વડોદરા: ૧૪૫-માંજલપુર વિધાનસભા મતવિસ્તારની આગામી પેટાચૂંટણી-૨૦૨૬ માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા વહીવટી, સુરક્ષા અને તકનીકી તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આગામી ૩૦ જુલાઈ, ૨૦૨૬ (ગુરૂવાર)ના રોજ યોજાનારા મતદાનમાં કુલ ૨,૧૯,૪૯૪ મતદારો ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના હરીફ ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે.
ચૂંટણી વ્યવસ્થા અને ટેકનોલોજીનો ઉપયોગ
સમગ્ર મતવિસ્તારના ૬૨ સ્થળો પર કુલ ૨૬૦ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં ૧૦૦% લાઈવ વેબકાસ્ટિંગ અને સીસીટીવી કવરેજ રહેશે. મતદાન મથકો પરનું ભારણ ઘટાડવા પ્રતિ બૂથ મહત્તમ ૧,૨૦૦ મતદારોની મર્યાદા નક્કી કરાઈ છે. આ ઉપરાંત, મતદારો પોતાના ફોન સુરક્ષિત જમા કરાવી શકે તે માટે દરેક કેન્દ્ર બહાર ‘મોબાઈલ ડિપોઝિટ કાઉન્ટર’ ઊભા કરાશે. ECINET એપ દ્વારા પ્રિઝાઇડિંગ ઓફિસર દર બે કલાકે મતદાનની ટકાવારી અપડેટ કરશે.
સર્વસમાવેશી અને આદર્શ મતદાન મથકો
મતદારોની સુવિધા માટે ૨ મતદાન મથકો સંપૂર્ણપણે મહિલા સ્ટાફ દ્વારા અને ૨ દિવ્યાંગ સ્ટાફ દ્વારા સંચાલિત રહેશે, જ્યાં વ્હીલચેર અને સ્વયંસેવકોની ખાસ સુવિધા હશે. આ સિવાય ૫ આદર્શ મતદાન મથકો પણ તૈયાર કરાયા છે. વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે ઘરેથી મતદાન (હાર્ડ હોમ વોટિંગ) સુવિધા હેઠળ ૧૦૭ નાગરિકોએ અગાઉથી બેલેટ પેપરથી મતદાન પૂર્ણ કર્યું છે.
સુરક્ષા, EVM અને મતદાન માટેના પુરાવા
ચૂંટણી પ્રક્રિયા માટે ‘ભારતીય વિદ્યા ભવન, મકરપુરા’ને ડિસ્પેચ, રિસિપ્ટ, સ્ટોંગ રૂમ અને મતગણતરી કેન્દ્ર તરીકે નિયુક્ત કરાયું છે. પૂરતા પ્રમાણમાં EVM અને VVPATs ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે તેમજ આચારસંહિતાના અમલ માટે FST અને SST જેવી વિવિધ ટીમો કાર્યરત છે. ECI દ્વારા માન્ય ૧૨ અધિકૃત ઓળખકાર્ડ (જેમ કે ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, સરકારી ઓળખપત્ર વગેરે) માંથી કોઈપણ એક રજૂ કરીને મતદાન કરી શકાશે, જ્યારે એનઆરઆઈ મતદારોએ અસલ પાસપોર્ટ રજૂ કરવાનો રહેશે.
ચૂંટણીતંત્ર દ્વારા આચારસંહિતા ભંગ અંગે આવેલી C-vigil ફરિયાદનું ૧૦૦ મિનિટમાં નિવારણ કરાયું છે. વડોદરા જિલ્લા ચૂંટણીતંત્રે તમામ પાત્રતા ધરાવતા નાગરિકોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લઈ મતદાન કરવા અપીલ કરી છે.




