નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં સંચાર ક્ષેત્રે પોતાની બાદશાહત જાળવી રાખવા માટે કોઈ કસર છોડવા માગતી નથી. અત્યાર સુધી ફિઝિકલ ટાવર અને સમુદ્રમાં પથરાયેલા કેબલ નેટવર્ક પર ધ્યાન કેન્દ્રિત કર્યા બાદ હવે રિલાયન્સની નજર અંતરિક્ષ તરફ છે. અહીં તેનો મુકાબલો વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક સાથે થવાની શકે છે. મસ્કની કંપની સ્ટારલિંક ભારતમાં પ્રવેશવા માટે સતત પ્રયાસો કરી રહી છે. બીજી તરફ, રિલાયન્સે પણ સ્ટારલિંકને ટક્કર આપવાની તૈયારી શરૂ કરી દીધી છે. બ્લુમબર્ગના અહેવાલ અનુસાર રિલાયન્સ અંતરિક્ષમાં 1600 સેટેલાઇટ મોકલવાની સંભાવનાઓ શોધી રહી છે.
ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ભારતીય સેટેલાઇટ બનાવતી કંપનીઓ, ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સ અને મોટા ઔદ્યોગિક જૂથો સાથે ભાગીદારી કરવા માટે સક્રિય બની છે. કંપનીનો ઉદ્દેશ એવું સેટેલાઇટ નેટવર્ક તૈયાર કરવાનો છે, જેના પર ભારતનું નિયંત્રણ હોય અને જે દેશની ઇન્ટરનેટ કનેક્ટિવિટીની જરૂરિયાતો પૂરી કરી શકે.
શું છે રિલાયન્સનો સંપૂર્ણ પ્લાન?
રિલાયન્સ દેશમાં સેટેલાઇટનું ઉત્પાદન કરવાની સાથે વિદેશમાંથી પણ તેની ખરીદી કરશે. કંપની અમેરિકામાંથી ઓછામાં ઓછા 400 સેટેલાઇટ ખરીદવાની યોજના બનાવી રહી છે. અહેવાલ મુજબ રિલાયન્સ અમેરિકાની બે કંપનીઓ સાથે સેટેલાઇટ ખરીદવા અંગે વાતચીત કરી રહી છે. આ ઉપરાંત યુરોપની કંપનીઓને પણ સંભવિત સપ્લાયર તરીકે જોવામાં આવી રહી છે. જોકે, કંપની હાલમાં ચીનમાંથી સેટેલાઇટ ખરીદવા અંગે વિચાર કરી રહી નથી. રિલાયન્સ સપ્ટેમ્બર, 2027માં પ્રથમ ટેસ્ટ મિશન શરૂ કરવાની અને 2028ની શરૂઆતથી મોટા પાયે સેટેલાઇટ તૈનાત કરવાની યોજના પર કામ કરી રહી છે. અગાઉ કંપનીનો હેતુ 2030 સુધીમાં નેટવર્ક તૈયાર કરવાનો હતો, પરંતુ સેટેલાઇટના ઉત્પાદન અને લોન્ચિંગ સાથે જોડાયેલા પડકારોને કારણે હવે આ સમયમર્યાદા વધારીને 2035 કરવામાં આવી છે.

ભારતમાં દર વર્ષે માત્ર 15 સેટેલાઇટનું ઉત્પાદન
રિલાયન્સ સામે સૌથી મોટો પડકાર આટલી મોટી સંખ્યામાં સેટેલાઇટ તૈયાર કરવાનો છે. અહેવાલ મુજબ ભારતમાં હાલમાં દર વર્ષે 15 કરતાં પણ ઓછા સેટેલાઇટનું ઉત્પાદન થાય છે. જ્યારે રિલાયન્સના પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે દર વર્ષે આશરે 200 સેટેલાઇટનું ઉત્પાદન કરવાનું છે.
સ્ટારલિંકથી કેટલું અલગ હશે રિલાયન્સનું નેટવર્ક?
એલન મસ્કની કંપની સ્ટારલિંક પાસે 10,000થી વધુ સેટેલાઇટ ધરાવતું વૈશ્વિક નેટવર્ક છે. તેની સરખામણીએ રિલાયન્સ 1600 સેટેલાઇટનું નેટવર્ક તૈયાર કરવાની યોજના ધરાવે છે. બંને કંપનીઓના નેટવર્કનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે, પરંતુ રિલાયન્સનું ધ્યાન મુખ્યત્વે ભારતની જરૂરિયાતો પર રહેશે.






