દિવાળી આવી ને ગઈ, વિક્રમ સંવત ૨૦૮૩નું વર્ષ બેસી ગયું. હવે આવશે લાભપાંચમ અને એ સાથે જીવન પુનઃ એની ભાગદોડ અને ગતિ
પકડી લેશે. સૌ કોઈ પોતાના રોજિંદા વ્યવહારમાં પાછા વળશે. તહેવારો આવશે અને ચાલ્યા જશે, પણ સમયના આ વહેણમાં માનવજાતે જે અવિરત પ્રયાણ કર્યું છે, તે ખરેખર અચંબિત કરનારું છે.
ક્યારેક પહાડ, ડુંગર કે કુદરતી બખોલો અને કોતરોમાં વસનારો માનવી આજે આકાશને આંબતી ગગનચુંબી ઇમારતોમાં વિસ્તરી રહ્યો છે! એક સમયે વૃક્ષ પરથી ખરી ગયેલાં સૂકાં કે પાકાં ફળ ખાઈને જીવન ગુજારનારો આદિમ માનવી આજે થાળીએ-થાળીએ ભાતભાતની વાનગીઓ માણી રહ્યો છે. સંદેશવ્યવહાર માટે ક્યારેક આકાશમાં કબૂતર ઉડાડતો મનુષ્ય આજે ટેક્નોલોજીની તાકાતે એક જ પળમાં પોતાનો અવાજ દરિયાપાર જીવંત પહોંચાડી રહ્યો છે.
એક સમય એવો પણ હતો, જ્યારે માણસ માટે પોતાનું નાનકડું ગામડું જ એની દુનિયા હતી. આજે માનવજાતનાં આશ્ચર્યજનક પરિવર્તનોએ આખી દુનિયાને નાનકડા ગામડામાં પરિવર્તિત કરી દીધી છે. આજે જગતભરમાં લાખો લોકો રોજ પક્ષીઓની જેમ આકાશમાં ઊડાઊડ કરી રહ્યા છે.
સારી વાત છે. પરિવર્તન એ તો આ સંસારનો શાશ્વત નિયમ છે, પરંતુ નવા વર્ષમાં ગંભીર થઈને વિચારવા જેવી વાત એ છે કે પરિવર્તનોની આ અવિરત પરંપરાનું પરિણામ માણસ માટે ક્યાંક માઠું તો નથી આવ્યું ને?

અલબત્ત, પરિવર્તનનો શીતળ પવન ફૂંકવા પાછળ માનવીનો હેતુ માત્ર અને માત્ર સુખી થવાનો, જીવનમાં નિરાંત અને સાચી હાશ અનુભવવાનો જ હતો, પરંતુ આ દોડમાં ક્યાંક માનવજાતે સુખના નામે કંઈક બીજું જ વહોરી લીધું નથી ને?
મહાન અમેરિકન કવિ, નિબંધકાર, પ્રકાશક અને નાટ્યકાર ટી. એસ. એલિયટ કહેતા કે, “વ્હૉટ ડીડ ટ્વેન્ટી સેન્ચુરીઝ ડુ? એન્ડલેસ ઇન્વેન્શન, એન્ડલેસ એક્સપરિમેન્ટ, બ્રિંગ્ઝ નૉલેજ ઑફ મોશન, બટ નૉટ ઑફ સ્ટિલનેસ. ઑલ અવર નૉલેજ બ્રિંગ્ઝ અસ નીઅરર ટુ ઇગ્નોરન્સ. ઑલ અવર ઇગ્નોરન્સ બ્રિંગ્ઝ અસ નીઅરર ટુ ડેથ ઍન્ડ નીઅરર ટુ ડસ્ટ.”
અર્થાત્ અઢળક શોધખોળ અને જાતજાતનાં સંશોધનોએ આપણને ગતિનું જ્ઞાન જરૂર આપ્યું, પરંતુ સ્થિરતાનું નહીં. બલકે આપણું સઘળું જ્ઞાન આપણને વિનાશની નજીક લઈ આવ્યું છે.
હા, પરિવર્તનોએ દુનિયાને નાની બનાવી, પણ સામે પ્રશ્નોને વિકરાળ કરી મૂક્યા છે. આવું શાથી બન્યું? ખાટલે મોટી ખોડ ક્યાં રહી ગઈ?
એક જવાબ છે : પરિવર્તનના પ્રથમ પગલાની પસંદગીમાં માણસ ગોથું ખાઈ બેઠો.
સંસ્કૃત સુભાષિતમાં કહેવાયું છે કે, “કેવળ રાફડા પર લાકડી પછાડવાથી એની અંદરના સાપને હણી શકાતો નથી.” એવી જ રીતે ભીતરની શાંતિ અને જંપ જોઈતાં હોય તો માત્ર બાહ્ય પરિવર્તનોથી કાંઈ જ નહીં વળે. આપણે જ્યારે રાફડા પર લાકડી પછાડીએ છીએ, ત્યારે દરમાં ભરાઈ રહેલા સાપને કંઈ અસર થતી નથી. એ તો નિરાંતે પડ્યો રહે છે. તેમ માણસ કપડાં બદલે, વાહનો બદલે, ખાવાની વાનગીઓ બદલે, પરંતુ આવાં અનંત બાહ્ય પરિવર્તનોથી એની અંદરની અશાંતિને કોઈ ફરક નથી પડવાનો. અંદરની અશાંતિને હડસેલો મારવા માટે અંદરથી પરિવર્તિત થવું પડે. અંદરનું પરિવર્તન એટલે આપણા સ્વભાવોનું પરિવર્તન. આપણા અભિગમ અને દૃષ્ટિકોણનું પરિવર્તન. નવા વર્ષમાં આવો જ એક અભિગમ બદલવાનું વિચારીએ.
એક બહુ જાણીતી ઉક્તિ છે : અડધા ભરેલા ગ્લાસને જે અડધો ખાલી જોશે, તેને અધૂરપની અનુભૂતિ થશે, કંઈક ગુમાવ્યાની લાગણી અનુભવાશે, પરંતુ જો અડધો ભરેલો જોશે, તો કંઈક પામ્યાનો આનંદ મળશે. ગ્લાસની જેમ માણસો પણ ઘણી વાર થોડા ભરેલા અને થોડા ખાલી હોય છે. આપણે પણ પોતાનાં વલણો અને અભિગમોને સ્વચ્છ કરીએ. જરૂર પડે તો એને બદલીએ. આપણી દૃષ્ટિ બદલીએ, કારણ કે આપણી અણસમજ કે અધૂરી સમજને ફગાવી દેવામાં કદી મોડું થતું નથી.
એક કવિએ સાચું જ કહ્યું છે :
“સોચ કો બદલો, સિતારે બદલ જાયેંગે,
નજર કો બદલો, નઝારે બદલ જાયેંગે.
કશ્તિયાં બદલને કી ઝરૂરત નહીં, મેરે દોસ્ત…
દિશા કો બદલો, કિનારે બદલ જાયેંગે.”
નૌકા બદલવાની જરૂર નથી, બસ, એની દિશા બદલશો તો કિનારો મળી જશે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)






