‘કેટલા સમયમાં તેં આ પકડી?’
‘બે-ચાર કલાક થયા હશે.’ માછીમારે કહ્યું.
‘તો થોડું રોકાઈને વધારે માછલીઓ કેમ ન પકડી?’
‘મારા પરિવાર અને ભાઈબંધો માટે આટલી પૂરતી છે.’
‘અચ્છા, બાકીના સમયમાં તું શું કરે છે?’
‘હું સંતાનો સાથે રમું, બપોરે થોડું સૂઈ જાઉં, સાંજે ગામમાં આંટો મારવા નીકળું, ભાઈબંધો સાથે વાઈન પીઉં, ગિટાર
વગાડું, પરિવાર સાથે ગપાટા મારું, રાતે મોડેથી સૂઈ જાઉં. સવારે માછલીઓ પકડું.’
બિઝનેસમૅન હસ્યો, ‘હું હાર્વર્ડનો એમબીએ છું. તું કહેતો હોય તો તારો ધંધો ગોઠવી આપું. તું વધુ માછલીઓ પકડી શકીશ અને મોટી નાવડી ખરીદી શકીશ. એમાંથી ધંધો વધશે અને વધુ નાવડીઓ મારફત ખૂબ બધી માછલીઓ પકડી શકીશ. પછી તું તેને બજારમાં બીજા વેપારીઓને વેચીને, એક્સપૉર્ટ કરીને એક કંપની ખોલી શકીશ. ધંધો કરવા મેક્સિકો છોડીને ન્યુ યૉર્કમાં જઈ શકીશ.’
માછીમારે પૂછ્યું, ‘સર, એમાં કેટલો સમય લાગે?’
‘પંદર-વીસ વર્ષ. બહુ બહુ તો પચ્ચીસ.’
‘પછી શું, સર?’
‘પછી જ ખરી મજા છે,’ અમેરિકને કહ્યું, ‘સમય પાકે એટલે તું તારી કંપનીનું શૅરભરણું લાવી શકીશ. કંપનીના શૅર લોકોને વેચી શકીશ. એમાં તું લાખો ડૉલર કમાઈને ધનવાન થઈશ.’
‘લાખો ડૉલર? ઓહ, પછી?’ માછીમારને આશ્ચર્ય થયું.
બિઝનેસમૅને કહ્યું, ‘પછી તું નિવૃત્ત થઈને કોઈ દરિયાકિનારે આલીશાન બંગલો બાંધીશ, ત્યાં તું તારા પૌત્રો-પૌત્રીઓ સાથે રમી શકીશ, બપોરે થોડું સૂઈ જઈ શકીશ, સાંજે ગામમાં આંટો મારવા નીકળી શકીશ, ભાઈબંધો સાથે ભવ્ય પાર્ટીઓ કરી શકીશ, ગિટાર વગાડી શકીશ, પરિવાર સાથે ગપાટા મારી શકીશ, રાતે નિરાંતે સૂઈ શકીશ અને વહેલી સવારે ઊઠીને માછીમારીનો આનંદ લઈ શકીશ.’
માછીમાર અમેરિકનને એવી રીતે જોતો રહ્યો જાણે બેવકૂફ હોય.
નવા વર્ષની શરૂઆત કંઈક નવું ખરીદીને કરવાને બદલે, આપણી પાસે જે કંઈ છે એમાંથી કેટલું ખરેખર જરૂરી છે એ વિચારવાથી કરીએ તો? નેટફ્લિક્સની એક ડૉક્યુમેન્ટરી ‘ધ મિનિમલિસ્ટઃ લેસ ઈઝ નાઉ’ આ જ સવાલ આપણી સામે મૂકે છે. પશ્ચિમના સમાજમાં પ્રચલિત બનેલા ‘થોડામાં ઘણું’ના વિચારને ડૉક્યુસિરીઝે રસપ્રદ રીતે રજૂ કર્યો છે: આપણે જીવનમાં કેટલી બધી બિનજરૂરી ચીજવસ્તુ ભેગી કરતા રહીએ છીએ. એમાંથી ખરેખર કેટલી વસ્તુની આપણને જરૂર હોય છે?
