UP ચૂંટણીઃ મહિલા મતો માટે ભાજપ-સપા વચ્ચે રાજકીય કશ્મકશ

લખનૌઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027 હજુ ઘણા મહિના દૂર છે, પરંતુ મહિલાઓના મતોને લઈને રાજકીય જંગ તેજ બની રહ્યો છે. એવા અહેવાલો છે કે ભાજપ સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની મહિલાઓ માટે રોકડ સહાય યોજના પર વિચાર કરી રહી છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે સત્તામાં પરત ફરશે તો મહિલાઓ માટે વાર્ષિક 40,000 રૂપિયાની સહાય યોજના શરૂ કરવાની જાહેરાત કરીને આ હરીફાઈને વધુ તેજ બનાવી દીધી છે.

ઉત્તર પ્રદેશના મતદારોમાં લગભગ અડધી સંખ્યા મહિલાઓની છે અને તેમને એક અલગ ચૂંટણીલક્ષી ટાર્ગેટ તરીકે પણ જોવામાં આવે છે. 10 એપ્રિલ, 2026એ જાહેર થયેલી અંતિમ મતદાર યાદી અનુસાર ઉત્તર પ્રદેશમાં 13.39 કરોડ નોંધાયેલા મતદારો છે, જેમાં 6.09 કરોડ મહિલાઓ છે. કુલ મતદારોમાં મહિલાઓની ભાગીદારી 45.46 ટકા છે, જ્યારે પુરુષોની ભાગીદારી 54.54 ટકા છે.

અખિલેશે ભાજપના પ્રસ્તાવને ગણાવ્યો ‘જુમલો’

અખિલેશે અગાઉ X પર એક પોસ્ટ દ્વારા કથિત 20,000 રૂપિયાની સહાયના પ્રસ્તાવને વધુ એક ‘જુમલો’ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપ પાસે હવે મત માગવા માટે પૈસા સિવાય કંઈ બચ્યું નથી. ત્યાર બાદ અખિલેશે જાહેરાત કરી કે સપાની સરકાર બનશે તો દરેક મહિલાને દર વર્ષે 40,000 રૂપિયા આપવામાં આવશે અને આ રકમમાં દર વર્ષે વધારો પણ કરવામાં આવશે.

ભાજપ અને સપા વચ્ચે મહિલા મતદારોને રીઝવવાની હોડ

આને કારણે ભાજપ એક પ્રકારની મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જો ભાજપ ઓછી રકમની જાહેરાત કરે છે તો સપા તેને અપૂરતી ગણાવી શકે છે અને જો ભાજપ રકમ વધારે છે તો ચૂંટણીલક્ષી હરીફાઈ વધુ તીવ્ર થવાનું જોખમ રહેશે.

અગાઉની ચૂંટણીઓમાંથી મળેલો બોધપાઠ

2022ની વિધાનસભા ચૂંટણીમાં 559 મહિલાઓએ ચૂંટણી લડી હતી. કોંગ્રેસે 155 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે ભાજપે 45, બસપાએ 38 અને સપાએ આશરે 42 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી. જોકે, તેમાંથી માત્ર 47 મહિલાઓ જ ચૂંટણી જીતી શકી હતી. કોંગ્રેસની એક અને સપાની 12 મહિલા ઉમેદવારો વિજયી બની હતી, જ્યારે બાકીની વિજેતા મહિલા ઉમેદવારો ભાજપ અને તેના સહયોગી પક્ષોમાંથી હતી.