ઓમાની કો-પાયલોટે ભારતીય કેપ્ટન પર હુમલો કર્યો, ઇઝરાયેલમાં આક્રોશ

જેરૂસલેમ / રિયાધ: દુબઈથી ઇઝરાયેલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈ (flydubai)ની બોઇંગ 737 મૅક્સ 8 ફ્લાઇટમાં મધ્ય આકાશમાં એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. વિમાનમાં સવાર ઓમાની કો-પાયલોટે ફ્લાઇટના ભારતીય કેપ્ટન સ્મિત મછાર (Captain Smit Machchhar) પર અચાનક ચાકુ વડે હુમલો કરી દીધો હતો.

આ હુમલાને કારણે ૩૩,૦૦૦ ફૂટની ઊંચાઈએ ઊડી રહેલું વિમાન માત્ર એક જ મિનિટમાં ૧૭,૦૦૦ ફૂટ નીચે આવી ગયું હતું. લોહીલુહાણ હાલતમાં પણ કેપ્ટન સ્મિત મછારે અદ્ભુત શૌર્ય અને સૂઝબૂઝ બતાવી કોકપિટનો દરવાજો ખોલીને મુસાફરોની મદદ માંગી હતી. વિમાનમાં સવાર ઇઝરાયેલી મુસાફરો અને અન્ય લોકોએ તાત્કાલિક કોકપિટમાં ઘૂસીને હુમલાખોર કો-પાયલોટને કાબૂમાં લીધો હતો અને એરક્રાફ્ટને નિયંત્રિત કરવામાં મદદ કરી હતી.

આ ભયાનક હુમલા બાદ પ્લેનનું સાઉદી અરેબિયાના તબૂક (Tabuk) શહેરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. સાઉદી સત્તાવાળા દ્વારા હુમલાખોર કો-પાયલોટની ધરપકડ કરવામાં આવી છે અને તેની કડક પૂછપરછ ચાલી રહી છે.

પાઇલટ સંબંધે ખુબ જ કડક છે ઇઝરાયલ

‘જેરુસલમ પોસ્ટ’ના અહેવાલ મુજબ, ઈઝરાયલમાં ફ્લાયદુબઈની કામગીરી અંગેના કરારમાં પાઇલટ એવા દેશોના હોવા જોઈએ જેમણે ઈઝરાયલ સાથે સંબંધો સામાન્ય કર્યા હોય. ઓમાન આ યાદીમાં નથી. આ મુદ્દે ઈઝરાયલના પરિવહન મંત્રી મીરી રેગેવ દ્વારા ફ્લાયદુબઈની ઈઝરાયલ આવતી-જતી ફ્લાઇટ્સ રોકવાની માગ કરવામાં આવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

સ્મિત મછારની સ્થિતિ સ્થિર

સાઉદી અરેબિયા સ્થિત ભારતીય એમ્બેસી અનુસાર, કેપ્ટન સ્મિત મછાર હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે. ભારતીય કેપ્ટનની આ બહાદુરીની ઇઝરાયેલ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે પ્રશંસા થઈ રહી છે.

આ ઘટના બાદ સુરક્ષા કારણોસર ફ્લાયદુબઈ દ્વારા ઇઝરાયેલ માટેની તેની તમામ ફ્લાઇટ્સ હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે. આ સમગ્ર મામલે સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઇઝરાયેલની તપાસ એજન્સીઓ દ્વારા આતંકવાદી એંગલ સહિત વિવિધ પાસાઓ પર ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે.