ઢાકા / અમદાવાદ: દુર્ગા પૂજાના તહેવાર પૂર્વે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના માછલીના વેપારમાં અણધાર્યો મોટો વળાંક આવ્યો છે. વિશ્વમાં હિલ્સા (ઇલિશ) માછલીના સૌથી મોટા ઉત્પાદક અને નિકાસકાર ગણાતા બાંગ્લાદેશે ભારતમાંથી થતી હિલ્સા માછલીની આયાત પર અચાનક રોક લગાવી દીધી છે. બાંગ્લાદેશના મત્સ્યોદ્યોગ વિભાગે 103 આયાતકારોના નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) રદ કરવાનો આદેશ આપ્યો છે, જેના કારણે ભારતથી થતી આયાત તુરંત અસરથી અટકી ગઈ છે.
છેલ્લા બે મહિનામાં ભારતે – ખાસ કરીને ગુજરાતથી – બાંગ્લાદેશને 500 ટનથી વધુ હિલ્સા માછલીની નિકાસ કરી હતી. ગુજરાતના નર્મદા અને તાપી નદીના વિસ્તારમાંથી મળતી હિલ્સા માછલીના ઉત્પાદનમાં મોટો ઉછાળો આવતાં પ્રથમ વખત ભારતે બાંગ્લાદેશને આ માછલી મોકલી હતી, જેને સામાન્ય રીતે ભારત બાંગ્લાદેશથી આયાત કરતું હોય છે.
આ નિર્ણય અંગે મળતી વિગતો મુજબ, કેટલાક વેપારીઓ ગુજરાતની હિલ્સા માછલીને ‘પદ્મા નદીની હિલ્સા’ તરીકે વેચતા હોવાની ફરિયાદો અને ગુણવત્તાના મુદ્દાઓને ટાંકીને બાંગ્લાદેશ સરકારે આ પગલું ભર્યું છે.
આ નિર્ણયના કારણે વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પેટ્રાપોલ અને બેનાપોલ સરહદ પર માછલી ભરેલા કન્ટેનરો અટવાઈ ગયા છે. બીજી તરફ, બાંગ્લાદેશના આ કડક વલણને કારણે પશ્ચિમ બંગાળના ફિશ ઇમ્પોર્ટર્સ એસોસિએશને આશંકા વ્યક્ત કરી છે કે આ વર્ષે દુર્ગા પૂજાના તહેવાર દરમિયાન બાંગ્લાદેશમાંથી ભારતને મળતી પ્રસિદ્ધ ‘પદ્મા હિલ્સા’ની નિકાસ પર પણ ગ્રહણ લાગી શકે છે.






