વાયવ્ય દિશા અને સંતાનની જવાબદારી વચ્ચે શું છે સંબંધ?

નાનપણમાં એક વાર્તા સાંભળી હતી કે જંગલમાં ચૂંટણી હતી. બધાં પ્રાણીઓ પોતપોતાનાં ભાષણમાં એકબીજાના વાંક કાઢી રહ્યાં હતાં. એ દરમિયાન મોરનો વારો આવ્યો. એણે એક સરસ વાત કરી કે, “હું મારી વાત કરીશ. કોઈને ખરાબ કહેવાથી હું સારો છું એવું સાબિત નહીં કરી શકું, પણ મારા નૃત્યથી હું બધાનું મન મોહી શકીશ અને આ જંગલ આપણા માટે જરૂરી છે. હું મેઘને બોલાવી શકું છું.”

એક બાળવાર્તાનો મર્મ અદ્ભુત છે. અન્યને ખરાબ દેખાડવા કરતાં પોતે શું કરી શકે છે એ જણાવવું જરૂરી છે. પણ કદાચ આપણે એ વાતથી ટેવાઈ ગયા છીએ કે જે અન્યને ખરાબ દેખાડી શકે છે, એ સારા હોય છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈ-મેઈલ પર પૂછી શકો છો.

સવાલ: શું જીવન માત્ર સમસ્યા જ છે? જો એ વાત સાચી છે તો માણસો જીવે છે શા માટે? હું એક પ્રતિષ્ઠિત સોસાયટીમાં રહું છું. અમારે ત્યાં દરેક કમિટી ગોટાળો કરે. કેટલાક મસીહા એમના પર કેસ કરે. લોકોનો વિશ્વાસ જીતે. એ ચૂંટાય અને ફરી એ જ વાર્તા ચાલુ રહે. આગળની કમિટીએ કેટલા ગોટાળા કર્યા એ દેખાડવામાં મૂળ કામ ન દેખાય અને અંતે ખબર પડે કે કાગડા તો બધે કાળા જ હોય. આનો કોઈ ઈલાજ ખરો?

જવાબ: તમે ક્યારે એક પણ કમિટીનો વિરોધ કર્યો? કોઈ મસીહા એનો વિરોધ કરે એની તમે રાહ જુઓ છો અને પછી એ મસીહા બદલાઈ જાય એટલે બળાપો કાઢો છો. એકત્રિત થાવ અને તમારા હક માટે સવાલો કરો. કમિટી તમારું પ્રતિનિધિત્વ કરે છે, એ તમારા માલિકો નથી.

વળી, મોટાભાગે જેમની પાસે ફાજલ સમય છે એવા લોકો જ કમિટીમાં હોય છે. એમનું ઘર ચલાવવા એ કંઈક તો કરશે જ. લાયક લોકોને પ્રોત્સાહિત કરો કે એ તમારા પ્રતિનિધિ બને. ઘણી સોસાયટીમાં મુખ્ય સમિતિ ઉપરાંત કાર્યકારી સમિતિ અલગ હોય છે, જેમાં વિવિધ નિષ્ણાતો હોવાના કારણે સોસાયટીની કિંમત અને આબરૂ બંને વધે છે અને જીવન જીવવા જેવું લાગે છે.

 

સવાલ: તમારું પુસ્તક A Father’s Letters to His Son વાંચ્યું. એ પત્રો મને મારી જૂની અને નવી પેઢી સાથે જોડવા સક્ષમ છે. મારાં પત્ની ગળગળાં થઈ ગયાં. અમને વિચાર આવ્યો કે એક પિતા-પુત્રનો સંબંધ આવો જ હોવો જોઈએ. એ પત્રમાં ઘણી જગ્યાએ તમે તમારા દીકરાને ઝઝૂમતો બતાવ્યો છે. તમારી ગેરહાજરી ક્યારેક એને નિર્ણય લેવા પ્રેરતી હતી. શું એ ઉંમરે આખા પરિવારના નિર્ણય લેવાની સત્તા એક બાર વર્ષના બાળકને આપવી જોઈએ?

બીજો સવાલ એ છે કે તમે લખ્યું છે કે તમારો દીકરો તમારા દાદાનો સાચો મિત્ર હતો. એ પછી તમારા પિતાનો સાચો મિત્ર હતો અને હવે તમારો સાચો મિત્ર છે. આવું કેવી રીતે શક્ય બને? બસ, આ બે સવાલ સિવાય પુસ્તક અદ્ભુત લાગ્યું. અમે એને વારંવાર વાંચીશું અને બાળકોને પણ વંચાવીશું.

જવાબ: સર્વપ્રથમ તો આપનો આભાર કે તમે એ પુસ્તક વાંચ્યું અને તમને એ ગમ્યું. એ પત્રો એક પિતાની લાગણીની અભિવ્યક્તિ માત્ર છે. તેથી જ એ બધી પેઢીને જોડી શકે છે. આજે જ્યારે માબાપ પોતાના બાળકોને કેવી રીતે સમજવા એની મથામણ કરતા હોય ત્યારે આ પુસ્તક એમને ચોક્કસ કામ લાગશે.

આપે પુસ્તકની જે ઘટનાની વાત કરી એ અચાનક બની હતી. એ વખતે એ નિર્ણય એણે લીધો હતો. એ મારા કહેવાથી નહોતો લેવાયો. માત્ર મેં એ નિર્ણયની સરાહના કરી છે. અમારા ઘરના વડીલો પણ સમય સાથે બદલાયા, તેથી જ એ બધાની આત્મીયતાનો લાભ મારા દીકરાને મળ્યો, જે દરેક વ્યક્તિએ કરવું જોઈએ.

સૂચન: વાયવ્યમાં રહેતું સંતાન જવાબદારી સહજ રીતે લઈ શકે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)