આ ડૉક્યુમેન્ટરીની વાર્તા અમેરિકામાં રહેતા બે મિત્રો, જોશુઆ ફીલ્ડ્સ મિલબર્ન અને રાયન નિકોડેમસની છે. બંને મિનિમલિસ્ટ્સ એટલે કે ન્યૂનતમવાદી તરીકે ઓળખાય છે. ન્યૂનતમવાદ એટલે જીવનની પાયાની જરૂરત પૂરતી વસ્તુ સાથે જીવવાની અને બાકીની બિનજરૂરી ભીડમાંથી મુક્ત થવાની જીવનશૈલી. બંને મિત્રોએ ભૌતિક ચીજવસ્તુ પાછળ દોડતા જીવનમાંથી બહાર નીકળીને સાદગી, સંતોષ અને અર્થપૂર્ણ જીવનનો માર્ગ પસંદ કર્યો. તેમનો અનુભવ આપણને વિચારવા પ્રેરે છે કે સુખી થવા માટે વધુ ને વધુ વસ્તુ મેળવવી જરૂરી છે કે પછી કેટલીક વસ્તુનો મોહ છોડી દેવો વધુ જરૂરી છે?
આ ડૉકયુમેન્ટરી મારફત તેમણે ઉપભોક્તાવાદી લોકોને પ્રેરણા આપી હતી કે ઓછી વસ્તુ રાખવાનો અર્થ ઉણપભરી જિંદગી નથી થતો, પરંતુ વધુ આઝાદી, શાંતિ અને ઉદ્દેશ્યથી ભરેલું જીવન છે. ફિલ્મ સવાલ ઉઠાવે છે કે ઉપભોક્તાવાદ (કન્ઝ્યુમરીઝમ) અને દેખાદેખીની સંસ્કૃતિએ આપણને કેવી રીતે સંગ્રહખોરી કરવા માટે મજબૂર કર્યા છે. મોટાં ઘર, મોંધી કાર, ભરચક વૉર્ડરૉબ અને ફેન્સી ફૂડ છતાં આપણે આપણી જાતને કેવી રીતે ભીતરથી ખાલી મહેસૂસ કરીએ છીએ. ‘લેસ ઈઝ નાઉ’ના સંદેશ સાથે બંને મિત્રોએ કહ્યું હતું કે સાદાઈ તરફનો બદલાવ અત્યારથી જ કરવાની જરૂર છે- અને એ સાદાઈ કેવળ ભૌતિક જ નથી, પરંતુ માનસિક અને ભાવનાત્મક પણ છે.
મિનિમલીઝમ એક આધુનિક વિચારધારા છે, જે જીવનને સરળ બનાવવા, અનાવશ્યક વસ્તુ અને જટિલતા ઘટાડવા, અને માત્ર જરૂરી વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવા પર આધારિત છે. તેનો ઉદ્દેશ છે ઓછી વસ્તુ સાથે વધુ સંતુલિત, શાંતિપૂર્ણ અને અર્થપૂર્ણ જીવન જીવવું. આ માત્ર જીવનશૈલી નથી, પરંતુ વૈચારિક રીત પણ છે, જેમાં વ્યક્તિ ભૌતિક વસ્તુઓની જગ્યાએ અનુભવ, લાગણી અને આત્મિક સંતુલનને વધુ મહત્વ આપે છે.હિંદુ પરંપરામાં સાદગી, સંયમ અને ત્યાગને અતિ મહત્વપૂર્ણ ગુણ માનવામાં આવ્યા છે. સાદું જીવન, ઉચ્ચ વિચારનો ભાવ જ મિનિમલીઝમના વિચારને દર્શાવે છે. તેનો અર્થ છે- બાહ્ય ભૌતિક સુખ-સુવિધાની તુલનામાં આંતરિક શાંતિ, આત્મજ્ઞાન અને સંતોષને વધુ મહત્વ આપવું. ઉપનિષદો અને ભગવદ્ ગીતા જેવા ગ્રંથોમાં પણ આ વિચાર મળે છે કે મનુષ્યને પોતાની ઈચ્છા અને વસ્તુના મોહથી ઉપર ઊઠીને જીવન જીવવું જોઈએ. ગીતામાં શ્રીકૃષ્ણ કહે છેઃ ‘જે વ્યક્તિ પોતાનાં કર્મોનાં ફળોની આસક્તિ છોડે છે તે સાચા અર્થોમાં યોગી છે.’ આ શિક્ષા મૂળત્વે મિનિમલીઝમનો જ ભાવ છે.
