…જ્યારે બૉબી ગર્લ બની જખ્મી ઔરત

1980ના દાયકામાં જ્યારે નવા નવા વિડિયો કેસેટ પ્લેયર આવ્યા ત્યારે અમારા વિસ્તારમાં અમુક લોકોએ ઈલ્લિગલ મિની થિએટર શરૂ કરેલાં. દુકાનની પાછળના ભાગમાં પાંચ-સાત ખુરશી, ટીવી-વિડિયો પ્લેયર હોય. દસ-પંદર રૂપિયામાં એક ફોરેન ફિલ્મ બતાડે, સાથે વેફર ને ઠંડું પીણું. બહુધા ઍક્શન ફિલ્મ હોય. એક વેકેશનમાં ભરબપોરે મિત્ર અશોક ને હું પહેલી વાર એક્સિપિયરન્સ લેવા મેક્રો થિએટરમાં ગયેલા. હાથમાં નાસ્તાની ડિશ લઈને, પોલીસની રેઈડ પડશે તો? એવા સતત સતાવતા ડર સાથે ફિલ્મ જોઈ. એ હતી 1978માં બનેલી અમેરિકન ફિલ્મઃ ‘આઈ સ્પિટ ઑન યૉર ગ્રેવ’.

ફિલ્મમાં એક યુવા લેખિકા નવું પુસ્તક લખવા થોડા દિવસ ભીડભાડથી દૂર, એકાંતવાસમાં જાય છે. ત્યાં કેટલાક મવાલીઓ એની પર સામૂહિક બાળાત્કાર કરે છે. બળાત્કાર અને ઘોર અત્યાચાર બાદ એ મરી ગઈ હશે એમ સમજીને મવાલીઓ ત્યાંથી ભાગી જાય છે, પરંતુ લેખિકા જીવતી બચે છે ને એ નરાધમો સામે વેર વાળે છે, એક પછી એક અત્યંત ઘાતકી રીતે એમને મારી નાખે છે.

અમેરિકામાં આ ફિલ્મ આવી એના એક દાયકા બાદ, 1988માં ડિરેક્ટર અવતાર ભોગલે એના પરથી હિંદી ફિલ્મ બનાવીઃ ‘જખ્મી ઔરત’. યુવા પુલીસ અફ્સર કિરણ દત્ત ગેંગરેપનો ભોગ બને છે. અદાલતમાં ન્યાય ન મળતાં એ એક પછી એક બળાત્કારીને શોધી એમને નપુંસક બનાવે છે. આ માટે એ પોતાની એક ટોળી બનાવે છે. ન્યાય તંત્ર વિરુદ્ધ બદલો વિશે પ્રશ્નો ઊભા કરતી ફિલ્મમાં ‘જખ્મી ઔરત’ કિરણ દત્ત હતાઃ  ડિમ્પલ કાપડિયા. સહકલાકારોઃ રાજ બબ્બર, અનુપમ ખેર, અરુણા ઈરાની, રૂપેશ કુમાર, અવતાર ગિલ, વગેરે. રેપિસ્ટ હતાઃ પુનિત ઈસ્સાર-તેજ સપ્રુ-શિવા રિંદાણી.

આજથી 38 વર્ષ પહેલાં, 1988ના સપ્ટેમ્બરમાં ‘જખ્મી ઔરત’ રિલીઝ થઈ, જેણે રોમાન્ટિક હીરોઈન ડિમ્પલને ઍક્શન નાયિકાની ઓળખ આપી. અલબત્ત, ભારતીય સમાજ અને સેન્સર બોર્ડને ધ્યાનમાં રાખીને મૂળ (‘આઈ સ્પિટ ઑન યૉર ગ્રેવ’) વાર્તામાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા. બીજી એક અમેરિકન ફિલ્મ ‘ધ લેડીસ ક્લબ’માંથી પણ ઘણું બધું ઉઠાવવામાં આવ્યું.

