તમે તમારા જીવનને માત્ર મેનેજ કરો છો કે જીવો પણ છો?

એક સમય હતો જ્યારે લોકો સમયની બાબતમાં વધુ ધનવાન હતા. તે સમયે લોકો એ સમયનો સદુપયોગ કરતા કે નહીં એ અલગ વાત છે, પરંતુ આજે સ્થિતિ એવી છે કે સદુપયોગ કે દુરુપયોગ કરવા માટે પણ જાણે કોઈ પાસે સમય જ નથી. કેમ કે આપણા દિવસના કલાકો કરતાં આપણાં કામ વધારે છે.

જિમ જવાનું છે, કામ પર જવાનું છે, ઘરનાં વ્યવહારિક કામ કરવાનાં છે, મિત્રો સાથે થોડો સમય કાઢવાનો છે અને વચ્ચે એકાદ કલાક મળી જાય તો Netflix પરની સિરીઝ પણ પૂરી કરવાની છે. આ બધું કર્યા પછી પણ સમાજમાં આપણે કેટલું કરીએ છીએ, કોણે શું કર્યું અને આપણે ક્યાં પાછળ રહી ગયા તેનો હિસાબ અલગથી સોશિયલ મીડિયા પર બતાવવાનો છે.

નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી આજે દરેક પાસે આખો દિવસ કરવા માટે કંઈક છે. કામ, પરિવાર અને આધ્યાત્મિક કાર્યક્રમ તો ખરા જ. જાણે આખું જીવન એક લાંબું ટાઇમટેબલ બની ગયું છે. પરંતુ અહીં પ્રશ્ન એ નથી કે આપણે હંમેશાં busy કેમ છીએ. કદાચ સાચો પ્રશ્ન એ છે કે આપણને હવે બોર થવું કેમ ગમતું નથી?

આપણને એક ક્ષણ માટે પણ ખાલી રહેવું ગમતું નથી. નવરાશની પળો રહી નથી અને છે તો એમાં સ્ક્રીન ટાઇમ છે. જાણે ‘કંટાળો’ શબ્દ એક શ્રાપ બની ગયો છે અને શાંતિપૂર્વક જીવન આપણને અસ્વસ્થ કરતું હોય એવું લાગે છે. એટલે જ કદાચ આપણે આપણી ઘડિયાળ અને સમયપત્રકના મેનેજર બની ગયા છીએ.
પરંતુ શું આ બધું જ આપણા માટે છે? આપણે બધું જ કરવું જરૂરી છે? જવાબ જે હોય તે, પણ એ સમજવું જરૂરી છે કે હંમેશાં દરેક બાબતમાં પોતાને અપડેટ રાખવા ક્યારેક બિનજરૂરી હોય છે. આ જ બાબત દરેક ફિલ્ડમાં લાગુ પડે છે. દરેકને પોતાનાં બાળકોને બધી જ સ્કિલ શીખવી દેવી છે, ગૃહિણીઓને બધી જ રેસિપી શીખી લેવી છે, બધા જ ન્યુટ્રિશન સાથે લઈ લેવા છે, બધા જ શોખ પૂરા કરી લેવા છે, દુનિયા ફરી લેવી છે. અને એવું તો ઘણું જ….

સમાજની આ ઘટનાઓ દરેક રીતે ખૂબ મોટા પ્રમાણમાં લોકો પર માનસિક અને શારીરિક રીતે અસર કરી રહી છે. માર્કેટિંગ ગુરુઓ લોકોની આ જ મેન્ટાલિટીને એક બિઝનેસમાં કન્વર્ટ કરી રહ્યા છે, જેની દુકાનો આજકાલ દરેક ફિલ્ડમાં ખૂબ જ ધમધોકાર ચાલે છે. ડિટોક્સ ડાયેટ, ડિજિટલ ડિટોક્સ, વિપશ્યના, માઇન્ડફુલનેસ, સ્લો લિવિંગ અને મિનિમલિઝમ જેવા ટ્રેન્ડ્સ આજકાલ ઘણા જ ફેમસ થયા છે અને એટલું જ નહીં, પણ યુવાઓમાં આજકાલ નો સ્કૂલિંગથી લઈને નો મેરેજ, નો કિડ્સ જેવી વ્યવસ્થાનો ટ્રેન્ડ જીવનમાં દરેક બાબતના અતિરેકથી થતો એક બોજ દર્શાવે છે.

એક સમયે ‘કૂવામાંના દેડકા’ જેવા શબ્દોને લોકો તુચ્છ ગણતા. પરંતુ આજે કૂવામાંનો દેડકો જ બનવામાં જીવનની ભલાઈ છે તે જાણવું જરૂરી બની ગયું છે. કેમ કે દરેક કળા આપણા માટે નથી. એવી જ રીતે દરેક માહિતી મળવી જરૂરી નથી હોતી. એકાદ મુસીબતમાં કામ લાગે એવો મિત્ર હોય તો પછી ટોળામાં દરેક સાથે વ્યવહાર કરવો સમયનો બગાડ છે. સાંજની એક કપ ચા અને આથમતો સૂરજ ઘરની બાલ્કનીમાંથી માણી શકાતો હોય તો જેમિંગ ક્લબ જૉઇન કરવાની ખાસ જરૂરિયાત પડતી નથી. બાળકોને થોડાં પણ સેન્સિબલ બનાવવા અને એમની સોફ્ટ સ્કિલ પર કામ કરી શકાય ત્યારે હાર્ડ સ્કિલ વધારે મહત્ત્વની હોતી નથી, કેમ કે જિંદગીનાં પ્રશ્નપત્ર ક્યારેય નિર્ધારિત હોવાનાં નથી. જરૂરી એ છે કે કેવા અભિગમ સાથે તે જીવનમાં આગળ વધી શકે છે.

એ સમજવું પણ એટલું જ જરૂરી છે કે ખાલી સમય હંમેશાં ખાલી નથી હોતો. તેમાં કલ્પના છુપાયેલી હોય છે. તેમાંથી જ સર્જનાત્મકતા જન્મે છે. તેમાં આપણે પોતાની સાથે રહેવાનું શીખીએ છીએ. કારણ કે જીવન માત્ર કરવાનું નામ નથી. જીવન અનુભવવાનું પણ નામ છે. હકીકતમાં તો જીવન અને શ્વાસ એ ખાલીપા અને એકાંતનો જ મહિમા છે, જે આપણને આપણા હોવાનો અહેસાસ કરાવે છે. એક એવો ધ્વનિ, જે આપણા મન સાથે જોડાયેલો છે, જે અનંત બ્રહ્માંડ સાથે સંકળાયેલો છે. જે લોકો આ અવાજને ઓળખી શકે છે એ લોકોને ક્યારેય માઇન્ડફુલનેસના સબ્સ્ક્રિપ્શનની જરૂર રહેતી નથી.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)