રેતી માફિયાના ઘરેથી 28 કરોડ રોકડ, 15 કિલો સોનું જપ્ત

કોલકાતા: પશ્ચિમ બંગાળ પોલીસ જ્યારે બીરભૂમ જિલ્લાના એક ઘરમાં દરોડો પાડવા પહોંચી ત્યારે અંદરનું દૃશ્ય જોઈને અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઘરની અંદરનો માહોલ જાણે કોઈ બોલિવુડ ફિલ્મના દૃશ્ય જેવો હતો. રૂમોમાં નોટોથી ભરેલી બોરીઓ અને મોટી માત્રામાં સોનું જોઈને પોલીસ કર્મચારીઓની આંખો ચમકી ઊઠી. આ ઘર એક પૂર્વ સરકારી બસ ડ્રાઈવરનું હોવાનું સામે આવ્યું. સામાન્ય દેખાતું આ ઘર અંદરથી રૂ. 28 કરોડની રોકડ રકમ અને 15 કિલો સોનાનો જથ્થો છુપાવી રાખશે, એવી કલ્પના પોલીસે પણ કરી નહોતી.

પાંચ મશીનો વડે ગણવામાં આવી નોટોથી ભરેલી બોરીઓ

રોકડની માત્રા એટલી વિશાળ હતી કે તેને હાથથી ગણવી શક્ય નહોતી. ત્યાર બાદ પોલીસે નોટ ગણવાની પાંચ મશીનો મગાવી અને બોરીઓમાં ભરેલી રકમની ગણતરી શરૂ કરી. પ્રાપ્ત માહિતી અનુસાર નોટોની સંખ્યા એટલી વધુ હતી કે ગણતરી દરમિયાન મશીનો પણ બંધ પડી ગઈ હતી. ઘણા કલાકોની મહેનત બાદ આ કથિત કાળાં નાણાંની ગણતરી પૂર્ણ થઈ શકી. આ વ્યક્તિનું નામ મીનાર મંડલ છે, જે અગાઉ સરકારી બસનો ડ્રાઈવર હતો, પરંતુ હાલ તે રેતી માફિયા તરીકે ઓળખાય છે.

રૂ. 28 કરોડ રોકડ અને 15 કિલો સોનું

ઘરમાંથી મળેલી રોકડ અને સોનાને લઈ જવા માટે પોલીસને લોખંડના પાંચ મોટાં બોક્સ મગાવવા પડ્યાં. તેમાં ભરીને જપ્ત કરાયેલી રકમ અને સોનું પોલીસ સાથે લઈ ગઈ. ભૂતપૂર્વ ડ્રાઈવર મીનાર મંડલ ઉર્ફે ટુલ્લુ મંડલ ઉર્ફે મોહમ્મદ નઝીબુદ્દીનનું દેવચા ગામમાં બે માળનું મકાન છે, જ્યાં આ દરોડો પાડવામાં આવ્યો હતો. ઘરમાંથી 1-1 કિલો વજનની સોનાની 14 સળિયા (ગોલ્ડ બાર) અને 100-100 ગ્રામ વજનના સોનાનાં 10 બિસ્કિટ મળી આવ્યાં. જપ્ત કરાયેલા સોનાની વર્તમાન બજાર કિંમત અંદાજે રૂ. 21.5 કરોડ હોવાનું જણાવાયું છે.

ભૂતપૂર્વ બસ ડ્રાઈવર પાસે આટલી સંપત્તિ કેવી રીતે?

અધિકારીઓના જણાવ્યાનુસાર અનેક થેલીઓમાં ભરેલી રોકડ રકમ રૂ. 28 કરોડથી વધુ હતી. મીનાર મંડલનો બીરભૂમના પથ્થર ખનન અને વેપાર ક્ષેત્રમાં મોટો વ્યવસાય છે. વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ તેને “બાલુ માફિયા”નો સંચાલક ગણાવ્યો છે. બીરભૂમ જિલ્લામાં કથિત ગેરકાયદે ખનન અને સરકારી આવકની ચોરી સામે ચાલી રહેલી મોટી કાર્યવાહી દરમિયાન આ મામલો સામે આવ્યો છે. નોંધનીય છે કે બીરભૂમ જિલ્લો લાંબા સમયથી પથ્થર વેપાર સાથે જોડાયેલા ગેરકાયદે ખનન અને સંગઠિત ગુનાખોરીના આરોપોને કારણે તપાસના કેન્દ્રમાં રહ્યો છે.