‘ધ લેડીસ ક્લબ’માં લૉસ એન્જલસની પુલીસ અફસર જોન ટેલર પર ત્રણ ચોર ગેંગરેપ કરે છે. ત્રણેય બળાત્કારીઓ પકડાઈ તો જાય છે, પણ કાનૂની છટકબારીના કારણે નિર્દોષ છૂટી જાય છે. તે પછી જૉન પોતાના જેવી પીડિત મહિલાઓની ટોળી બનાવી બળાત્કારીઓનાં અપહરણ કરે છે, એમને નપુંસક બનાવે છે…

હોલિવૂડમાં બનેલી ‘આઈ સ્પિટ ઑન યૉર ગ્રેવ’ વિશ્વ સિનેમા-ઈતિહાસની ચર્ચાસ્પદ, વિવાદિત સાથે જ કલ્ટનો દરજ્જો મેળવનારી રિવેન્જ-થ્રિલર ફિલ્મોમાંની એક ગણાય છે. બનેલું એવું કે, ફિલ્મના રાઈટર-ડિરેક્ટર મેયર ઝારચીને ૧૯૭૪માં ન્યૂ યૉર્કમાં એક મહિલા મળી હતી,  જે અત્યાચારનો ભોગ બની હતી. આ મહિલા સાથે ન્યાયતંત્ર અને સમાજે જે શરમજનક વર્તન થયું તેનાથી વ્યથિત થઈને ઝારચીએ મહિલાઓ પર થતા અત્યાચાર અને ન્યાયતંત્રની નિષ્ફળતા સામે આક્રોશ ઠાલવવા વાર્તા લખીને પાંખા બજેટમાં ફિલ્મ બનાવી. ફિલ્મમાં અભિનેત્રી કેમિલ કીટને પીડિત મહિલાનું પાત્ર ભજવ્યું.

રાજ કપૂર નિર્મિત-દિગ્દર્શિત ‘બૉબી’ (1973) જેવી ટીનએજ લવસ્ટોરીથી ટિન્સેલ ટાઉનમાં પ્રવેશીને ‘બૉબી ગર્લ’ તરીકે પ્રખ્યાત થયા બાદ ડિમ્પલે સુપરસ્ટાર રાજેશ ખન્નાને પરણી ક્ષેત્રસંન્યાસ લીધો. ત્યાર બાદ બે દીકરીને જન્મ આપી, ધણી સાથે ફારગતી લઈને એમણે પુનરાગમન કર્યું રમેશ સિપ્પીની ‘સાગર’ (1985)થી. આમ તો ‘સાગર’ જ ડિમ્પલનું પુનરાગમન કરાવતી ફિલ્મ હતી, પરંતુ નિર્માણમાં વિલંબ થવાના કારણે તે પહેલાં ‘જખ્મી શેર’, ‘ઐતબાર’ અને ‘મંઝિલ મંઝિલ’ રિલીઝ થઈ ગઈ. મુકુલ આનંદ દિગ્દર્શિત ‘ઐતબાર’નું “કિસી નઝર કો તેરા ઈન્તેઝાર આજ ભી હૈ” આજે પણ ગણગણવું ગમે છે.

-અને તે પછી આવીઃ ‘જખ્મી ઔરત’. ફિલ્મની રિલીઝ વખતે એનાં પોસ્ટર આવ્યાં ત્યારે પોલીસ ઈન્સ્પેક્ટરના ગેટ-અપમાં ડિમ્પલ કાપડિયાને જોઈ મારા જેવા ફિલ્મરસિકો ચોંકી ગયેલા. મહિલા પોલીસ ઑફિસરના રિવેન્જ જેવા વેગળા વિષયને લીધે હિટ થયેલી. જો કે ફિલ્મના નિર્માણ દરમિયાન અને રિલીઝ બાદ સર્જકો સાથે ડિમ્પલને ખૂબ ઝઘડા થયેલા એવું તે વખતના ફિલ્મ સામયિકોમાં વાંચ્યાનું યાદ છે. ડિમ્પલે ‘જખ્મી ઔરત’નો પ્રચાર પણ નહોતો કર્યો.

-અંતમાં એક રસપ્રદ ટ્રિવિયાઃ 1996માં શ્રીદેવીની ‘આર્મી’ ફિલ્મ રિલીઝ થઈ ને તરત એની સરખામણી ‘જખ્મી ઔરત’ સાથે થઈ. બંને વિજિલાન્ટે થ્રિલર ફિલ્મ છે, જેમાં હીરોઈન પોતાની ટોળી બનાવી, કાયદાની ઐસીતૈસી કરીને અત્યાચારીઓ સામે બદલો લે છે.