાળીઓના ગડગડાટ પછી જસ્ટિસ ગુપ્તેએ સમજાવ્યું કે પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ ઍક્ટ  (PMLA) અને મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઑફ ઈન્ટરેસ્ટ ઑફ ડિપોઝિટર્સ ઍક્ટ  (MPID) જેવા કડક કાયદા ડિફૉલ્ટરની સંપત્તિ ટાંચમાં લેવા માટે ભલે ગમે એટલા શક્તિશાળી હોય, પણ હજારો નાના-મોટા રોકાણકારોના હાથમાં રોકડા નાણાં પાછાં પહોંચાડવા માટે કંપની લૉ હેઠળનું વન ટાઈમ સેટલમેન્ટ  (OTS) જ સાચો માસ્ટર સ્ટ્રોક છે. ભારતીય કૉર્પોરેટ અને કાનૂની ઈતિહાસમાં આ પહેલી એવી અભૂતપૂર્વ ઘટના હતી જ્યાં કોઈ પેરન્ટ કંપનીએ પોતાની ટેક્ધોલૉજીના બળે અને વિશાળ હૃદય રાખીને રોકાણકારોને આટલું મોટું વળતર ચૂકવ્યું હોય.

પેર્ડ કૉન્ટ્રેક્ટ્સનો જાદુઈ ખેલ

વાતની શરૂઆત ૨૦૦૮થી થાય છે. ખેડૂતોને વચેટિયાઓની નાગચૂડમાંથી મુક્તિ મળે એ હેતુ સાથે નૅશનલ સ્પૉટ એક્સચેન્જ લિમિટેડ  (NSEL)ની સ્થાપના કરવામાં આવી હતી. 63 Moons Technologies (તત્કાલીન ફ્યુચર ટેક્ધોલૉજીસ-FTIL) એની પેરન્ટ કંપની હતી. શરૂઆતમાં બધું જ ગુલાબી હતું, પરંતુ પછી એક્સચેન્જ પર લલચામણા પેર્ડ કૉન્ટ્રેક્ટ્સ  શરૂ થયા. ગણિત સાવ સાદું, પણ ચકરાવે નાખે એવું હતું: રોકાણકારે આજે T+2 સેટલમેન્ટ હેઠળ એરંડા, ડાંગર કે ખાંડ જેવી કૉમોડિટી ખરીદવાની અને એ જ દિવસે T+25 કે T+35 સેટલમેન્ટમાં ઊંચા ભાવે વેચવાનો સોદો પક્કો કરી લેવાનો! રોકાણકારોને વાર્ષિક ૧૫ ટકાનું ગૅરન્ટીડ વળતર દેખાતું હતું.

જોખમ વગરની કમાણીના આ જાદુમાં લોકો અટવાયા, પરંતુ જે કૉમોડિટી ગોડાઉનમાં પડી હોવાના દાવા થતા હતા એમાંથી મોટા ભાગનાં ગોડાઉનો કાં તો ખાલીખમ હતાં અથવા તો એક જ માલ પર મલ્ટિપલ લોન લેવાઈ ગઈ હતી. ભાંડો ફૂટતાં ૩૧ જુલાઈ, ૨૦૧૩ના રોજ સરકારે નવા સોદા પર રોક લગાવી અને નાણાકીય ચક્ર થંભી ગયું. રાતોરાત ૫૬૦૦ કરોડ રૂપિયાનું સેટલમેન્ટ ડિફૉલ્ટ જાહેર થયું અને આશરે ૧૩,૦૦૦ રોકાણકારોના જીવ અધ્ધર થઈ ગયા. તપાસમાં ખુલાસો થયો કે આ આખી રકમ બાવીસથી ૨૪ ડિફૉલ્ટિંગ બોરોઅર્સ ગપચાવી ગયા હતા.

ધરપકડ ને અન્ડરવર્લ્ડની ધમકી

કૌભાંડ બહાર આવતાં જ હાહાકાર મચી ગયો. મિડિયામાં સતત એક હજાર દિવસ સુધી નકારાત્મક સમાચારો ચાલ્યા. રોકાણકારોનો આક્રોશ ચરમસીમાએ હતો, પણ બહુ ઓછા લોકો જાણે છે કે કટોકટીના પહેલા જ મહિનામાં એટલે કે ઓગસ્ટ, ૨૦૧૩માં NSELએ 63 Moonsના સહયોગથી ૧૭૯ કરોડ રૂપિયા એકઠા કરીને ૧૦ લાખ રૂપિયા સુધીનું રોકાણ ધરાવતા ૭૦૫૩ નાના ઈન્વેસ્ટર્સને ૧૦૦ ટકા નાણાં ચૂકવીને પૂર્ણ રાહત આપી દીધી હતી!

