શિવનું અદ્ભૂત સ્વરૂપ : ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ

દુનિયામાં સૌથી મોટો અને જટિલ પ્રશ્ન કદાચ એ હશે કે ‘બ્રાહ્મહાંડ શું છે? અને એનાથી પણ અઘરો સવાલ એ છે કે ‘હું કોણ છું.’ એક જ સવાલના જવાબ શોધવા મનુષ્ય સદીઓથી મથતો આવ્યો છે. યોગશાસ્ત્ર, વિજ્ઞાન, અણુવિદ્યા, અવકાશ યાત્રા અને બીજું પણ ઘણું બધું. પણ હજુ સુધી એવા કોઈ જ સખત પુરાવાઓ નથી જે આપણને આપણા અસ્તિત્વના મૂળ કારણ સુધી પહોંચાડે.

સદીઓના પરિવર્તન પછી પણ વિજ્ઞાન માનવજાતના સર્જન અને વિસર્જનનું ચોક્કસ કારણ સમજી શક્યું નથી. ત્યારે હિન્દૂ ધર્મમાં કદાચ આ બધા જ સવાલોનું ખૂબ સરસ અર્થઘટન કરવામાં આવ્યું છે. જેમાના ઘણા આજે પણ મોર્ડન સાયન્સની પરે છે. એવા ઘણા જ ગૂઢ રહસ્યો આજે પણ વિજ્ઞાન સમજી શક્યું નથી.

પરંતુ સનાતન ધર્મમા વિશ્વના દરેક સવાલોના જવાબો લગભગ હતાં. ભલે તેમના દાર્શનિક પુરાવા ના હોય છતાં, સનાતન યોગીઓએ ટેલિસ્કોપ કે અધ્યતન સાધનો વગર માત્ર યોગ દ્વારા પૃથ્વી,સૂર્ય, ચંદ્ર તેમજ મન અને આત્માની સમજૂતી આપી હતી.આજે પણ શિવના સાક્ષાત સ્વરૂપ દ્વારા ભક્તો આજ ગૂઢ રહસ્ય જાણી શકે છે. શિવ એ માત્ર કોઈ દેવ જ નહીં પરંતુ તત્વ ચેતના અને બ્રહ્મહાંડનું સાક્ષાત પ્રતિક છે. તેના દરેક સ્વરૂપમાં એક સંદેશ છે.

શિવ – સમયની બહારની ચેતના

શિવજીનો જન્મ નથી કે નથી મૃત્યુ. તેથી નથી એ ભૂતકાળ કે ભવિષ્ય કાળ. એટલે જ એ મહાકાલ કહેવાયા છે. સમયથી પરે ચેતનાની કલ્પના એ જ મહાકાલનું સાચું સ્વરૂપ છે. વિજ્ઞાન આજ બાબતને મેમોરી પ્રોસેસિંગ ફિનોમેનન તરીકે સમજવાનો પ્રયાસ કરે છે. જેમાં કોઈ ઘટના પહેલેથી જ બની ચુકી હોય પરંતુ તેની ચેતના વર્તમાનમાં આપણને અનુભવ થાય છે. પરંતુ યોગ આનાથી પણ આગળ વિચારે છે કે સમયની આપણી અનુભૂતિ એજ માત્ર અંતિમ વાસ્તવિકતા નથી.

શિવનું ધ્યાન – હાથમા હરણ

શિવજીની સાચી પ્રતિમા જો કોઈએ જોઈ હોય તૉ એ પરમયોગી સ્વરૂપે એક હાથમા હરણ ધારણ કરે છે. જે આપણા ચંચળ મનનું પ્રતીક છે. મન હંમેશ હરણની જેમ જ્યાં ત્યાં ભટકે છે. પરંતુ એક સાચો યોગી મનને અને તેની ઈચ્છાઓને કાબુમાં રાખી શકે છે.

શિવ ત્રિશુલ – ત્રિગુણ

ત્રણ ગુણ સત્વ, રજસ અને તમસ. જેને આ ગુણ પર કાબુ મેળવ્યો છે તે શિવ. આપણા આ ત્રણ ગુણ જેના પરથી આપણા ચરિત્રનું નિર્માણ થાય છે. આ ત્રણ ગુણના સ્વામી એ શિવ.

માળા – અલંકાર નહીં પણ અવિરત

શિવના એક હાથમાં માળા છે, સતત ધ્યાન અને ચિંતન એ સતત અને અવિરત વિસ્તરતા બ્રહ્મહાંડની કલ્પના છે. શરીરના અસ્તિત્વનો આધાર સતત થતાં ધબકારા અને શ્વાસ છે, જે મોર્ડન સાયન્સમા અણુ પરમાણુ અને તેમાં થતું સતત વિસ્તરણનું પ્રતીક છે. તેમના ડમરાની ગતિ એ ક્વોન્ટમ ફિઝિક્સની ઘટનાનું આબેહૂબ સ્વરૂપ છે જેમાં સ્થિરતામાં ગતિનું ગૂઢ રહસ્ય છુપાયેલ છે. આપણે એજ સ્વરૂપને નટરાજના સ્વરૂપમાં અને શિવ તાંડવમા સાક્ષાત અનુભવી શકીયે છીએ.

હજારો વર્ષ પહેલાં ભારતીય ઋષિઓએ ચેતના, મન, સમય, અસ્તિત્વ અને “હું કોણ?” જેવા પ્રશ્નો પૂછ્યા હતા. આજે સાયન્સ આ પ્રશ્નોના કેટલાક ભાગોને અલગ પદ્ધતિથી તપાસી રહી છે. શિવ આ પ્રશ્નયાત્રાનું એક શક્તિશાળી પ્રતીક છે.તેનું ત્રીજું નેત્ર એ આંતરમન, ધ્યાન એ સાક્ષી ભાવ, મહાકાલ એ સમયથી પરે અસ્તિત્વની શોધ અને શિવલિંગ એ નિરાકાર અને અનંત તરફની યાત્રા છે. જેનો જન્મ નથી કે નથી મૃત્યુ. કદાચ શિવસ્વરૂપનો સૌથી મોટો સંદેશ એ નથી કે મારી પાસે બધા જવાબ છે. પરંતુ એ છે કે, પોતાના અસ્તિત્વના પ્રશ્નને એટલી ઊંડાઈથી જુઓ કે પ્રશ્ન જ તમારી અંદરની યાત્રા બની જાય.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)