કોલકાતાઃ પાંચ જુલાઈએ દક્ષિણ દિનાજપુર જિલ્લાના મહેંદીપારા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં પ્રતિબંધિત કફ સિરપની અંદાજે 1500 બોટલો જપ્ત કરવામાં આવી હતી. આ મામલે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી. આકરી પૂછપરછ દરમિયાન ધરપકડ કરાયેલા તસ્કરોએ આ ગેરકાયદે નેટવર્કના નાણાકીય વ્યવહારો અને મુખ્ય સ્થાનો અંગે માહિતી આપી હતી.
આ માહિતીને આધારે દક્ષિણ દિનાજપુર જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ટીમ અને માલદા પોલીસે સંયુક્ત અભિયાન હાથ ધર્યું હતું. પોલીસે ઓલ્ડ માલદાના મંગલબાડી વિસ્તારમાં આવેલી એક બહુમાળી ઇમારતના ત્રીજા માળે આવેલા ફ્લેટમાં દરોડો પાડ્યો, જ્યાંથી ભારે માત્રામાં રોકડ રકમ અને સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.
પોલીસના જણાવ્યાનુસાર આ ફ્લેટ દિલીપ સાહા નામની વ્યક્તિનો છે, જેને પિન્ટુ સરકાર ભાડે લીધો હતો. ફ્લેટની તલાશી દરમિયાન પોલીસે ત્યાંથી રૂ. 2,40,97,380 રૂપિયા જપ્ત કર્યા હતા. એ ઉપરાંત 20 ગ્રામ સોનું અને એક લેપટોપ પણ મળી આવ્યાં હતાં. આટલી મોટી રકમ મળ્યા બાદ નોટોની ગણતરી માટે સ્થળ પર ત્રણ નોટ ગણતરી મશીનો મગાવવામાં આવ્યાં હતાં અને રોકડ ગણવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ મામલે 28 વર્ષીય પિન્ટુ સરકાર, 32 વર્ષીય ગોપાલ ચાકી અને 30 વર્ષીય સુશાંત હાલદારની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓ માલદા પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ હવે વધુ તપાસ કરી રહી છે અને આ તસ્કરીના નાણાંના સંબંધો અન્ય ક્યાં સુધી પહોંચે છે તેમ જ આ સમગ્ર સિન્ડિકેટમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે જાણવા પ્રયત્ન કરી રહી છે. આ દરમિયાન માલદા જિલ્લા પોલીસની બીજી એક ટીમે ખૈહટ્ટા વિસ્તારમાં દરોડા અને તલાશી અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાન દરમિયાન પ્રતિબંધિત કફ સિરપની 9000 બોટલો જપ્ત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ દક્ષિણ દિનાજપુર જિલ્લાના મહેંદીપારા વિસ્તારમાંથી પ્રતિબંધિત કફ સિરપનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. બીજી તરફ ગયા અઠવાડિયે બિરભૂમ જિલ્લા પોલીસે વેપારી મીનાર મંડલના ઘરેથી રૂ. 28 કરોડ રોકડ અને 15 કિલોગ્રામ સોનાનાં બિસ્કિટ જપ્ત કર્યાં હતાં.



