ભારતે નેપાળ માટે NPR 24,000 કરોડના આર્થિક પેકેજની કરી જાહેરાત

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડા પ્રધાન બાલેન્દ્ર શાહે સોમવારે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા અયોધ્યા ધામ અને જનકપુર ધામ વચ્ચે દોડનારી સરયૂ-કમલા એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા અને માતા સીતાની જન્મભૂમિ જનકપુર વચ્ચે દોડનારી આ ટ્રેનના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન વડા પ્રધાન મોદીએ નેપાળ માટે 24,000 કરોડ નેપાળી રૂપિયાના આર્થિક પેકેજની પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેમણે નેપાળમાં IITનું કેમ્પસ સ્થાપવાની પણ જાહેરાત કરી હતી.

ભારત અને નેપાળ વચ્ચે આત્મીયતા અને અતૂટ વિશ્વાસનો સંબંધ

ટ્રેનને લીલી ઝંડી આપ્યા બાદ વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત અને નેપાળ વચ્ચેનો સંબંધ માત્ર પડોશી દેશો પૂરતો મર્યાદિત નથી, પરંતુ બંને દેશો વચ્ચે આત્મીયતા અને અતૂટ વિશ્વાસનો સંબંધ છે. વડા પ્રધાને કહ્યું હતું કે આપણી ખુશીઓ અને પડકારો સહિયારા છે. આપણે એકબીજાની પ્રગતિમાં ભાગીદાર છીએ અને મુશ્કેલ સમયમાં એકબીજાનો સહારો પણ બનીએ છીએ. ઓગસ્ટમાં નેપાળમાં આવેલા ભયાનક પૂરના કારણે થયેલી જાનહાનિ બદલ અમે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. આજે નેપાળના પુનર્નિર્માણ અને લાંબા ગાળાના વિકાસને નવી મજબૂતી આપવા માટે અમે 24,000 કરોડ નેપાળી રૂપિયાના વિકાસ સહયોગ પેકેજની જાહેરાત કરીએ છીએ.

ભારતે નેપાળમાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખ્યો

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત અને નેપાળના સંબંધો સહિયારા ઇતિહાસ, આસ્થા, સંસ્કૃતિ અને બંને દેશોના લોકો વચ્ચેના ગાઢ સંબંધો પર આધારિત છે. ભગવાન શ્રીરામ અને માતા સીતા આપણી સહિયારી સભ્યતા અને આસ્થાનાં પ્રતીક છે. તેમણે કહ્યું હતું કે ભારત ઘણા વર્ષોથી નેપાળ માટે પેટ્રોલિયમ પેદાશો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો વિશ્વસનીય સપ્લાયર રહ્યો છે. અમારી ‘પાડોશી પ્રથમ’ નીતિની ભાવનાને અનુરૂપ, આ વર્ષે તેલના પુરવઠા સાથે જોડાયેલા ગંભીર પડકારો છતાં અમે નેપાળમાં ઇંધણ, ખાતર અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખ્યો છે.


નેપાળમાં IITનું ઓફશોર કેમ્પસ સ્થાપશે ભારત

વડા પ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે ભારત નેપાળમાં સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર, ઇનોવેશન હબ અને IITનું ઓફશોર કેમ્પસ સ્થાપશે. આ ઉપરાંત નેપાળી વિદ્યાર્થીઓ માટે ભારતમાં કાયદા અને ટેક્નોલોજીના અભ્યાસમાં શિષ્યવૃત્તિની તકો વધારવામાં આવશે. તેની સાથે જ નેપાળમાં ફૂડ પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધનને પ્રોત્સાહન આપવા માટે એગ્રો-ઇન્ડસ્ટ્રિયલ પાર્ક વિકસાવવામાં પણ ભારત સહયોગ કરશે.