વાસ્તુ: ભક્તિમાં સમર્પણ છે કે દેખાડો?

માણસ જ્યારે ભક્તિ કરે છે ત્યારે ઘણી વાર એ બધું જ કરે છે જે એને પોતાને ગમે છે અને માની લે છે કે સામેની વ્યક્તિને પણ એ ગમશે જ. જ્યારે એ પ્રેમ કરે છે ત્યારે એ બધું કરે છે જે સામેવાળાને ગમતું હોય.

જ્યાં સુધી ભક્તિમાં અપેક્ષા નથી હોતી ત્યાં સુધી સમર્પણ હોય છે અને જ્યારે એમાં અપેક્ષાઓ ભળે છે ત્યારે દેખાડો આવી શકે છે. પ્રેમ સ્વીકૃતિ માગે છે, જ્યારે ભક્તિ સમર્પણ. પણ શું આપણે એ બંનેને સમજી શક્યા છીએ ખરા?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: પાણીપુરીના ગણેશ, બંદૂકવાળા ગણેશ વગેરે સાંભળ્યા પછી વિચાર આવે છે કે શું આ બધું શાસ્ત્રોક્ત છે? શું ભક્તિમાં નિયમોનું પાલન જરૂરી નથી? દેખાડો કરવામાં ક્યાંક મૂળ નિયમોને નેવે તો નથી મુકાતા ને? આ બધું પાછું ઘોંઘાટ સાથે થાય છે. સંગીત અને ઘોંઘાટમાં ફરક છે. વિસર્જન પછી જાણે રહી ગયા હોય એવી પાર્ટીઓ—આ બધું કેટલું વ્યાજબી છે?

જવાબ: જો આધાર શોધવા જઈએ તો એવી ઘણી પ્રણાલિકાઓ બંધ કરવી પડે જે પ્રચલિત છે. જ્યારે ભક્તિનું સ્થાન મનોરંજન અને દેખાડો લે ત્યારે ઘણી ક્રિયાઓ એવી થાય જે અયોગ્ય લાગે.

માટીના ગણેશ એ વાત દર્શાવે છે કે આપણું જીવન નાશવંત છે. મોક્ષની સ્થિતિમાં જવાની વાત છે. જ્યારે મૂર્તિને ખંડિત કરીને વિસર્જન કરવામાં આવે ત્યારે એ શું સંદેશ આપે? ઘરમાં કોઈ પણ મૂર્તિ નવ ઈંચથી મોટી ન હોવી જોઈએ. પણ એ નિયમ કોઈને ખબર જ નથી. દર્શનની ટિકિટનો નિષેધ છે. અમુકથી વધારે ઊંચા અવાજનો નિષેધ છે. ફેન્સી દીવાનો નિષેધ છે. લાઉડસ્પીકર ઘણા લોકોને તકલીફ આપે છે. અન્યને તકલીફ ન આપવાની પણ વાત છે અને આ બધું કાર્મિક છે એ જાણવા છતાં થાય છે. જે તમને નથી સ્પર્શતું એને છોડી દો. આ તમારા મનની શાંતિ માટે છે. અન્યને એમનાં કર્મ માટે માફ કરી દો. કુદરતથી ઉપર કોઈ નથી, એ કુદરત સાબિત કરે જ છે.

સવાલ: શું કોઈની સાથે બદલો લેવા માટે અન્યનું નુકસાન કરવું યોગ્ય છે?

જવાબ: પહેલી વાત તો બદલો શા માટે લેવો છે? બદલો લેવાની ભાવના સતત એ વ્યક્તિ તરફ મનને ખેંચાયેલું રાખે છે. બદલો લેવાની આસપાસની ક્ષણો અત્યંત દુઃખદ હોય છે. ક્યારેક રંજ, ક્યારેક વિષાદ તો ક્યારેક ક્રોધ જેવી અનુભૂતિ માણસને પોતાને જ બાળે છે.

કોઈનું નુકસાન ન કરાય તો પછી કોઈ નિર્દોષને પોતાના સ્વાર્થ માટે સજા તો ન જ અપાય. કદાચ આહાર, વિહાર અને વિચાર સિવાય હવે વાતાવરણ અને વાંચન પણ વ્યક્તિત્વના પાયાને ખાઈ રહ્યાં છે. નાની-નાની વાતમાં ઉગ્રતા, ખૂન જેવી બાબતો સામાન્ય થાય ત્યારે સમાજનું પતન નિશ્ચિત લાગે. આવા સમયે ‘સ્વ’ને જાગૃત રાખીને જીવવું જરૂરી છે. સજાગ રહો, માફ કરો, આગળ વધો.

સવાલ: એક માણસે કૂતરું પાળ્યું છે. એને બહાર જવાનું હોય ત્યારે કૂતરું સોસાયટીમાં એકલું ફર્યા કરે છે. એ સવારે કૂતરાને કુદરતી હાજત માટે છૂટું મૂકી દે છે. લિફ્ટમાં પણ કૂતરું એકલું હોય છે. આ કેટલું યોગ્ય છે?

જવાબ: દેખાદેખીમાં આજકાલ ઘણાં કામ થઈ જાય છે. લગ્ન, બાળકો, પાલતુ પ્રાણીઓ—આ બધા માટે લાયકાત અને જવાબદારી જોઈએ. અન્ય કરે છે એટલે આપણે પણ કરીએ એ યોગ્ય નથી. કોઈ પણ જીવની જવાબદારી લીધા પછી એને તકલીફ ન અપાય.

સૂચન: કોઈ પણ જીવને તકલીફ આપવાથી નકારાત્મકતા આવે છે, જે જીવનને એક નકારાત્મક દિશામાં લઈ જાય છે.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com )