આ દર્શન માત્ર ત્યાગી જીવન સુધી મર્યાદિત નથી. ગૃહસ્થ જીવનમાં પણ એ શીખવાડવામાં આવ્યું છે કે આપણે આવશ્યકતા અનુસાર જ ભોગ કરવો જોઈએ. મહાત્મા ગાંધી આ વિચારનું જ્વલંત ઉદાહરણ છે. તેમણે જીવનમાં જેટલી સાદગી અપનાવી હતી, વિચારોમાં એટલી જ સમૃદ્ધતા કેળવી હતી.
જો કે આધુનિક ભારતમાં હવે પરિવર્તન આવી રહ્યું છે. આજના લોકો વધુ ને વધુ ભૌતિક ચીજવસ્તુઓ એકઠી કરવા પર ભાર મૂકે છે. તેનું કારણ પ્રગતિ અને સુખનું અમેરિકન મોડેલ છે. આધુનિક સમાજ તરીકે આપણે એ વિચારમાં ફસાઈ રહ્યા છીએ કે ખુશ રહેવા માટે આપણને બાહ્ય ચીજ-વસ્તુઓની જરૂર છે. આપણે જાતને એ વિશ્વાસ અપાવી દીધો છે કે જેટલી વધારે વસ્તુઓ આપણી પાસે હશે- ચાહે તે પૈસા હોય, સુવિધા હોય કે ભવ્ય અનુભવ હોય- તેટલી વધુ ખુશી આપણે અનુભવીશું.
સત્ય આનાથી વિપરીત છે. આપણે અંદર ઊંડે જઈને એ સમજવાનો પ્રયત્ન નથી કરતા કે ખરેખર આપણાં મન અને શરીરને આ ક્ષણે શું જોઈએ છે. પોતાની અંદરની શાંતિ અને જરૂરિયાતોને સમજવાને બદલે આપણે ધ્યાન ભટકાવી દઈએ છીએ અને બાહ્ય બાબતોમાં ખુશી શોધવા લાગીએ છીએ. આ રીતે આપણે આપણી અસલી જરૂરિયાતોથી દૂર થઈ જઈએ છીએ અને એક બાહ્ય વિશ્વ પર નિર્ભર થઈએ છીએ, જે ક્યારેક સ્થાયી સુખ આપી શકતું નથી.
-પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણે આટલી બધી ચીજ-વસ્તુ કેમ ખરીદીએ છીએ? એવું શું છે કે આપણને નવી વસ્તુ વારંવાર ખરીદવી જરૂરી લાગે છે? આનું કારણ છેઃ પસંદગીની સ્વતંત્રતા. એક સમય હતો, જ્યારે આપણે જેની ઈચ્છા થાય તે ચીજો ખરીદી શકતા નહોતા. એમાં ઘણા અવરોધો હતા. નવા શર્ટ માટે બજારમાં જઈને કાપડ લેવું પડતું, પછી દરજી તેને સીવી આપે ત્યાં સુધી રાહ જોવી પડતી. એમાં દિવસો નીકળી જતા. વાસણ જોઈતાં હોય તો લુહાર પાસે બનાવવાં પડતાં. શાકભાજી સીઝનમાં ખેતરમાં ઊગે ત્યાં સુધી
રાહ જોવી પડતી હતી. તે વખતે મેડ ટુ ઑર્ડર હતું એટલે કે જરૂરિયાત મુજબ બનાવવામાં આવતી હતી.