અલબત્ત, મોટા રોકાણકારોની બાકી રકમ માટેનો રસ્તો કાંટાળો હતો. એફટીના પ્રમોટર જિજ્ઞેશ શાહ સામે તપાસના આદેશ છૂટ્યા. મુંબઈ પોલીસના ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) દ્વારા એમની ધરપકડ પણ થઈ. આ એ જ સમય હતો જ્યારે ડિફૉલ્ટર બોરોઅર્સ તરફથી જિજ્ઞેશ શાહને અન્ડરવર્લ્ડની જાનલેવા ધમકીઓ મળતી હતી. આખરે EOW પોલીસે જ એમને અન્ડરવર્લ્ડ સામે સુરક્ષાછત્ર પણ આપ્યું.

સરકારે તત્કાલીન સમયમાં FTIL અને NSELનું ફરજિયાત મર્જર કરવાનો આદેશ આપ્યો હતો, જેથી પેરન્ટ કંપનીની તિજોરીમાંથી નાણાં વસૂલ કરી શકાય, પરંતુ કંપનીએ કાનૂની લડત આપી. આખરે એપ્રિલ, ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું કે બન્ને કંપની અલગ અસ્તિત્વ ધરાવે છે એટલે મર્જર રદબાતલ. તદુપરાંત EOW, ED અને CBIની લાંબી તપાસમાં સાબિત થયું કે ૫૬૦૦ કરોડમાંથી એક પણ રૂપિયો NSEL, 63 Moons કે જિજ્ઞેશ શાહ પાસે ગયો નહોતો, ફંડ ટ્રેલ માત્ર ૨૨-૨૪ ડિફૉલ્ટરો સુધી જ જતો હતો.

સમાધાનનો સૂર્યોદય

કાનૂની જીત મળ્યા પછી એક નવો મોડ આવ્યો. NSEL ઈન્વેસ્ટર્સ ફોરમ (NIF)ના અધ્યક્ષ શરદ સરાફે સાહસિક પગલું ભર્યું. એમણે તમામ પીડિતોને સમજાવ્યા કે ‘નાણાં જિજ્ઞેશ શાહ પાસે નથી, પણ ડિફૉલ્ટરો પાસે છે. આપણે અંદરોઅંદર લડવાને બદલે 63 Moons સાથે હાથ મિલાવીને ડિફૉલ્ટરો પાસેથી વસૂલાત તરફ આગળ વધવું જોઈએ.’ સુશીલ જીવરાજકા અને કમિટીના આઠ સભ્યોએ રાત-દિવસ એક કરીને સમાધાનનો અંક લખ્યો.

છેવટે ૧૯૫૦ કરોડ રૂપિયાની વન ટાઈમ સેટલમેન્ટ (OTS) સ્કીમ તૈયાર કરવામાં આવી. ચમત્કાર થયો. સંખ્યાની દૃષ્ટિએ ૯૨.૮૧ ટકા અને મૂલ્યની દૃષ્ટિએ ૯૧.૩૫ ટકા રોકાણકારોએ યોજનાની તરફેણમાં વોટિંગ કર્યું. ત્યાર બાદ NCLT-મુંબઈએ આ OTS યોજનાને આખરી મંજૂરી આપી. આ યોજના હેઠળ નાના રોકાણકારોને એમનાં બાકી લેણાંના ૧૦૦ ટકા સુધી અને મોટા વેપારીઓને આશરે ૪૧.૯૪ ટકા રિકવરી મળી રહી છે. બદલામાં રોકાણકારો પોતાના ક્લેઈમ 63 Moonsને ટ્રાન્સફર કરે છે, જેથી હવે 63 Moons મૂળ ડિફૉલ્ટરો સામે કાનૂની જંગ લડીને એમની સંપત્તિઓ ટાંચમાંથી છૂટી કરાવી વસૂલાત કરશે.

