યુદ્ધ અને ટેરિફના આંચકા વચ્ચે જુલાઈમાં નિકાસ $ 44.2 અબજ

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને અમેરિકન ટેરિફને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં સતત પડકારો વચ્ચે ભારતના એક્સપોર્ટ સેક્ટરે જુલાઈમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જુલાઈ, 2026માં ભારતની ગુડ્સ એક્સપોર્ટ વાર્ષિક ધોરણે 19.63 ટકા વધીને રેકોર્ડ $ 44.24 અબજ પર પહોંચી હતી. એન્જિનિયરિંગ ગુડ્સ અને ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સની મજબૂત માગે એક્સપોર્ટને વેગ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે એક્સપોર્ટમાં આ ઝડપી વૃદ્ધિ સાથે એક ચિંતા પણ સામે આવી છે. જુલાઈમાં ભારતની  વેપાર ખાધ (ટ્રેડ ડેફિસિટ) વધીને $ 31.98 અબજ થઈ હતી, જે ગયા વર્ષે આ જ મહિનામાં $ 27.88 અબજ હતી. જૂન, 2026માં ટ્રેડ ડેફિસિટ $ 30.43 અબજ રહી હતી.

નવ મહિનાની ટોચે પહોંચી આયાત

જુલાઈમાં ભારતની આયાત વધીને $ 76.22 અબજ થઈ છે. આ છેલ્લા નવ મહિનાનું સૌથી ઊંચું સ્તર છે. ખાતર, પેટ્રોલિયમ, ઇલેક્ટ્રોનિક્સ અને કોલસાની વધુ ખરીદીએ ઇમ્પોર્ટ બિલ વધાર્યું. એટલે કે ભારત વિદેશોમાં વધુ સામાન વેચી રહ્યું છે, પરંતુ બીજી તરફ દેશની ઇમ્પોર્ટ જરૂરિયાતો પણ ઝડપથી વધી રહી છે. આ જ કારણ છે કે રેકોર્ડ એક્સપોર્ટ છતાં ટ્રેડ ડેફિસિટ વધી છે.

ચાંદીની ખરીદીમાં મોટો ઘટાડો

કીમતી ધાતુઓના ઇમ્પોર્ટમાં પણ અલગ-અલગ તસવીર જોવા મળી છે. જુલાઈમાં સોનાની આયાત 4.77 ટકા વધીને $ 4.16 અબજ રહ્યું હતું. જ્યારે ચાંદીની આયાત 66.1 ટકા ઘટીને માત્ર $ 171.68 મિલિયન રહ્યું હતું. સરકારે મે મહિનામાં સોના અને ચાંદી સહિત કીમતી ધાતુઓ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી હતી. ત્યાર બાદ ચાંદીની આયાત માગમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

અમેરિકા સૌથી મોટું એક્સપોર્ટ બજાર

સૌથી રસપ્રદ બાબત એ રહી કે અમેરિકાએ ટેરિફ લાદ્યા બાદ પણ જુલાઈમાં અમેરિકા ભારતનું સૌથી મોટું એક્સપોર્ટ ડેસ્ટિનેશન રહ્યું, જ્યારે ચીન સૌથી મોટું ઇમ્પોર્ટ સોર્સ બન્યું છે. પશ્ચિમ એશિયામાં સંકટ હોવા છતાં આ ક્ષેત્રમાં ભારતનું એક્સપોર્ટ ગયા વર્ષના જુલાઈની સરખામણીમાં લગભગ 8.62 ટકા વધ્યું હતું.

ચાર મહિનામાં $ 173.78 અબજની એક્સપોર્ટ

નાણાકીય વર્ષ 2026-27ના એપ્રિલ-જુલાઈ દરમિયાન ભારતનું ગુડ્સ એક્સપોર્ટ 17.04 ટકા વધીને $ 173.78 અબજ થઈ છે. આ વૃદ્ધિમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની મોટી ભૂમિકા રહી છે, જોકે તેમાં કિંમતોની અસર પણ સામેલ છે.