આજે? ઑનલાઈન ઑર્ડર કરો તો ગણતરીના સમયમાં માગો તે ચીજ ઘરે આવી જાય છે અને, સૌથી મોટી વાત- તે સમયમાં બહુ ઓછા લોકો પાસે પૈસા હતા. ઉચ્ચ વર્ગને બાદ કરતાં બાકીનો સમાજ સામાન્ય અને ગરીબ હતો, લોકોને પોતાની મર્યાદામાં રહીને જીવવું પડતું, જે મળે તેમાં જ સંતોષ માનવો એ જ જીવન-મંત્ર હતો. આજે ભારતના વિશાળ મધ્યમ વર્ગ પાસે ખરીદશક્તિ અને જે ઈચ્છા હોય તે મેળવી લેવાના વિકલ્પો આવી ગયા છે. એટલા માટે તો ભારતમાં મૉલ સંસ્કૃતિ, ઑનલાઈન શૉપિંગ, હોમ ડિલિવરીની બોલબાલા છે.
કશું પણ ખરીદી શકવાની આઝાદી એક ભ્રમ બની ગઈ છે- આપણે એવું માની લીધું છે કે જેટલું વધુ ખરીદીશું, એટલા વધુ આપણે આઝાદ અને ખુશ રહીશું. આ વિચાર પેઢી-દર-પેઢી આપણી અંદર જડાતો ગયો છે અને આજે ઉપભોક્તાવાદ આપણી જીવનશૈલીનો હિસ્સો બની ગયો છે. સદીઓ પહેલાં ચાર્વાક નામના ઋષિએ સલાહ આપી હતી કે દેવું કરીને પણ ઘી પીઓ. આજની ક્રેડિટ કાર્ડ સંસ્કૃતિ આનું જ આધુનિક સ્વરૂપ છે.
આ સંસ્કૃતિની પ્રતિક્રિયામાંથી જ મિનિમલીઝમની ધારણા પ્રગટી છે. મિનિમલીઝમ અપનાવાનો સૌથી મોટો ફાયદો માનસિક શાંતિ છે. જ્યારે આપણી પાસે ઓછી ચીજવસ્તુ હોય છે ત્યારે આપણે તેનાં જતન, સુરક્ષા અથવા તુલનાની ચિંતામાં ફસાતા નથી. આપણું ધ્યાન સ્વાભાવિક રૂપે અંદર તરફ વળે છે. આથી આપણી પાસે જે છે તેમાં સંતોષ અને કૃતજ્ઞ થવાની ભાવના વિકસે છે. આપણે દરેક નાની વસ્તુની કદર કરવાનું શીખી જઈએ. એક કપ ચા, સવારની તાજી હવા, અથવા પ્રિયજનો સાથે પસાર કરેલો સમય પણ એટલી જ ખુશી આપે છે.
બીજો મોટો ફાયદો છે આર્થિક સ્વતંત્રતા. જ્યારે આપણે જરૂરથી વધારે વસ્તુઓ ખરીદવાનું બંધ કરીએ છીએ ત્યારે આપણા આવકનો ઉપયોગ વધુ અર્થપૂર્ણ કાર્યો માટે થઈ શકે છે- જેમ કે પ્રવાસ, શિક્ષણ, અથવા સમાજસેવા. મિનિમલીઝમમાં આપણે પૈસાના ગુલામ બનવાને બદલે તેના માલિક બનીએ છીએ.
