રાંચીઃ ઝારખંડ સ્ટેટ કો-ઓપરેટિવ બેંક સાથે જોડાયેલા કથિત કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી છે. EDની રાંચી ટીમે મની લોન્ડરિંગના કેસમાં ઝારખંડ અને ઓડિશાના કુલ સાત સ્થળોએ સર્ચ અને સીઝર ઓપરેશન હાથ ધર્યું છે.
આ કાર્યવાહી મની લોન્ડરિંગ નિવારણ કાયદાની કલમ ૧૭ હેઠળ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સી અનુસાર આ મામલો ઝારખંડ સ્ટેટ કો-ઓપરેટિવ બેંકની સરાયકેલા શાખામાં થયેલી કથિત મોટા પાયાની નાણાકીય છેતરપિંડી સાથે જોડાયેલો છે.
સરાયકેલા શાખામાં મોટા પાયે નાણાકીય છેતરપિંડીનો આરોપ
તપાસ એજન્સીના જણાવ્યા મુજબ વેપારી સંજયકુમાર દાલમિયા પર બેંકના તત્કાલીન અધિકારીઓ સાથે કથિત મિલીભગત કરીને બેંક સાથે મોટા પાયે છેતરપિંડી કરવાનો આરોપ છે.ઈડીની તપાસનું મુખ્ય કેન્દ્રબિંદુ સંજય કુમાર દાલમિયા અને બેંકના તે સમયના અધિકારીઓ વચ્ચેની કથિત સાઠગાંઠ છે. તપાસ એજન્સી આ કથિત છેતરપિંડીમાંથી થયેલી નાણાકીય હેરફેર અને તેના સંબંધિત પુરાવાઓની તપાસ કરી રહી છે.
ઝારખંડ અને ઓડિશામાં સાત સ્થળોએ દરોડા
કેસની તપાસને આગળ વધારતા EDની રાંચી ટીમે ઝારખંડ અને ઓડિશામાં એકસાથે સાત સ્થળોએ દરોડા પાડ્યા છે. તપાસ દરમિયાન વિવિધ પરિસરોમાંથી મહત્વપૂર્ણ દસ્તાવેજો અને અન્ય પુરાવાઓની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.ઈડી દ્વારા તપાસ દરમિયાન મળેલા દસ્તાવેજો અને અન્ય સામગ્રી જપ્ત કરવાની કાર્યવાહી પણ ચાલી રહી છે. આ કાર્યવાહીનો હેતુ કથિત બેંક કૌભાંડ અને તેની સાથે જોડાયેલા નાણાંની હેરફેર અંગે વધુ પુરાવા એકત્ર કરવાનો છે.

