ભારત સાથે વેપાર બંધ થતાં અત્યાર સુધી પાકિસ્તાનને 40 અબજ $નું નુકસાન

ઇસ્લામાબાદઃ પાક-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના ચેરમેન નૂર મહંમદ કસૂરીના અંદાજ પ્રમાણે 2019માં ભારત સાથે વેપાર બંધ થયા બાદથી પાકિસ્તાનને અત્યાર સુધીમાં આશરે 40 અબજ ડોલરનું નુકસાન થઈ ચૂક્યું છે. અહેવાલ મુજબ કસૂરીએ ઇસ્લામાબાદને ભારત સાથે વેપાર પર લગાવવામાં આવેલા પ્રતિબંધ અંગે ફરી વિચારણા કરવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે બંને દેશો વચ્ચે વેપારી સંબંધો ફરી શરૂ થાય તો વેપારીઓનો ખર્ચ ઘટશે અને જરૂરી વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે.

પુલવામા હુમલા બાદ વેપારનો માર્ગ બંધ થયો

વર્ષ 2019માં પુલવામામાં આતંકવાદી હુમલો થયો હતો. ત્યાર બાદ બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ વધ્યો અને વેપારી સંબંધો સ્થગિત કરી દેવામાં આવ્યા હતા. લગભગ સાત વર્ષથી આ પ્રતિબંધ ચાલુ છે અને તેની અસર હવે પાકિસ્તાનના ઉદ્યોગો પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ભારતમાંથી સપ્લાય બંધ થયા બાદ પાકિસ્તાની વેપારીઓને કાચો માલ, ખેતી સંબંધિત ઉત્પાદનો અને ઔદ્યોગિક સામગ્રી માટે દૂરનાં બજારો પર નિર્ભર રહેવું પડ્યું છે. તેનs કારણે માલવહન ખર્ચ, પરિવહન ખર્ચ અને માલ પહોંચવામાં લાગતો સમય વધી ગયો છે.

દવા કંપનીઓ દર વર્ષે 2થી 3 અબજ ડોલર બચાવી શકે છે

ભારતથી વેપારી અંતર વધવાની સૌથી વધુ અસર જે ક્ષેત્રો પર પડી છે, તેમાં પાકિસ્તાનનો દવા ઉદ્યોગ પણ સામેલ છે. કસૂરીના જણાવ્યાનુસાર ભારતમાંથી સપ્લાય ન મળવાને કારણે આ ઉદ્યોગ પર દબાણ વધ્યું છે.તેમનો અંદાજ છે કે જો પાકિસ્તાનની દવા કંપનીઓ ભારતમાંથી કાચો માલ ખરીદવાનું શરૂ કરે તો તેઓ દર વર્ષે 2 અબજથી 3 અબજ ડોલર સુધીની બચત કરી શકે છે.

કપાસની અછતને કારણે કાપડ ઉદ્યોગ પર પાંચ અબજ ડોલરનો વધારાનો બોજ

કસૂરીના જણાવ્યાનુસાર પાકિસ્તાનમાં કપાસનું ઉત્પાદન ઘટી રહ્યું છે. આ અછત પૂરી કરવા માટે કાપડ મિલોએ બ્રાઝિલ, ઇજિપ્ત, ચીન અને અમેરિકામાંથી કપાસની આયાત કરવી પડી રહી છે. આ બદલાવને કારણે આ ક્ષેત્ર પર આશરે પાંચ અબજ ડોલરનો વધારાનો ખર્ચ આવ્યો છે. કસૂરીના જણાવ્યાનુસાર પાકિસ્તાન ખાંડ, ખાતર, સિમેન્ટ, પેટ્રોલિયમ ઉત્પાદનો, લોખંડ અને સ્ટીલ, શાકભાજી તથા ભારે મશીનરી જેવી અનેક વસ્તુઓ દૂરનાં બજારોમાંથી આયાત કરી રહ્યું છે. જ્યારે આ તમામ ક્ષેત્રોમાં ભારત પાસે મોટા પાયે ઉત્પાદન કરવાની ક્ષમતા છે. કસૂરીનું કહેવું છે કે બંને દેશો વચ્ચેના રાજકીય વિવાદોનો ઉકેલ વાતચીત દ્વારા લાવવો જોઈએ. તેના કારણે બંને દેશો વચ્ચેના આર્થિક વ્યવહારો અટકાવવા જોઈએ નહીં.