રાજકોટ : મારવાડી યુનિવર્સિટીમાં સતત બીજા વિદ્યાર્થીના આપઘાતની ગંભીર ઘટના સામે આવી છે. કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષના વિદ્યાર્થી અને મૂળ આંધ્રપ્રદેશના હેમંત ગંધમે શુક્રવારે સવારે યુનિવર્સિટી બિલ્ડિંગના છઠ્ઠા માળેથી પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હતું. 6 દિવસના ટૂંકા ગાળામાં જ કેમ્પસમાં આપઘાતની આ બીજી ઘટના બનતાં વિદ્યાર્થી સુરક્ષા અને કેમ્પસના માહોલ સામે અનેક સવાલો ઊભા થયા છે.
ઘટના અંગે મળતી વિગતો મુજબ, શુક્રવારે સવારે આશરે 8:10 વાગ્યે હેમંત બેગ લીધા વિના જ કેમ્પસમાં પ્રવેશ્યો હતો અને સીધો છઠ્ઠા માળે પહોંચી ત્યાંથી નીચે છલાંગ લગાવી દીધી હતી. તેને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે.
આ અગાઉ 19 સપ્ટેમ્બરના રોજ પણ આ જ યુનિવર્સિટીની કમ્પ્યુટર એન્જિનિયરિંગની 19 વર્ષીય વિદ્યાર્થિની અલ્લા વેંકટેશ સૌભાર્નિકાએ ગર્લ્સ હોસ્ટેલના 10મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. તે પણ આંધ્રપ્રદેશની વતની હતી.
એક જ સપ્તાહમાં બે વિદ્યાર્થીઓના કરૂણ મોતથી છાત્ર સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ABVP સહિતના સંગઠનોએ કેમ્પસ બહાર ભારે વિરોધ પ્રદર્શન કરીને યુનિવર્સિટી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે બંને બનાવોમાં કોઈ સુસાઈડ નોટ ન મળતાં પરિવારજનો, મિત્રો અને રૂમમેટ્સની પૂછપરછ શરૂ કરી છે.