અનોખું ‘મહારાષ્ટ્ર મોડેલ’

63 Moonsના સ્થાપક અને ચીફ મેન્ટોર જિજ્ઞેશ શાહ પોતાના દિલની વાત રજૂ કરતાં કહે છે: ‘સર્વોચ્ચ અદાલતમાં વિજય મળ્યા પછી અમારા ગુરુ નમ્રમુનિ મહારાજ સાહેબે મને માર્ગદર્શન આપ્યું કે જો વિજયને ખરા અર્થમાં સત્યમેવ જયતે  બનાવવો હોય તો સૌને સાથે લઈને ચાલો અને સૌના આશીર્વાદથી સમાધાન કરો. બસ, પછી ઓટીએસને આખરી ઓપ આપ્યો. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ ઓટીએસને સર્વજન હિતાય  ગણાવ્યું. ખરું પૂછો તો આ યોજના એક મહારાષ્ટ્ર મોડેલ  બની છે, જે ભારતને ન્યુ યોર્ક, લંડન અને સિંગાપોરની હરોળમાં મૂકે છે. બીજું, દેશનું સમર્થ ન્યાયતંત્ર ન હોત તો કદાચ હું તમારી સામે જીવતો ઊભો ન હોત.’

જાણવાલાયક વાત એ છે કે ૨૦૧૩માં ગુજરાતના કેટલાક પીડિતો તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને મળવા ગયા ત્યારે મોદીસાહેબે એમને સાંભળ્યા પછી સ્પષ્ટ કહ્યું હતું કે ‘હું બન્ને પક્ષને સાંભળ્યા વિના નિર્ણય નહીં લઉં.’  એટલે જ જિજ્ઞેશભાઈ ગુજરાત પોલીસની ધરપકડથી બચી ગયા. પછી એક કાર્યક્રમમાં અમિત શાહને નહીં જવાની ભલામણ કરવામાં આવી હતી, કેમ કે સ્પૉન્સર જિજ્ઞેશ શાહની વિવાદિત કંપની હતી. અમિતભાઈએ એ સલાહ નકારતાં કહ્યું હતું કે ‘કોર્ટ દોષિત ન ઠેરવે ત્યાં સુધી આરોપી નિર્દોષ જ ગણાય!’

અહીં જિજ્ઞેશ શાહ મહત્ત્વની સ્પષ્ટતા કરે છે કે આ સમાધાન માત્ર સિવિલ (નાગરિક) સ્તરનું છે. 63 Moons કે એમણે કોઈ ગુનાહિત કાર્યવાહીમાંથી છુટકારો (criminal discharge) માગ્યો નથી. ક્રિમિનલ કેસો કોર્ટમાં સ્વતંત્ર રીતે ચાલશે અને એનો સામનો કરવા પોતે સંપૂર્ણપણે તૈયાર છે. 63 Moonsના મૅનેજિંગ ડિરેક્ટર એસ. રાજેન્દ્રન્ અને NSELના નીરજ શર્માએ પણ આ લાંબી લડાઈમાં સાથ આપનાર તમામ કાનૂની ટીમ અને અધિકારીઓનો આભાર માન્યો હતો.

વિચાર કરો, દેશ-વિદેશમાં એકથી એક તગડાં દસેક ટ્રેડિંગ એક્સચેન્જિસનું નિર્માણ કરનારા જિજ્ઞેશ શાહે એનએસઈએલ સ્કૅમને પગલે આઠેક એક્સચેન્જમાંથી એક્ઝિટ લેવી પડી. જો સ્કૅમ ન થયું હોત તો કેટલાં નવાં એક્સચેન્જ ધમધમતાં થયાં હોત.

– તો હવે પછી શું? એ પ્રશ્નના ઉત્તરમાં જિજ્ઞેશભાઈ કહે છે: ‘બીજા વિશ્વયુદ્ધ પછી જપાન સંપૂર્ણપણે મટી ગયું હતું, પણ પોતાના ઝનૂન અને ટેક્નોલૉજીના બળે એ ફરી ઊભું થયું. 63 Moons પણ હવે એ જ જોશ સાથે સાઈબર સિક્યોરિટી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને નવી ડિજિટલ ટેક્નોલૉજીના ક્ષેત્રે નવી ઉડાન ભરી રહી છે.’

(સમીર પાલેજા – મુંબઈ)