આજના માનવી પાસે આધુનિક સાધનો, સપનાં અને દોડવાની તાકાત હોવા છતાં અવારનવાર એક સવાલ એને સતાવ્યા
કરે છે કે, “આપણે પહોંચવું હતું ત્યાં પહોંચ્યા કે રસ્તામાં જ અટવાઈ ગયા?”
આનો જવાબ માત્ર એક જ શબ્દમાં છુપાયેલો છે : એકાગ્રતા.
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનાં નોટિફિકેશન્સ અને હજારો વિકલ્પો વચ્ચે આપણું મન સતત વિખેરાતું રહે છે. મન જ્યારે અલગ-અલગ દિશામાં ફંટાયેલું હોય ત્યારે મહેનત કરવા છતાં ધાર્યું પરિણામ મળતું નથી. જીવનની ગાડી પાટા પર રાખવી હોય તો દિશાની સાથે મનની સ્થિરતા અનિવાર્ય છે. જેમ કોઈ મહાન સિદ્ધિ અચાનક નથી મળતી, તેમ એકાગ્રતા પણ એક એવી સાધના છે, જે સામાન્ય મનુષ્યને પણ અસાધારણ બનાવી શકે છે.
અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર એક બોર્ડિંગ ગેટથી બીજા ગેટ સુધીનું લાંબું અંતર કાપવા માટે ઑટોવૉક અથવા ટ્રાવેલેટરની વ્યવસ્થા હોય છે, જેના પર તમારે માત્ર ઊભા રહી જવાનું હોય છે, ચાલવાનું નહીં. ટ્રાવેલેટર તમને તમારા ગેટ સુધી પહોંચાડી દે છે. એકાગ્રતા પણ એક જાતનું ઑટોવૉક છે.
1824માં ફ્રાન્સમાં જન્મેલો ચાર્લ્સ બ્લોન્ડિન તંગ દોરડા પર ચાલવાનો કસબ ધરાવતો કુશળ ઍક્રોબેટ હતો. 1859ના જૂનમાં પોતાના અમેરિકા પ્રવાસ દરમિયાન એણે ધસમસતા વહેણવાળા નાયેગ્રા ધોધ પર દોરડા પર ચાલવાનો સંકલ્પ કર્યો.
એણે ધોધની ઉપર, 160 ફૂટની ઊંચાઈએ 1,100 ફૂટ લાંબું દોરડું બાંધ્યું. એક છેડો અમેરિકાની બાજુએ હતો અને બીજો કેનેડાની બાજુએ. ચાર્લ્સે તંગ દોરડા પર ચાલવાનો પ્રારંભ કર્યો.

પહેલી વાર ચાર્લ્સ એક લાકડી લઈને દોરડા પર ચાલ્યો. બીજી વાર આંખે પાટા બાંધીને એ અંતર પસાર કર્યું. ત્રીજી વાર તો પોતાના ખભે એક માણસને બેસાડીને ચાલ્યો, પરંતુ ચોથી વાર એણે કમાલ કરી. એ પોતાની સાથે સ્ટવ અને કડાઈ લઈને ગયો, દોરડા પર એક વાનગી બનાવીને જમ્યો. પાંચમી વાર એણે 750 મીટરનું અંતર એક પૈડાવાળી સાઇકલ ચલાવીને પસાર કર્યું.
અને 30 જૂન, 1859ના દિવસે ચાર્લ્સે 40 ફૂટ લાંબો વાંસ હાથમાં ઝાલી દોરડાની મધ્યમાં જઈને ઊંધી ગુલાંટ મારી, જેને 19મી સદીનું સૌથી મોટું સાહસ ગણાવવામાં આવ્યું.
ચાર્લ્સને તેની સફળતાનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેણે એટલું જ કહ્યું કે, “એકાગ્રતા. દોરડા સિવાય હું બીજું કંઈ જોતો જ નહોતો.”
આ ઘટનાના પાંત્રીસેક વર્ષ બાદ, 1895માં સ્વામી વિવેકાનંદ અમેરિકાના ન્યૂ યૉર્ક શહેરમાં ભ્રમણ કરી રહ્યા હતા. ત્યાં એમની નજરે એક દૃશ્ય ચડ્યું. કેટલાક યુવાનો નદીના પ્રવાહમાં બૉલ નાખીને એ બૉલને બંદૂકથી વીંધવાનો પ્રયત્ન કરતા હતા.
આ દૃશ્ય જોઈ સ્વામી વિવેકાનંદને હસવું આવી ગયું. એમને હસતા જોઈ પેલા યુવાનો છંછેડાયા : “હસવું આવે છે? નિશાનબાજી કાંઈ ખેલ નથી. તાકાત હોય તો તમે વીંધી બતાવો.” ત્યારે સ્વામીજીએ તત્કાળ હાથમાં રાઇફલ લઈને નિશાન તાક્યું અને એક પછી એક છ બૉલ વીંધી નાખ્યા. એક પણ નિશાન ખાલી ન ગયું. યુવાનો સ્તબ્ધ બની ગયા. “તમે તો બહુ મોટા નિશાનબાજ લાગો છો. ક્યાં શીખ્યા? તમારા ગુરુ કોણ?” જેવા પ્રશ્નોની એમણે ઝડી વરસાવી. પરંતુ પ્રત્યુત્તરમાં સ્વામીજીએ એટલું જ કહ્યું : “મારા ગુરુદેવ રામકૃષ્ણે મને શીખવાડ્યું છે કે લક્ષ્ય પ્રત્યે એકાગ્રતા રાખશો તો ધાર્યાં નિશાન પાર પાડી શકશો.”
સ્વામી વિવેકાનંદ ઘણી વખત કહેતા કે કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા 30% પુરુષાર્થ અને 70% એકાગ્રતાની જરૂર હોય છે. એકાગ્રતા વિનાનો માણસ સુકાન વિનાની નૌકાની જેમ આમતેમ ભટક્યા કરે છે, પણ લક્ષ્ય સુધી નથી પહોંચી શકતો.

ખરેખર, કાળા માથાનો માનવી જ્યારે પોતાનાં મન, ઇન્દ્રિયો અને અંતઃકરણને એકાગ્ર કરે છે, ત્યારે અકલ્પનીય આંતરિક શક્તિનો ખજાનો ઉદ્ભવે છે. દુનિયાને અશક્ય લાગતાં કાર્યો તે સહજતાથી કરે છે. એટલું જ નહીં, નવા વિક્રમો પણ સર્જે છે.
સ્વામિનારાયણીય સંતકવિ નિષ્કુળાનંદે લખ્યું છે :
જેમ નટ ચડે વળી વાંસડે,
જોવા મળે સઘળું ગામ,
પણ નટ ન જુએ કોઈને,
જો જુએ તો બગડે કામ.
ખરેખર, લૌકિક માર્ગ હોય કે આધ્યાત્મિક માર્ગ, તેમાં એકાગ્ર થયા વિના કાર્યનું ઉત્કૃષ્ટ ફળ નથી મળતું. નિર્ણય આપણા હાથમાં છે કે, શું મારે આગળ વધવું છે?
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)






