શ્રીદેવી અને જીતેન્દ્રની જોડી બનાવનાર રેખા હતી!

સિનેમાની રંગીન દુનિયામાં ક્યારેક નાની-નાની મજાક અને અણધાર્યા સંજોગો મોટો ઇતિહાસ રચી દેતા હોય છે. બોલિવૂડના સદાબહાર ‘જમ્પિંગ જેક’ જીતેન્દ્ર અને શ્રીદેવીની સુપરહિટ જોડીની શરૂઆત પણ આવા જ એક દિલચસ્પ કિસ્સા સાથે જોડાયેલી છે.

૧૯૮૩માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘હિમ્મતવાલા’ (Himmatwala)એ તે સમયના બોલિવૂડનાં તમામ સમીકરણો બદલી નાખ્યાં હતાં, પરંતુ આ ફિલ્મમાં શ્રીદેવીની એન્ટ્રી પાછળ અભિનેત્રી રેખાની મસ્તી અને સમયનો એક અજબ સંયોગ જવાબદાર હતો.

તે દિવસોમાં અભિનેત્રી રેખા અને જીતેન્દ્ર વચ્ચે ખૂબ સારી દોસ્તી હતી અને રેખા તેમને હંમેશાં ‘રવિ’ કહીને હસાવતી હતી. એક વાર રેખા શ્રીદેવીની કોઈ તેલુગુ ફિલ્મ જોઈ રહી હતી અને તેમને શ્રીદેવીનું કામ એટલું ગમી ગયું કે તેઓ સતત જીતેન્દ્રને ચીડવવા લાગ્યાં કે તારે બોલિવૂડમાં આ અભિનેત્રી સાથે જ કામ કરવું જોઈએ. જોકે તે સમયનું ગણિત સાવ અલગ હતું.

શ્રીદેવીએ અમોલ પાલેકર સાથે મુખ્ય અભિનેત્રી તરીકે હિન્દી ફિલ્મ ‘સોલવા સાવન’ (Solva Sawan, 1979)થી પદાર્પણ કર્યું હતું, જે તેમની જ તમિલ હિટ ફિલ્મ ‘16 Vayathinile’ની રિમેક હતી.

પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ કરી શકી નહોતી અને નિષ્ફળ રહી હતી. આ કારણોસર તે દિવસોમાં હિન્દી સિનેમાના કોઈ પણ મોટા નિર્માતા કે દિગ્દર્શક શ્રીદેવીને પોતાની ફિલ્મમાં લેવાનું જોખમ ઉઠાવવા તૈયાર નહોતા.

વળી, ‘હિમ્મતવાલા’ ફિલ્મ પોતે પણ એક તેલુગુ હિટ ફિલ્મની રિમેક હતી. અન્ય એક ફિલ્મી સંસ્કરણ સાથે જયાપ્રદાનું નામ પણ જોડાયેલું હતું. આ સંજોગોમાં શ્રીદેવીને કાસ્ટ કરવી એટલે બોક્સ ઓફિસ પર બેવડું જોખમ લેવા સમાન હતું.

પરંતુ રેખાના સતત ચીડવવાથી અને શ્રીદેવીની પ્રતિભા પરના વિશ્વાસથી જીતેન્દ્રના મનમાં એક વિચાર આવ્યો કે લાવ, આ જોખમ ઉઠાવીને જોઈએ! તેમણે તરત જ દિગ્દર્શક કે. રાઘવેન્દ્ર રાવને બોલાવીને સ્પષ્ટ કહી દીધું કે આપણે આગામી ફિલ્મમાં શ્રીદેવી સાથે જ કામ કરીશું. બસ, પછી તો જે થયું તે બોલિવૂડનો સુવર્ણ ઇતિહાસ બની ગયો.

જ્યારે ‘હિમ્મતવાલા’ રિલીઝ થઈ ત્યારે તેણે બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવી અને સુપરહિટ સાબિત થઈ. આ ફિલ્મ તે સમયની સફળ તેલુગુ ફિલ્મ ‘ઊરિકી મોનગાડુ’ (Ooriki Monagadu)ની રિમેક હતી.

આશ્ચર્યની વાત એ છે કે નિર્માતાઓએ સાઉથના સુપરસ્ટાર કૃષ્ણા અને બોલિવૂડના જીતેન્દ્રને લઈને સેટ પર બંને ફિલ્મોના શૂટિંગનું આયોજન કર્યું હોવાનો કિસ્સો પણ પ્રચલિત છે.

આ કિસ્સા મુજબ દક્ષિણ ભારતીય કલાકારો પોતાનું શૂટિંગ પૂરું કરીને નીકળી જતા અને બાકીના હિન્દી કલાકારો, જેમ કે કાદર ખાન, અમજદ ખાન અને શક્તિ કપૂર તથા હીરોઈન રોકાઈને જીતેન્દ્ર સાથે હિન્દી વર્ઝનનું શૂટિંગ પૂરું કરતા! આખી ફિલ્મ માત્ર ચાર મહિનામાં બનીને તૈયાર થઈ ગઈ હોવાનું પણ કહેવાય છે. આ ફિલ્મે માત્ર શ્રીદેવીને હિન્દી સિનેમામાં નવી ઓળખ અપાવી એટલું જ નહીં, પરંતુ જીતેન્દ્ર સાથે તેમની જોડીને પણ અત્યંત લોકપ્રિય જોડીઓમાં સ્થાન અપાવ્યું.

જો રેખાજીએ એ સમયે મસ્તીમાં આવીને જીતેન્દ્રને સતત ન ચીડવ્યા હોત અને શ્રીદેવીની તેલુગુ ફિલ્મ ન બતાવી હોત, તો કદાચ બોલિવૂડને એ સુવર્ણ જોડી ન મળી હોત, જેણે આગળ જઈને સિનેમાઘરોમાં ઇતિહાસ રચ્યો.

એક નાની મજાક અને સાચા સમયે લીધેલા નિર્ણયે કેવી રીતે ભારતીય સિનેમાને બે દિગ્ગજ કલાકારોની લોકપ્રિય જોડી ભેટમાં આપી, તેનો આ મજેદાર કિસ્સો છે!