સરકારી નોકરી, કાર, એસી હોવા છતાં 13 ટકા લોકો લે છે મફત અનાજ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા મૂલ્યાંકનમાં સામે આવ્યું છે કે સરકાર તરફથી મફત અનાજ મેળવતા લોકોમાંથી આશરે 13 ટકા લોકો આ યોજનાના પાત્ર નથી. તેમાં એવા પરિવારોનો સમાવેશ થાય છે જેમની પાસે પાકાં મકાન, કાર અને એર કન્ડિશનર (એસી) જેવી સુવિધાઓ છે.

આ મૂલ્યાંકન મુજબ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, 2013 હેઠળ મફત અનાજ મેળવનારા 13.2 ટકા લોકો એવા છે, જેઓ આ યોજનાની પાત્રતા ધરાવતા નથી. હાલમાં આ યોજના પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) નામે ચલાવવામાં આવે છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન હાથ ધરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઘણા પરિવારો રાજ્ય સરકારો દ્વારા નક્કી કરવામાં આવેલી પાત્રતાની શરતો પૂર્ણ કરતા નથી. તેમાં ત્રણ કે તેથી વધુ રૂમવાળાં પાકાં મકાનો, કાર અને એસી ધરાવતા પરિવારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એવા પરિવારો પણ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેમના સભ્યો સરકારી નોકરીમાં છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ (DFPD) દ્વારા આ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. તેમાં દેશનાં તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ તથા શહેરી વિસ્તારોના કુલ 51,303 લાભાર્થી પરિવારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ અપાત્ર લાભાર્થીઓ

અભ્યાસ મુજબ અનેક રાજ્યોમાં અપાત્ર લોકો દ્વારા મફત અનાજ મેળવવાનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણું વધારે છે. આ મામલે પશ્ચિમ બંગાળ 39.5 ટકા સાથે પ્રથમ ક્રમે છે. ત્યાર બાદ ત્રિપુરા (39.2 ટકા) અને તામિલનાડુ (38.7 ટકા)નો ક્રમ આવે છે. આ અભ્યાસનાં તારણો એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કેન્દ્ર સરકારે ખાદ્ય સબસિડી પર રૂ. 2.28 લાખ કરોડ ખર્ચ્યા હતા. આ કુલ રૂ. 4.69 લાખ કરોડની સબસિડીનો લગભગ અડધો હિસ્સો છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. આ વિભાગ ખાદ્ય સુરક્ષા કાયદાના અમલીકરણની જવાબદારી સંભાળે છે.

આશરે 78 કરોડ લોકોને મળે છે લાભ

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ સરકાર ગ્રામીણ વિસ્તારોના 75 ટકા અને શહેરી વિસ્તારોના 50 ટકા લોકોને ખાદ્ય સુરક્ષા પૂરી પાડે છે. કુલ મળીને આ કાયદા હેઠળ વધુમાં વધુ આશરે 81.35 કરોડ લોકોને આવરી શકાય છે. ઓક્ટોબર, 2026 સુધી આ યોજનાના લાભાર્થીઓની સંખ્યા 78.63 કરોડ હતી.