આધ્યાત્મિકતા : આત્માની પરમ સંતુષ્ટિ!

આજથી લગભગ 103 વર્ષ પહેલાં અમેરિકાના શિકાગોમાં એજવોટર બીચ હોટેલમાં નવ વ્યક્તિઓ એક મીટિંગ માટે ભેગી થઈ હતી. આ નવ માંધાતાઓ દુનિયાના સૌથી સફળ ધનાઢ્યો અને રોકાણકારો હતા.

ગ્લેન બ્લાન્ડ નામના લેખકે પોતાના પુસ્તક ‘સક્સેસ’માં શિકાગોની આ મીટિંગનો ઉલ્લેખ કરીને નોંધ્યું છે કે આ નવ વ્યક્તિઓના પાછલા જીવનકાળ વિશે તપાસ કરવામાં આવી તો નવમાંથી ત્રણ વ્યક્તિઓએ આપઘાત કર્યો હતો, બે જેલમાં સબડતી હતી અને બેએ દેવાળાં ફૂંક્યાં હતાં.

આવા તો ઘણા લોકોને આપણે જાણતા હોઈશું, જેઓ એક સમયે પોતાના ક્ષેત્રના બેતાજ બાદશાહ હતા અને જોતજોતામાં નિષ્ફળતાની ગર્તામાં વિલીન થઈ ગયા.

અહીં એક પ્રશ્ન સ્વાભાવિક રીતે ઊભો થાય કે તેમની આવી બરબાદીનું કારણ શું? શિક્ષણ, સત્તા અને સંપત્તિની ટોચ પર બેઠેલી આવી પ્રભાવશાળી વ્યક્તિઓના જીવનમાં શું ખૂટતું હતું? કેમ અસીમિત સાધનોનો સરવાળો શૂન્ય જ બની રહ્યો?

આ સવાલના જવાબમાં ઉત્તર મધ્યકાલીન ભક્તકવિ નિષ્કુળાનંદ સ્વામી કહે છે :

એક ભૂંસાડીને એકડો રે, વાળ્યાં મીંડાં વીસ,

જોતાં સરવાળો ન જડ્યો રે, ત્યારે કરે છે રીસ.

જેમ એકડા વગરનાં મીંડાંનું કોઈ મૂલ્ય નથી, એવી જ રીતે આધ્યાત્મિકતા વગર અન્ય સાધનો વ્યર્થ જ સિદ્ધ થાય છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિશ્રી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન કહેતા કે આત્મિક કે આધ્યાત્મિક વિકાસ જ સાચો વિકાસ છે.

અહીં એક બાબત ધ્યાન ખેંચે એવી છે. મહાપુરુષો, ચિંતકો કે કવિઓને પ્રગતિનાં સાધનો કે સોપાનો સિદ્ધ કરવા સામે કશો જ વિરોધ નથી. તેમનું કહેવું એટલું જ છે કે આ સાધનોને આધ્યાત્મિકતા સાથે જોડવામાં આવે તો તે વધુ મૂલ્યવાન બની જાય છે.

નોકરી-કામધંધો, કારકિર્દી, જવાબદારીઓ અને સ્પર્ધાથી ભરેલી ભાગદોડભરી તથા તણાવપૂર્ણ જિંદગીમાં જ્યારે દિલ-દિમાગ થાકી જાય છે, ત્યારે અધ્યાત્મ એવો દીવો બને છે, જે અંધારામાં પણ રસ્તો બતાવે છે.

અધ્યાત્મનો અર્થ ઘણો ઊંડો અને વ્યાપક છે. અધ્યાત્મ એટલે જાતને ઓળખવી, પોતાના વિચારો અને લાગણીઓ પર સંયમ રાખવો અને જીવનના હેતુને સમજવો.

બાહ્ય સંજોગો ભલે બદલાય, પણ અંદરથી શાંત રહેવાની કળા અધ્યાત્મ આપે છે. આપણે શા માટે ગુસ્સે થઈએ છીએ, શેનાથી ડરીએ છીએ અને આપણા માટે ખરેખર શું મહત્ત્વનું છે, એ બધું સ્પષ્ટ દેખાવા લાગે છે.

વળી, જે મળ્યું છે તેના પ્રત્યે કૃતજ્ઞતા અને બીજા પ્રત્યે સમજણ તથા કરુણાની ભાવના કેળવાય છે. જીવનમાં હંમેશાં સારા દિવસો જ નથી રહેતા. ક્યારેક નિષ્ફળતા મળે છે, ક્યારેક અપેક્ષાભંગ થાય છે, તો ક્યારેક અચાનક આવતાં સંકટો માણસને હચમચાવી નાખે છે.

આવા સમયે અધ્યાત્મ માણસને ભાંગી પડતો અટકાવવામાં મદદરૂપ બને છે. એ શીખવે છે કે દરેક પરિસ્થિતિ કાયમી નથી અને દરેક મુશ્કેલીમાંથી કંઈક શીખવા મળે છે. મનમાં વિશ્વાસ અને ધીરજ હોય ત્યારે માણસ ફરી ઊભો થઈને આગળ વધી શકે છે.

અધ્યાત્મ માટે હિમાલય કે જંગલમાં જવાની જરૂર નથી. એ તો રોજિંદા જીવનની નાની-નાની આદતોમાંથી કેળવાય છે : દિવસની શરૂઆત થોડી મિનિટો શાંતિથી બેસીને કે ધ્યાન કરીને કરવી. બોલતાં અને નિર્ણય લેતાં પહેલાં થોડું થોભવું અને વિચારવું. બીજાની મદદ કરવી અને સંબંધોમાં પ્રામાણિકતા જાળવવી. પ્રકૃતિ સાથે થોડો સમય વિતાવવો અને મોબાઇલની સ્ક્રીનથી થોડો વિરામ લેવો.

અધ્યાત્મ આપણને જીવનથી ભાગવાનું નથી શીખવતું, બલકે જીવનને વધુ સારી રીતે સમજવાનું અને જીવવાનું શીખવે છે. વ્યક્તિ જ્યારે અંદરથી મજબૂત અને શાંત હોય છે, ત્યારે તેની અસર તેનાં કામ, સંબંધો અને નિર્ણયો પર પણ પડે છે.

સાચી સફળતા એ જ છે, જેમાં પ્રગતિની સાથે શાંતિ અને સંતોષ પણ જોડાયેલાં હોય. અધ્યાત્મ એ જ સંતુલન સાધવાનો સૌથી સુંદર માર્ગ છે. આધ્યાત્મિકતાના દિવ્ય સ્પર્શ સાથેની જીવનશૈલી પૂર્ણ અને સંતુલિત વિકાસ લાવે છે. એક વાત સમજવા જેવી છે કે આધ્યાત્મિકતા જીવનની વાસ્તવિક આવશ્યકતા છે. માત્ર સકારાત્મક સૂચનો તેનું સ્થાન લઈ શકતાં નથી. આધ્યાત્મિકતાને આચરણમાં પણ મૂકવી જોઈએ. જો તમે તેને તમારા જીવનમાં ઉતારશો અને તેનું આચરણ કરશો, તો જ તમે ખરા અર્થમાં આધ્યાત્મિક બની શકશો.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)