નવી દિલ્હીઃ દેશના અનેક વિસ્તારો હાલમાં ભારેથી અતિ ભારે વરસાદનો સામનો કરી રહ્યા છે. એ દરમિયાન હવામાન વિભાગે (IMDએ) ચેતવણી આપી છે કે આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાશે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, ગુજરાતથી લઈને પૂર્વોત્તર રાજ્યો સુધી 15થી વધુ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ મુજબ ઓડિશા અને ગંગીય પશ્ચિમ બંગાળ પર બનેલા ઊંડા દબાણ, ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ, દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પૂર્વોત્તર આસામના નીચલા ટ્રોપોસ્ફિયરમાં સર્જાયેલા ચક્રવાતીય પરિભ્રમણ તથા પશ્ચિમી વિક્ષોભના પ્રભાવને કારણે આગામી સાત દિવસ (28 જુલાઈથી ત્રીજી ઓગસ્ટ) સુધી દેશભરમાં મુશળધાર વરસાદનો દોર ચાલુ રહેશે.
આ છ રાજ્યોમાં અતિભારે વરસાદનું એલર્ટ
IMD અનુસાર નીચેનાં છ મુખ્ય રાજ્યોમાં 21 સેન્ટિમીટર અથવા તેથી વધુ અતિ ભારે વરસાદ પડી શકે છે:
- ઓડિશા: 28 જુલાઈએ થન્ડરસ્ક્વોલ (50-60 કિમી/કલાકથી 70 કિમી/કલાકની ઝડપે પવન) સાથે અતિભારે વરસાદ.
- છત્તીસગઢ: 28 અને 29 જુલાઈએ અનેક સ્થળોએ ભારેથી અતિ ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિ મુશળધાર વરસાદ.
- પૂર્વ મધ્ય પ્રદેશ: 29 જુલાઈએ અતિ ભારે વરસાદનું એલર્ટ.
- વિદર્ભ: 29 અને 30 જુલાઈએ મુશળધાર વરસાદની શક્યતા.
- પશ્ચિમ મધ્ય પ્રદેશ: 30 જુલાઈએ અતિ ભારે વરસાદ.
- ગુજરાત: 31 જુલાઈએ અતિ ભારે વરસાદની આગાહી.
ઉત્તર-પશ્ચિમ ભારત: યુપી, દિલ્હી, રાજસ્થાન અને પર્વતીય રાજ્યોની સ્થિતિ
ઉત્તર-પશ્ચિમ ભારતનાં રાજ્યોમાં 28 જુલાઈથી ત્રીજી ઓગસ્ટ દરમિયાન વ્યાપક વરસાદ નોંધાશે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 28 જુલાઈએ અતિ ભારે વરસાદ, 29-30 જુલાઈ તથા 2-3 ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા છે. 28થી 30 જુલાઈ દરમિયાન ગાજવીજ અને વીજળી પડવાની પણ ચેતવણી છે.
Heavy to very heavy rain forecast for Maharashtra, Gujarat, UP, Odisha, and J&K starting today. Flash flood warnings have been issued for vulnerable watersheds in Odisha, Jharkhand, and Uttarakhand. Plan your travel carefully! #Monsoon2026
#WeatherUpdate pic.twitter.com/6LWMqUKEkC— Yogendra Singh Rajput (@yogirajput12) July 28, 2026
મધ્ય અને પશ્ચિમ ભારત: મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત
ગુજરાતમાં 30 જુલાઈ તથા 1-2 ઓગસ્ટે અતિ ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 31 જુલાઈથી પહેલી ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ અને 40-50 કિમી/કલાકની ઝડપે તોફાની પવનનું એલર્ટ આપવામાં આવ્યું છે.