મિનિમલીઝમનો અર્થ ત્યાગ નથી, પરંતુ પસંદગી છે… એવી પસંદગી જે હળવી, અર્થપૂર્ણ અને આત્મિક રીતે સમૃદ્ધ હોય. આ વાત આપણને એ સમજવામાં મદદ કરે છે કે જીવનનો સાચો આનંદ વધુ વસ્તુ મેળવવામાં નથી,પરંતુ થોડામાં ઘણું અનુભવવામાં છે.
દિવાળી અને નવા વર્ષની શરૂઆત આ વિચારને જીવનમાં ઉતારવાની એક સરસ તક બની શકે છે. દિવાળી આવે એટલે આપણે ઘરની સફાઈ કરીએ છીએ. વર્ષોથી કબાટમાં પડેલાં કપડાં, ઉપયોગમાં ન આવતી ચીજવસ્તુ, જૂના કાગળો અને બીજી કેટલીય વસ્તુ બહાર કાઢીએ છીએ. ઘરમાં નવી રોશની આવે તે માટે જૂનો કચરો દૂર કરીએ છીએ.
-પરંતુ ક્યારેય વિચારીએ છે કે આવી જ સફાઈ આપણા મનમાં પણ કરવાની જરૂર છે? મનના એક ખૂણામાં વર્ષોથી સંઘરી રાખેલી ઈર્ષ્યા, બીજા સાથેની સરખામણી, વધારે મેળવવાની લાલસા અને ન મળેલી વસ્તુનો અફસોસ આપણે ક્યારે બહાર કાઢીશું? ઘરની સફાઈ દિવાળીએ થાય છે, પણ મનની સફાઈ માટે કોઈ મુહૂર્ત નક્કી નથી. એ કામ આપણે ગમે ત્યારે શરૂ કરી શકીએ છીએ.
નવું વર્ષ આવે એટલે આપણે જાતને અનેક સંકલ્પો આપીએ છીએ. આ વર્ષે વધારે કમાવું છે, નવી ગાડી લેવી છે, મોટું ઘર ખરીદવું છે, પ્રવાસ કરવા જવું છે, નવી વસ્તુ વસાવવી છે… આ બધું ખોટું નથી. પ્રગતિ કરવાની ઇચ્છા માનવસ્વભાવનો હિસ્સો છે. સવાલ માત્ર એટલો છે કે આ બધું મેળવવાની દોડમાં આપણે શું ગુમાવી રહ્યા છીએ? વધુ પૈસા કમાવાની કોશિશમાં જો પરિવાર સાથે બેસવાનો સમય જ ન રહે, વધુ મોટું ઘર મેળવવા માટે એટલી મહેનત કરવી પડે કે ઘરમાં રહેવાની ફુરસદ જ ન મળે, અને સુખસગવડો વધારવા માટે માનસિક શાંતિ ગુમાવવી પડે, તો પછી આ પ્રગતિનો અર્થ શું રહ્યો? ક્યાંક એવું તો નથી ને કે આપણે પેલા અમેરિકન બિઝનેસમૅનની જેમ આપણી જાતને એ બધું મેળવવાની લાલચ આપીએ છીએ, જે આપણી પાસે શરૂઆતથી જ હતું?
એના બદલે આ નવા વર્ષે એક જુદો સંકલ્પ કેમ ન કરીએ? આ વર્ષે શું નવું ખરીદવું છે તેની યાદી બનાવવાની સાથે એ પણ નક્કી કરીએ કે શું ખરીદવાની જરૂર નથી. બીજા પાસે જે છે તે મેળવવા દોડવાને બદલે જે છે તેનો આનંદ માણવાનું શીખીએ. પરિવાર સાથે જમતી વખતે મોબાઈલ બાજુ પર મૂકીએ, બાળકો સાથે રમવા માટે સમય કાઢીએ, જૂના મિત્રને ફોન કરીએ અને દિવસની દોડધામ વચ્ચે થોડી ક્ષણો પોતાની સાથે વિતાવીએ. આ બધું કરવા માટે કોઈ મોટી આવક, મોંઘી વસ્તુ કે વિશેષ આયોજનની જરૂર નથી. જરૂર છે માત્ર પ્રાથમિકતા બદલવાની.
