રામાયણ… ભવ્ય ને દિવ્ય સિનેમેટિક અનુભવ!

બજાઓ ઢોલ સ્વાગત મેં… છેવટે ‘રામાયણ’ની દેશ-દુનિયાનાં થિયેટરોમાં ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ! ગઈ કાલે રાતે આંખો પર 3-ડી ગોગલ્સ ચડાવીને આઈમેક્સ સ્ક્રીન પર ફિલ્મ જોઈ અને સવારે આ અફસાનો…

કહે છે કે ‘સોની પિક્ચર્સે’ રામાયણના ફર્સ્ટ પાર્ટને દુનિયાના 100થી વધુ દેશોના લગભગ 50,000 સ્ક્રીન્સ પર રિલીઝ કરી છે, 30 જેટલી ભાષામાં એનું ડબિંગ થયું છે. ભારતમાં ફિલ્મને આશરે 9,000 સ્ક્રીન્સ મળ્યા છે.

નિતીશ તિવારીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ 4,000 કરોડ રૂપિયાના જંગી બજેટ સાથે બે ભાગમાં તૈયાર થઈ. બીજો ભાગ આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થશે.

ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામ અને સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં છે. રવિ દુબેએ લક્ષ્મણનું પાત્ર ભજવ્યું છે, જ્યારે ‘કેજીએફ’ ફેમ સુપરસ્ટાર યશ છે રાવણના શક્તિશાળી અવતારમાં. આ ઉપરાંત, રકુલ પ્રીત સિંહ (રાવણની બહેન શુર્પણખા), વિવેક ઓબેરોય (કાલકેય દાનવકુળના રાજકુમાર-સેનાપતિ અને શુર્પણખાના પતિ વિદ્યુતજીવ) તથા ‘પંચાયત’ ફેમ ફૈઝલ મલિક (કુંભકર્ણ)ના રોલમાં છે. અરુણ ગોવિલ (દશરથ), લારા દત્તા (કૈકેયી), સની દેઓલ (હનુમાન) મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે, પરંતુ ઓ હેલ્લો, હનુમાનની માત્ર આછીપાતળી ઝલક જ અંત બાદ આવતી નામાવલિ વખતે જોવા મળે છે, કેમ કે સીતાહરણ અને લંકા જઈ એમને પાછાં લાવવાની ભગવાન શ્રી રામ-લક્ષ્મણની પ્રતિજ્ઞા સાથે ફર્સ્ટ પાર્ટનો ધી એન્ડ આવે છે. ઉત્તરાર્ધમાં પવનસુત હનુમાન અને એમની વાનરસેના ભગવાન શ્રી રામની સેવામાં હાજર થશે.

હવે, મેઈન વાતઃ ફિલ્મ કેવી છે? સમયાતીત કથાવાળી, ભવ્યાતિભવ્ય દ્રશ્યોવાળી, જાજરમાન રામાયણ મંત્રમુગ્ધ કરે છે? લાંબો સમય સુધી યાદ રહી જાય છે? દિલમાં વસી જાય?

હા. બિલકુલ. આ બધા હેતુ ચોક્કસ પાર પડે છે. ઓપનિંગના દેવ-દાનવોના યુદ્ધદશ્યથી જ ખ્યાલ આવી જાય છે કે આવનારા ત્રણ કલાકમાં શું જોવા મળવાનું છે. અને ફિલ્મની ભવ્યતા માત્ર થોડા ડ્રોન શોટ્સ કે લાંબાં, દિલધડક યુદ્ધદ્રશ્યો પૂરતી સીમિત નથી. વનવગડા, ખળખળ વહેતાં ઝરણાં, મહાલયો, સામ્રાજ્યો, સ્થાપત્ય, શસ્ત્રો, વિચિત્ર જીવો અને દિવ્ય લોક, વગેરે એવો અનુભવ આપે છે, જે યાદ અપાવે છે કે શા માટે અમુક કથા માત્ર ને માત્ર બિગ સ્ક્રીન પર જ જોવી જોઈએ. અમુક સીન તો તમને એ દુનિયામાં ખેંચી જાય છે.

બીજું… સર્જકો બરાબર સમજે છે કે રામાયણ માત્ર દેવો, દાનવો કે ચમત્કારિક અસ્ત્રો-શસ્ત્રોની જ કથા નથી. તેના મૂળમાં માનવીય સંબંધો, વચનનું મહત્વ,  ત્યાગ, બલિદાન અને સત્યના માર્ગે ચાલવા ચૂકવવી પડતી કિંમતની કથા છે.

દરેક ઈમોશનલ મોમેન્ટ ધારી અસર છોડી જાય છે. ખાસ કરીને સીતાહરણ વખતે જટાયુવાળી સિકવન્સ ફિલ્મનો હાઈ પૉઈન્ટ છે, આ સિવાય રાવણનાં દસ માથાંના પરિચયવાળો સીન, રામ-સીતા-લક્ષ્મણનું અયોધ્યા તજી વનમાં જવું,  બિલકુલ અદભુત! મારા માટે તો જટાયુવાળો જ સીન પૈસા-વસૂલ બની ગયો.

આવાં દ્રશ્યો પાછળના સ્કેલ, કોરિયોગ્રાફી અને કલ્પનાશક્તિ (ગોગલ્સની અંદર) આંખો પહોળી કરી દે છે. હંસ ઝિમરનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ માર્ક કરજો, મીન્સ કે સાંભળજો, જે ફિલમને અલગ જ ઊંચાઈએ લઈ જાય છે. એમનું સંગીત મહાકાવ્યને દિવ્યતા આપે છે,

આમ છતાં, આ ફિલ્મ ખામીઓથી તદ્દન મુક્ત નથી. લખાણ, અને વાર્તાની ગતિ થોડાં વધુ ચુસ્ત થઈ શક્યાં હોત. અમુક સીન્સમાં સ્પષ્ટપણે ખ્યાલ આવી જાય કે આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા તૈયાર કરાયેલાં દ્રશ્યો છે. દાખલા તરીકે ખર-દૂષણ અને કુંભકર્ણ કોમિક લાગે છે.

વસ્તુ એવી છે કે પુરાણકથાઓ ફિલ્મસર્જકોને અમર્યાદિત કલ્પનાશક્તિ આપે છે, પરંતુ તેનાં દ્રશ્યો ચમત્કાર અને આશ્ચર્યની ભાવના જગાડે તેવા હોવાં જોઈએ. કેટલીક જગ્યાએ દ્રશ્યો ઘણાં કૃત્રિમ લાગે છે. આ એટલા માટે કહેવું પડે છે કેમ કે, જ્યારે કોઈ ફિલ્મ એક્સ્ટ્રા ઓર્ડિનરી બનવા માગતી હોય ત્યારે નાની સરખી ખામી પણ સર્જકોને નીચાજોણું કરાવી દે છે, પરંતુ આવી નાની-મોટી ખામી કે મર્યાદા નિતીશ તિવારી અને એમની ટીમે હાંસલ કરેલી સફળતાને ઝાંખી પાડી ન શકે.

રામનું કેરેક્ટર રણબીરે પૂરી નિષ્ઠાથી ભજવ્યું છે, સીતા તરીકે સાઈ પલ્લવી ગમી જાય છે અને યશનો સ્ક્રીન પરનો દબદબો જબરદસ્ત છે. રવિ દુબે પણ સ-રસ.

ટૂંકમાં ભવ્યતા, ભાવનાત્મક અને માનવીય સંવેદનાનું મહાકાવ્ય રામાયણ થિયેટરમાં જઈને જોવા જેવું છે!