શરૂઆત તો કરો, હિમાલય પણ રસ્તો આપશે!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણો સૌથી મોટો ડર કયો છે? એ વિકરાળ સિંહ કે અંધારી ગુફા નથી, પણ આપણા મનમાં જ પેદા થયેલો એક નાનો ડર છેઃ “નવો બિઝનેસ શરૂ કરીશ ને એમાં લૉસ ગયો તો?”, “યુપીએસસીની તૈયારી તો કરું, પણ નાપાસ થઈશ તો?”, “પરમેનન્ટ જૉબ છોડી બીજી સારી, પડકારરૂપ જૉબ લઉં, પણ એમાં કંઈ લોચો પડ્યો તો?”…

આ શંકાઓ અને વિઘ્નોના ડરથી કેટલાય લોકો કોઈ કાર્યનો આરંભ જ કરતા નથી. આ એ લોકો છે, જે મેદાનમાં ઊતર્યા વિના જ હારી જાય છે. પરંતુ જરા વિચારો—જો દુનિયાના મહાન લોકોએ માત્ર નિષ્ફળતાના ભયથી પોતાનાં કદમ પાછાં ખેંચી લીધાં હોત તો? શું માનવજાતિ અહીં સુધી પહોંચી શકી હોત?

સવાલ એ નથી કે રસ્તામાં સ્પીડબ્રેકર કેટલાં છે… સવાલ એ છે કે તમારું મનોબળ, તમારો ઈરાદો કેટલો મજબૂત છે.

જિંદગી કોઈ રેડ કાર્પેટ નથી. એ તો કાંટાળી કેડી છે. છતાં કેટલાક એવા અડગ માનવીઓ આ ધરતી પર અવતરે છે, જેઓ વિઘ્નોની પરંપરા વચ્ચે પણ પોતાની નજર માત્ર અને માત્ર લક્ષ્ય પર જ રાખે છે. આવા લોકોને કોઈ મુશ્કેલી અટકાવી શકતી નથી.

એમણે આપણા જેવી જ, બલકે એનાથી પણ વધુ વિકટ કાંટાળી કેડી પરથી પસાર થવા છતાં સફળતાનાં શિખરો સર કર્યાં. કારણ? એ વિઘ્નોની વચ્ચે ઊભા હતા છતાં એમની નજર હંમેશાં લક્ષ્ય તરફ જ મંડાયેલી રહી.

ધારો કે કોઈ તમને એમ કહે કે કોઈ પોલિયોગ્રસ્ત વ્યક્તિએ ઑલિમ્પિક્સમાં દોડીને ત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા. તો આ વાત માનવામાં આવે?

વાત છે 1960ના રોમ ઑલિમ્પિક્સની. અમેરિકાના ટેનેસીમાં જન્મેલી વિલ્મા રૂડોલ્ફને બાળપણમાં પોલિયો થયો. તેની શારીરિક સ્થિતિને કારણે એક સમયે તેના માટે સામાન્ય રીતે ચાલવું પણ મુશ્કેલ હતું. તેને પગમાં બ્રેસ પહેરવા પડતા હતા. પરંતુ તેના મનમાં એક વિચાર સતત ઘૂંટાયા કરતો હતો કે મારે આ પૃથ્વી પરની સૌથી ઝડપથી દોડતી મહિલા બનવું છેઃ “I want to be the fastest woman on the track on this earth.”

અશક્ય જેવી આ વાત તેના હૃદયનો ધબકાર બની ગઈ હતી. શરૂઆત તેણે ચાલવાના પ્રયત્નોથી કરી. ધીમે-ધીમે તેણે બ્રેસ વગર ચાલવાનું શરૂ કર્યું અને ત્યાર બાદ દોડની દુનિયામાં પ્રવેશ કર્યો.

1956માં માત્ર 16 વર્ષની વયે તેણે મેલબોર્ન ઑલિમ્પિક્સમાં 4×100 મીટર રિલેમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ત્યાર બાદ 1960માં ઇટલીના રોમમાં આયોજિત ઑલિમ્પિક્સમાં તેણે સૌના આશ્ચર્ય વચ્ચે 100 મીટર, 200 મીટર અને 4×100 મીટર રિલે—ત્રણેય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી ઇતિહાસ રચ્યો. તેની અસાધારણ ઝડપને કારણે તે વિશ્વભરમાં ‘The Fastest Woman in the World’ તરીકે જાણીતી બની.

જે બાળકી માટે એક સમયે ચાલવું પણ મુશ્કેલ હતું, એ જ યુવતીએ દુનિયાના સૌથી મોટા રમતોત્સવમાં દોડીને ત્રણ ગોલ્ડ મેડલ જીતી બતાવ્યા!

સંસ્કૃતમાં એક શ્લોક છેઃ

प्रारभ्यते न खलु विघ्नभयेन नीचैः ।
प्रारभ्य विघ्नविहता विरमन्ति मध्याः ॥
विघ्नैः पुनः पुनरपि प्रतिहन्यमानाः ।
प्रारभ्य चोत्तमजना न परित्यजन्ति ॥

અર્થાત્, જે નિમ્ન કોટિના માનવી હોય છે તે વિઘ્નના ભયથી કાર્યારંભ જ નથી કરતા. જે મધ્યમ કક્ષાના માનવી છે તે વિઘ્ન આવતાં જ આરંભેલા કાર્યને મૂકી દે છે, પરંતુ જે શ્રેષ્ઠજનો છે તે વારંવાર વિઘ્નો આવવા છતાં શરૂ કરેલા કાર્યને ક્યારેય છોડતા નથી.

કહે છેને કે—

કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી…
અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)