બ્રિજભૂષણ સિંહને નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને પહેલવાનોએ પડકાર્યો

નવી દિલ્હીઃ મહિલા પહેલવાનોએ ભૂતપૂર્વ ભાજપ સાંસદ અને ભારતીય કુશ્તી મહાસંઘ (WFI)ના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. મહિલા પહેલવાનોએ યૌન ઉત્પીડનના કેસમાં તેમને નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને દિલ્હી સેશન કોર્ટમાં પડકાર્યો છે.

પહેલવાનોએ પોતાની અરજીમાં કહ્યું છે કે ટ્રાયલ કોર્ટના નિર્ણયમાં પીડિત મહિલા સાથે જોડાયેલા એક ચોક્કસ માપદંડ એટલે કે ‘આદર્શ પીડિતા’ની માનસિકતાને આધાર બનાવવામાં આવ્યો છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે નિર્ણયમાં ફરિયાદકર્તાઓ પર એ વાતને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા કે તેમણે પીડિત મહિલા જેવી રીતે વર્તન કેમ ન કર્યું. અરજી અનુસાર ફરિયાદકર્તાઓની વાત પર માત્ર એટલા માટે વિશ્વાસ કરવામાં આવ્યો નહીં, કારણ કે તેમને ઘટનાઓની ચોક્કસ તારીખો યાદ નહોતી.

ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને ભારતીય કુશ્તી મહાસંઘ (WFI)ના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહના યૌન ઉત્પીડન કેસમાં નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને રાઉઝ એવન્યુ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. તાજેતરમાં તેમને નીચલી અદાલતે આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. જોકે હવે ચાર મહિલા પહેલવાનોએ આ નિર્ણયને પડકાર્યો છે. પહેલવાનોનો આરોપ છે કે નીચલી અદાલતનો નિર્ણય ‘રૂઢિચુસ્ત અને જૂની વિચારસરણી’ પર આધારિત છે. બ્રિજભૂષણ શરણ સિંહ સાથે આ કેસમાં સહ-આરોપી વિનોદ તોમરની નિર્દોષ છૂટવાના આદેશને પણ પડકારવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે મહિલા પહેલવાનોની અપીલ પર રાઉઝ એવન્યુ કોર્ટ આવતી કાલે સુનાવણી કરે એવી શક્યતા છે.

મહિલા પહેલવાનોની દલીલ

અરજીમાં કહેવામાં આવ્યું છે કે મેજિસ્ટ્રેટ કોર્ટનો આદેશ કાયદાની નજરે ટકી શકે તેમ નથી. સાથે જ પુરાવાઓનું ખોટી અને પસંદગીયુક્ત રીતે મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. અપીલમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આદેશ અનુમાન અને અટકળો પર આધારિત છે. આ ઉપરાંત સ્થાપિત કાયદાકીય સિદ્ધાંતોનો યોગ્ય રીતે અમલ કરવામાં આવ્યો નથી.