દિવાળીમાં આપણે લક્ષ્મીનું સ્વાગત કરીએ છીએ. સંપત્તિનું મહત્વ નકારી શકાય તેમ નથી, પરંતુ સંપત્તિનો અર્થ માત્ર બૅન્ક બૅલેન્સ કે મિલકતનો આંકડો નથી. સમય પણ સંપત્તિ છે, સ્વાસ્થ્ય પણ સંપત્તિ છે, સંબંધોમાં રહેલો વિશ્વાસ પણ સંપત્તિ છે અને મનની શાંતિ પણ સંપત્તિ છે. પૈસાથી ઘણી સુવિધા ખરીદી શકાય છે, પરંતુ પરિવાર સાથે વિતાવેલી કોઈ સાંજ, મિત્ર સાથેની નિખાલસ વાતચીત કે વહેલી સવારે અનુભવાતી શાંતિ બજારમાંથી ખરીદી શકાતી નથી. જે વસ્તુ મફતમાં મળે છે, ઘણી વાર આપણે તેનું મૂલ્ય ત્યારે સમજીએ છીએ જ્યારે તે આપણી પાસે રહેતી નથી.
નવા વર્ષનો સાચો અર્થ માત્ર કેલેન્ડરનું પાનું બદલવામાં નથી, પરંતુ જીવનને જોવાની આપણી દૃષ્ટિ બદલવામાં છે. આપણે દર વર્ષે જીવનમાં કંઈક ઉમેરવા માગીએ છીએ, આ વખતે થોડું ઘટાડીને જોવાનો પ્રયોગ કરીએ. બિનજરૂરી ખર્ચ ઘટાડીએ, દેખાદેખી ઘટાડીએ, અપેક્ષાઓનો બોજ ઘટાડીએ અને બીજા સાથેની સરખામણી ઘટાડીએ. કદાચ એ પછી આપણને સમજાશે કે જીવનમાં જેનો અભાવ અનુભવાતો હતો તે ખરેખર કોઈ નવી વસ્તુનો અભાવ નહોતો, પરંતુ પોતાની પાસે જે છે તેની સાથે જોડાવાની ક્ષણોનો અભાવ હતો.
આ દિવાળીએ ઘરમાં દીવા પ્રગટાવીએ ત્યારે મનમાં પણ એક દીવો પ્રગટાવીએ- દીવો… સંતોષનો, સંયમનો અને સમજણનો. આવનારા વર્ષમાં વધુ મેળવવાની મહત્ત્વાકાંક્ષા રાખીએ, પરંતુ મહત્ત્વાકાંક્ષા આપણા જીવન પર એવો કબજો જમાવી ન દે કે જીવવાનું જ ભૂલી જઈએ. સફળતા એવી હોવી જોઈએ કે જેમાં જીવન જીવવા માટે નિવૃત્તિની રાહ જોવી ન પડે. સુખ એવું હોવું જોઈએ, જે માણવા માટે પચીસ વર્ષ પછી દરિયાકિનારે બંગલો બાંધવાની જરૂર ન પડે, કારણ કે જીવનનો સૌથી કીમતી સમય ભવિષ્યમાં આવવાનો નથી, એ તો અત્યારે આપણી આંખ સામે, આપણી આસપાસના લોકો અને આપણી પાસે રહેલી નાની નાની ખુશીઓમાં હાજર છે.
કવિ ગોપાલદાસ ‘નીરજે’ બહુ માર્મિક રીતે આ વાત સમજાવી હતી:જિતના કમ સામાન રહેગા, ઉતના સફર આસાન રહેગા…
હેપ્પી ન્યુ યર!
(રાજ ગોસ્વામી)






