વાસ્તુદોષ અને અસુરક્ષાની લાગણી: રક્ષક જ ભયનું કારણ બને ત્યારે?

જેને સુરક્ષા માટે રાખવામાં આવ્યા હોય, એ જ જો અસુરક્ષાની લાગણી ઊભી કરે તો શું થાય? આપણે આપણી આસપાસની સ્થિતિથી એટલા બધા ટેવાઈ ગયા છીએ કે અન્ય સાથે કશું ખરાબ થયું હોય તો પણ આપણે રાહ જોઈએ છીએ કે આપણી સાથે થશે ત્યારે જોઈ લઈશું. ઈતિહાસ પણ આ વાતની સાક્ષી પૂરે છે. દરેક વિદેશી આક્રમણ વખતે દરેક રાજ્ય પોતાનો નંબર આવે ત્યારે લડી લેવાની રાહ જોતું રહ્યું. આઝાદીના આટલાં વર્ષો પછી પણ આપણે ગુલામ કેવી રીતે બન્યા એની સમજણ કેટલાક લોકોમાં નથી આવી, એ આઘાતજનક ઘટના જ કહેવાય.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: થોડા દિવસ પહેલાં એક સિક્યોરિટી ગાર્ડે એક યુવતી પર બળાત્કાર કર્યો અને તેનો મોબાઈલ ઝૂંટવીને ભાગી ગયો. આ સમાચાર સાંભળ્યા પછી મેં અમારા ગાર્ડ પાસે તેનું ઓળખપત્ર માંગ્યું. બીજા દિવસે તેની સાથેના થોડા ગાર્ડ પણ ન આવ્યા. મેં તુરંત ઓફિસમાં વાત કરી કે આપણી એજન્સીનું સત્તાવાર રજીસ્ટ્રેશન તો છે ને? તેમણે કોઈ સંતોષકારક જવાબ ન આપ્યો.

જો ગાર્ડ અને એજન્સી જવાબદાર નથી, તો તેના કરતાં ગાર્ડ ન હોય તેવી સ્થિતિમાં લોકો વધુ સુરક્ષિત હોય એવું લાગે. લાખો રૂપિયા મેન્ટેનન્સ માટે આપ્યા પછી પણ કોઈ માણસ માત્ર ખુરશી સાચવવા માટે ગાર્ડ તરીકે બેઠો હોય એ કેટલું વ્યાજબી છે? એજન્સીએ પોતાનું રજીસ્ટ્રેશન રિન્યુ કર્યું છે કે નહીં, એ જોવાની જવાબદારી સોસાયટીની હોવી જોઈએ. પરંતુ આપણી સોસાયટીની જેમ અન્ય જગ્યાઓ પણ હશે, જ્યાં આવા લોકો નોકરી કરતા હશે.

અમારા જમાનામાં તો સોસાયટીના સભ્યો જ અમુક દિવસો નક્કી કરીને સોસાયટીની સુરક્ષા માટે રાત્રિ જાગરણ કરતા હતા. અને પોતાના લોકો માટે લાગણી પણ હતી. હવેના જમાનામાં બહારનું ખાવાનું વાસી કે વાંધાજનક હોવાનું છાપામાં આવે તો પણ બીજા દિવસે ત્યાં ભીડ જામતી હોય ત્યારે લોકોની માનસિકતા પણ ખરેખર સવાલ ઊભો કરે છે. આ આખી પ્રક્રિયામાં કોનો વાંક ગણાય?

જવાબ: કોનો વાંક છે એ શોધવાના બદલે આપણે શું કરવું જોઈએ એ સમજવું જરૂરી છે. જે અન્ય સાથે થયું છે, એ પોતાની સાથે પણ થઈ શકે છે. એની સમજણ જ્યારે આવશે ત્યારે જ વ્યવસ્થા સુધરશે.

એક સભ્ય સંસ્કૃતિ જ્યારે મજાકના રવાડે ચડે ત્યારે નીતિમત્તાની જગ્યાએ માનસિક નમાલાપણું દેખાય. કોઈની વાનગીમાં વંદો નીકળ્યો હોય તો બીજા દિવસે એ જગ્યાને સીલ વાગે કે ન વાગે, લોકોએ તેનો બહિષ્કાર કરવો જોઈએ. જે એજન્સીના ગાર્ડે બળાત્કાર કર્યો, એ એજન્સીના માલિક સામે શું કાર્યવાહી થઈ એ જાણવામાં કેટલાને રસ હશે? ક્યાંક એ જ એજન્સીના ગાર્ડ પોતાને ત્યાં તો નથી ને? આવો સવાલ કેટલાને થયો હશે? તમે જૂની પેઢીના છો એટલે તમને આવો વિચાર આવ્યો. બાકીના લોકો કદાચ ‘મારે શું?’ આવા વિચારે જીવી રહ્યા હશે.

આપણે દેખાડા માટે જીવીએ છીએ. સોસાયટીમાં કેટલા ગાર્ડ છે એ તો ચેક કરીએ છીએ, પરંતુ એ જગ્યાનો ઇતિહાસ કેટલા લોકો ચેક કરે છે? સજાગ સમાજ જ સુરક્ષિત રહી શકે છે.

સૂચન: નૈઋત્ય અને અગ્નિ દિશાના વાસ્તુદોષને કારણે વ્યક્તિમાં અસુરક્ષાની લાગણી વધે છે. ઈશાનમાં ઉત્તર તરફ દ્વાર હોય ત્યારે પોતાના અંગત લોકો પીઠ પાછળ અલગ થઈ જાય તેવી લાગણી થતી હોવાનું વાસ્તુશાસ્ત્રમાં માનવામાં આવે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)