આકરા વિરોધ વચ્ચે TMCએ ECને વૈકલ્પિક નામો, ચૂંટણીચિહ્નો સોંપ્યાં

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં યોજાનારી પેટા ચૂંટણી પહેલાં TMCના નામ અને ચૂંટણી ચિહ્નને લઈને નવો વિવાદ ઊભો થયો છે. સ્થાપક અને અધ્યક્ષ મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચના વચગાળાના આદેશનો જવાબ આપ્યો છે. ચૂંટણી પંચે આગામી 6 ઓક્ટોબરે યોજાનારી પશ્ચિમ બંગાળની પેટા ચૂંટણી માટે બંને જૂથોને ‘ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ (AITC) નામ અને ‘ઘાસ પર બે ફૂલ’વાળું ચૂંટણી ચિહ્ન વાપરવા પર અસ્થાયી રીતે પ્રતિબંધ મૂક્યો છે.

સૂત્રોના જણાવ્યાનુસાર પાર્ટીએ ગુરુવારે રાત્રે 11.36 વાગ્યે ચૂંટણી પંચને વૈકલ્પિક નામો અને ચૂંટણી ચિહ્નોની પોતાની પસંદગી ઈમેલ દ્વારા મોકલી હતી. પાર્ટીએ આ જવાબ ‘સૌથી સખત વિરોધ સાથે’ સોંપ્યો હોવાનું જાણવા મળે છે.

ચૂંટણી પંચે ગુરુવારે રાત્રે જારી કરેલા વચગાળાના આદેશમાં AITCના વિવાદમાં સામસામે રહેલાં બંને જૂથોને આગામી પશ્ચિમ બંગાળ પેટા ચૂંટણીમાં પાર્ટીના નામ અથવા ‘ઘાસ પર બે ફૂલ’વાળાં ચૂંટણી ચિહ્નનો ઉપયોગ ન કરવા નિર્દેશ આપ્યો હતો. પંચે બંને પક્ષોને શુક્રવાર સવાર સુધીમાં પોતાની પસંદગીનાં નામ અને ચૂંટણી ચિહ્નો રજૂ કરવા પણ કહ્યું હતું. પંચના આ વચગાળાના નિર્ણય પર બંને તરફથી અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી છે. મમતા બેનર્જીના જૂથે આ આદેશને ‘કાયદાની વિરુદ્ધ’ ગણાવીને ફગાવી દીધો છે, જ્યારે બળવાખોર નેતા રિતાબ્રત બેનર્જીના જૂથે તેનું સ્વાગત કર્યું છે.

મમતા બેનર્જીના વફાદાર TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું હતું1 કે તેઓ આ આદેશને સ્વીકારતા નથી. તેમણે કહ્યું હતું કે આ આદેશ કાયદાની વિરુદ્ધ છે. તેમાં ઘણી કાનૂની ખામીઓ હોવાથી અમે તેને સ્વીકારી રહ્યા નથી. આદેશમાં તથ્યોને યોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યાં નથી. પરંતુ કેટલીક વખત તમારે થોડા સમય માટે એવા નિર્ણયોને સ્વીકારવા પડે છે, જે નિયમો, કાયદા અને વ્યવસ્થાની દૃષ્ટિએ યોગ્ય ન હોય. અમે અમારો જવાબ આપીશું અને આવતી કાલે સવારે 11 વાગ્યા સુધીમાં તમને જણાવીશું.