બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી પોતાના બેબાક નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેમણે હિજાબ અને બુરખા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. ઉષા કાકડે સાથેની વાતચીતમાં શબાનાએ કહ્યું કે કુરાનમાં ક્યાંય એવું લખ્યું નથી કે મહિલાઓએ બુરખો પહેરવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે ધર્મના નામે કેટલાક લોકો તેના ઉપદેશોનું ખોટું અર્થઘટન કરીને લોકોમાં ગેરસમજ ફેલાવે છે.

કુરાનમાં બુરખો પહેરવાનું કહ્યું નથી: શબાના આઝમી
શબાના આઝમીએ વાતચીત દરમિયાન કહ્યું, “કુરાનમાં ક્યાંય એવું લખ્યું નથી કે તમારે આ પ્રકારનો બુરખો પહેરવો જોઈએ. કુરાનમાં માત્ર એટલું કહેવામાં આવ્યું છે કે તમારી નજરમાં હયા (શરમ અને મર્યાદા) હોવી જોઈએ. આ હયા મહિલાઓ અને પુરુષો બંને માટે છે.”
તેમણે કેટલાક ‘વચેટિયાઓ’ પર ધર્મના ઉપદેશોને તોડી-મરોડીને રજૂ કરવાનો આરોપ લગાવ્યો હતો. શબાનાના મતે, આવા લોકો કુરાન મહિલાઓને પડદો કરવાની સલાહ આપે છે તેવી ખોટી માન્યતા ફેલાવે છે.
બુરખો પહેરવા અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં શબાનાએ કહ્યું,’હું બુરખો પહેરતી નથી, પરંતુ જો કોઈ મને કહે કે હું બુરખો પહેરી શકતી નથી, તો હું ત્રણ બુરખા પહેરી લઈશ. આવું કહેનારા તમે કોણ છો? એવું ન થઈ શકે કે ધર્મનિરપેક્ષતાની આડમાં તમે કટ્ટરવાદને પ્રોત્સાહન આપો.”
અગાઉ પણ હિજાબના મુદ્દે વ્યક્ત કરી ચૂક્યાં છે અભિપ્રાય
આ પહેલીવાર નથી જ્યારે શબાના આઝમીએ આ મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હોય. વર્ષ 2022માં કર્ણાટકમાં હિજાબને લઈને વિવાદ થયો હતો, ત્યારે પણ તેમણે પોતાની વાત રજૂ કરી હતી. ઉડુપીની એક કોલેજમાં હિજાબ પહેરવાને કારણે છ વિદ્યાર્થિનીઓને પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ ઘટના સમયે પણ શબાનાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી.




